મુખ્ય સમાચાર
News of Monday, 23rd May 2022

મોંઘવારીને કાબૂમાં કરવા રૂ.બે લાખ કરોડ ખર્ચ કરશે કેન્‍દ્ર

નવી દિલ્‍હી, તા.૨૩: દેશમાં જ નહીં, પણ વિશ્વમાં હાલના દિવસોમાં મોંઘવારીના દરમાં નોંધપાત્ર વધારો થયો છે. કેટલીય મધ્‍યસ્‍થ બેન્‍કે મોંઘવારી પર કાબૂ મેળવવા માટે વ્‍યાજદરો વધારી રહી છે, ત્‍યારે કેન્‍દ્ર સરકારે વર્ષ ૨૦૨૨-૨૩માં મોંઘવારીને કાબૂમાં કરવા માટે રૂ. ૨,૦૦,૦૦૦ કરોડ (૨૬ અબજ ડોલર)ના વધારાના ખર્ચની યોજના બનાવી છે, એમ આ બે સરકારી અધિકારીઓએ જણાવ્‍યું હતું.

સરકારે હાલમાં જ પેટ્રોલ-ડીઝલ પરની એક્‍સાઇઝ ડ્‍યુટીમાં ઘટાડો કર્યો હતો. આ પગલાથી સરકારની આવકમાં રૂ. ૧,૦૦,૦૦૦ કરોડનો ઘટાડો થવાની વકી છે. દેશમાં રિટેલ મોંઘવારીનો દર એપ્રિલમાં આઠ વર્ષના મહત્તમ સ્‍તરે પહોંચી હતી, જયારે જથ્‍થાબંધ મોંઘવારીનો દર વધીને ૧૭ વર્ષના ઉચ્‍ચ સ્‍તરે પહોંચી ગયો છે. આ વર્ષે અનેક રાજયોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્‍યારે મોંઘવારી એ મોદી સરકાર માટે એક માથાનો એક દુઃખાવો બની ગઈ છે.

અમે મોંઘવારી પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહ્યા છીએ. રશિયા-યુક્રેન યુદ્ધની અસરને કારણે વિશ્વમાં એક મોટું સંકટ ઊભું થયું છે, જેની કોઈને અપેક્ષા નહોતી, એમ એક સરકારી અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું. સરકારના અંદાજ મુજબ કેન્‍દ્રને ખાતર સબસિડી માટે રૂ. ૫૦,૦૦૦ કરોડના વધારાના ફંડની જરૂર પડશે. સરકારના ખર્ચના હાલના અંદાજ મુજબ રૂ. ૨.૧૫ લાખ કરોડનો થશે. સરકારે બજેટની ઘોષણા અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં રૂ. ૧૪.૩૧ લાખ કરોડ ધિરાણ લેવાની યોજના બનાવી છે. સરકાર ક્રૂડ ઓઇલની કિંમતોમાં સતત વધારો થશે તો એ પેટ્રોલ અને ડીઝલની કિંમતના ટેક્‍સમાં વધુ ઘટાડો કરશે

(4:06 pm IST)