વાહ ! તમે હિન્દી કયાંથી શીખ્યા ? તમે તેને સારી રીતે જાણો છો ? : નરેન્દ્રભાઇએ પ્રશંસા કરી ઓટોગ્રાફ પણ આપ્યો
જાપાનીઝ બાળક રિત્સુકી કોબાયાશીની હિન્દી ભાષાથી પ્રભાવિત થયા પીએમ
ટોકયો, તા.૨૩: વડાપ્રધાન નરેન્દ્રભાઈ પોતાની બે દિવસીય યાત્રા અંતર્ગત જાપાનની રાજધાની ટોકયો ખાતે પહોંચ્યા છે. ટોકયો પહોંચ્યા બાદ વહેલી સવારે તેમણે હોટેલ ન્યૂ ઓટાનીની બહાર તેમના સ્વાગત માટે રાહ જોઈ રહેલા બાળકો સાથે ખાસ સંવાદ સાધ્યો હતો.
આ દરમિયાન રિત્સુકી કોબાયાશી નામના એક બાળકની હિન્દી ભાષાથી તેઓ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા. વડાપ્રધાને રિત્સુકીને ઓટોગ્રાફ આપવાની સાથે તેની પ્રશંસા પણ કરી હતી. સાથે જ, વાહ! તમે હિન્દી કયાંથી શીખ્યા?.. તમે તેને સારી રીતે જાણો છો?ઁ તેવો સવાલ પણ કર્યો હતો.
રિત્સુકી કોબાયાશી નામનો આ બાળક વડાપ્રધાન મોદીને મળીને ખૂબ જ આનંદિત જણાઈ રહ્યો છે. તેણે કહ્યું કે, પીએમ મોદીએ મારો સંદેશો વાંચ્યો, જે મેં કાગળ પર લખ્યો હતો અને આ જ કારણ છે કે, હું ખૂબ જ ખુશ છું અને એટલે સુધી કે મને તેમના ઓટોગ્રાફ પણ મળ્યા.