મુખ્ય સમાચાર
News of Saturday, 23rd June 2018

મોબાઇલ પોર્ટેબિલિટી માટે ગ્રાહક દીઠ મળતા ૧૯ રૂપિયાના સ્‍થાને હવે માત્ર ૪ રૂપિયા કરી દેવાતા ૨૦૧૯ પછી ગ્રાહકોને હાલાકી ભોગવવી પડશે

નવી દિલ્હીઃ મોબાઇલ નંબર પોર્ટેબિલિટી કરાવવા ઈચ્છતા લોકોને માર્ચ 2019 પછી હાલાકી ભોગવવી પડી શકે છે. પોર્ટેબિલિટીનું કામ કરતી બે કંપનીઓ ઈન્ટરકનેક્શન ટેલિકોમ સોલ્યુશન અને સિનિવરસ ટેક્નોલોજીસે સરકારને જણાવ્યું છે કે, પોર્ટેબિલિટીની ફીમાં 80 ટકાનો જંગી ઘટાડો કરાતા હવે તેમને કામ ચાલુ રાખવામાં કોઈ રસ નથી.

અત્યાર સુધી આ બે કંપનીને નંબર પોર્ટેબિલિટી માટે ગ્રાહક દીઠ 19 રુપિયા મળતા હતા, જેને ઘટાડીને હવે 4 રુપિયા કરી દેવાયા છે. આ ચાર્જ ગ્રાહક પાસેથી નહીં, પરંતુ જે કંપનીની સર્વિસ ગ્રાહક શરુ કરાવે તેની પાસેથી વસૂલાતો હોય છે. બંને કંપનીઓનો દાવો છે કે, તેમને મળતી ફીમાં ધરખમ ઘટાડો કરાતા તેમને ખોટ જઈ રહી છે, અને હવે તેઓ પોતાનું કામકાજ ચાલુ રાખી શકે તેમ નથી. તેમના લાઈસન્સની મુદ્દત 31 માર્ચ 2019ના રોજ પૂરી થાય છે.

જો આ બંને કંપનીઓએ પોતાના નિવેદન અનુસાર, 31 માર્ચ 2019 પછી સર્વિસ બંધ કરી દીધી તો જ્યાં સુધી આ કામ સંભાળી શકે તેવી કોઈ ફર્મને તેનો કોન્ટ્રાક્ટ ન મળે ત્યાં સુધી નંબર પોર્ટેબિલિટી કરાવવી અશક્ય થઈ જશે. સરકારનું કહેવું છે કે જો મુદ્દો ન ઉકેલાયો તો તે બીજી કોઈ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવશે.

હાલના સમયમાં મોબાઈલ પોર્ટેબિલિટીના પ્રમાણમાં ત્રણ ગણો વધારો થયો છે. જિયોની એન્ટ્રી સિવાય રિલાયન્સ કોમ્યુનિકેશન, ટાટા ટેલીસર્વિસ, એરસેલ, ટેલીનોર ઈન્ડિયા જેવી કંપનીઓએ કામકાજ બંધ કરતા પોર્ટેબિલિટી કરાવનારાઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. આ ઉપરાંત, અન્ય કારણોસર પણ લોકો પોર્ટેબિલિટી કરાવતા રહે છે.

દક્ષિણ તેમજ પૂર્વ ભારતમાં પોર્ટેબિલિટીનું કામ સંભાળતી MNP ઈન્ટરકનેક્શનનું કહેવું છે કે, તે પોતાનું લાઈસન્સ સરેન્ડર કરી દેશે, જ્યારે પશ્ચિમ અને ઉત્તર ભારતમાં સર્વિસ આપતી સિનિવર્સ ટેક્નોલોજીસનું કહેવું છે કે, સરકારે ચાર્જ ઘટાડી દેતા તેને ખોટ જઈ રહી છે. બંને કંપનીઓ અત્યાર સુધી પોર્ટેબિલિટીની 37 કરોડ રિક્વેસ્ટ હેન્ડલ કરી ચૂકી છે.

બંને કંપનીઓએ આ મામલે સરકારને પત્ર પણ લખ્યો છે. તેમનું કહેવું છે કે, ટ્રાઈના નિયમ અનુસાર, પોર્ટેબિલિટી સક્સેસ થાય પછી જ તેમને ચાર્જ ચૂકવાય તેવો આદેશ છે. જો પોર્ટેબિલિટી ન થાય તો તેમણે પોતાની સર્વિસ આપી હોવા છતાં તેમને તેની ફી નથી મળતી, આમ તેમની કમાણી ગ્રાહક દીઠ ચાર રુપિયાથી પણ ઓછી થઈ જાય છે.

આ બાબત સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે, જો સરકાર આનો કોઈ ઉકેલ ન લાવી તો સ્થિતિ ખરાબ થઈ શકે છે. જ્યારે હાલની કંપનીઓ જ કમાણી ન થઈ રહી હોવાની ફરિયાદ કરી રહી છે, ત્યારે તેમના ગયા પછી નવા સર્વિસ પ્રોવાઈડર શોધવા ખૂબ જ મુશ્કેલ બની જશે.

(6:32 pm IST)