મુખ્ય સમાચાર
News of Saturday, 23rd May 2020

લોકડાઉને ૨૦ લાખ લોકોને કોરોનાનો શિકાર થતા બચાવ્યા

આશરે ૮૦ ટકા કેસ પાંચ રાજયો–મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં થયા છે

નવી દિલ્હી, તા.૨૩: દેશમાં જો સમયસર લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ન હોત તો કોરોના સંક્રિમતોની સંખ્યામાં ખાસ્સો એવો વધારો થયો હોત. આ ઉપરાંત દેશ પાસે એ સમયે કોરોના કેસોની સ્થિતિને સંભાળવી મુશ્કેલ બની જાત. દેશમાં કોવિડ-૧૯ના સ્થિતિ પર કેન્દ્ર સરકારે કહ્યું હતું કે દેશમાં લોકડાઉનને લીધે લગભગ ૨૦ લાખ કોરોના સંક્રમણને અને ૫૪,૦૦૦ મરણ થતા રોકી શકાયા છે. સરકારે કહ્યું છે કે આશરે ૮૦ ટકા કેસ પાંચ રાજયો –મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં થયા છે. આવામાં કહી શકાય કે દેશમાં કોરોના પ્રકોપ સીમિત ક્ષેત્ર સુધી છે. સરકારે કહ્યું છે કે બે સ્વતંત્ર અર્થશાસ્ત્રી દ્વારા તૈયાર મોડલથી માલૂમ પડ્યું છે કે લોકડાઉનને કારણે કોવિડ-૧૯ના ૨૦ લાખ કેસ અને ૬૮,૦૦૦ મોતોને ટાળી શકાય છે.

કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના જણાવ્યાનુસાર લોકડાઉનને કારણે આશરે ૭૮,૦૦૦ લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે જયારે લોકડાઉન શરૂ થયું ત્યારેથી દેશમાં કોવિડ-૧૯ના કેસોનો ડબલિંગ રેટ ૩.૪ દિવસની હતી, જયારે હાલમાં એ ૧૩.૩ દિવસ છે. આવામાં જો લોકડાઉન ના લગાવવામાં આવ્યું હોત તો કોરોના કેસમાં ઝડપથી વધારો થાત.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના આંકડા ૧,૧૮,૦૦૦એ પહોંચી ગયા છે. અત્યાર સુધી બપોરે ૨૭ લાખથી વધુ ટેસ્ટ થઈ ચૂકયા છે. આ સમયગાળામાં ૧૮,૨૮૭ ટેસ્ટ ખાનગી લેબમાં કરવામાં આવ્યા હતા. ICMRએ પણ કહ્યું છે કે એક દિવસમાં ૧,૦૩૮૨૯ ટેસ્ટ થયા છે. ICMRએ કહ્યું છે કે સતત ચોથો દિવસ છે, જયારે દૈનિક ધોરણે એક લાખથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે દેશમાં કોવિડ-૧૯ના કેસોની ગતિ ધીમી પડી છે. પ્રારંભમાં ડબલિંગ રેટ વધુ હતો, પણ પછી એ ઓછો થઈ ગયો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે અત્યારે કેસ વધુ આવી રહ્યા છે, પણ અન્ય દેશોની તુલનામાં ભારત સારી સ્થિતિમાં છે. મંત્રાલયે કહ્યું છે કે દેશમાં કોવિડ-૧૯ મૃત્યુ દર ૩.૧૩ ટકાથી દ્યટીને ૩.૦૨ ટકા થઈ ગયો છે. રિકવરી રેટ પણ વધીને આશરે ૪૧ ટકા થયો છે.

(2:51 pm IST)