મુખ્ય સમાચાર
News of Saturday, 23rd May 2020

ભારતમાં આ જ ઝડપે કોરોનાના કેસ વધતા જશે તો પાંચ દિવસમાં ફ્રાંસ પણ પાછળ રહી જશે!

દુનિયામાં કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા અડધા કરોડને પાર, જયારે ૩.૩૫ લાખથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો

નવી દિલ્હી, તા.૨૩: ભારતમાં લોકડાઉન ૪.૦નો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. જેમાં બસથી લઈને વિમાન સેવા શરૂ કરી દેવામાં આવી છે. બજારો ખુલી રહ્યા છે અને જિંદગી ફરી પાટા પર ચડી રહી છે. પરંતુ કોરોના વાયરસના પ્રસરવાની ઝડપ સતત વધી રહી છે. શુક્રવારે રાત્રે ૧૧.૩૦ વાગ્યે ભારતમાં આશરે ૧.૨૫ લાખ લોકો કોવિડ-૧૯ના ઝપટમાં આવી ચુકયા છે. જેમાંથી ૬૯ હજાર જેટલા સક્રિય કેસ છે. ભારત કુલ કેસના મામલામાં દુનિયામાં ૧૧માં નંબર પર છે. એકિટવ કેસના મામલે ભારત વિશ્વમાં પાંચમાં નંબર છે, બહુ ઝડપથી ભારત હવે ચોથા નંબર પર પહોંચી શકે છે.

Worldometers વેબસાઇટના જણાવ્યા પ્રમાણે ભારતમાં શુક્રવારે રાત્રે ૧૧.૩૦ વાગ્યા સુધી કોવિડ-૧૯ના કુલ ૧.૨૪ લાખ થઈ ગયા છે. જયારે ૩,૭૦૦થી વધારે લોકોનાં મોત થઈ ચુકયા છે. ભારતમાં ૧૮ મેથી લોકડાઉન ૪.૦) લાગૂ છે. આ દરમિયાન દેશમાં દરરોજ પાંચ હજારથી વધારે કેસ સામે આવી રહ્યા છે. વેબસાઇટના જણાવ્યા પ્રમાણે ભારત માટે એ રાહતના સમાચાર છે કે ૫૧ હજાર લોકોએ કોરોનાને હરાવી દીધો છે અને સારવાર બાદ હોસ્પિટલમાંથી પોતાના ઘરે પરત ફર્યાં છે.

દુનિયામાં સક્રિય કેસની વાત કરવામાં આવે તો ભારતમાં કેસની સંખ્યા આશરે ૬૯ હજાર છે. ભારત હાલ પાંચમાં સ્થાન પર છે. ફકત અમેરિકા, રશિયા, બ્રાજિલ અને ફ્રાંસમાં જ ભારતથી વધારે સક્રિય કેસ છે. જેમાં ફ્રાંસમાં સક્રિય કેસની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. જયાં શુક્રવારે રાત્રે સક્રિય કેસની સંખ્યા ૮૯ હજાર ૭૫૩ હતી. જે ભારતથી ફકત ૨૦ હજાર વધારે છે. ભારતમાં જે ઝડપે કેસની સંખ્યા વધી રહી છે તેને જોતા ફકત પાંચ જ દિવસમાં ભારત ફ્રાંસથી આગળ નીકળી શકે છે. ફ્રાંસમાં બે દિવસમાં ૫૦૦ સક્રિય કેસ ઓછા થયા છે.

કોવિડ ૧૯ મામલે કુલ સક્રિય કેસ અને મોતના મામલે અમેરિકાની હાલત સૌથી ખરાબ છે. અહીં ૧૬.૨૫ લાખ લોકો કોરોનાની ઝપટમાં આવી ગયા છે. જેમાંથી ૧૧.૪૬ લાખ સક્રિય કેસ છે. અહીં આશરે ૩.૩૮ લાખ લોકો સાજા થયા છે, જયારે ૯૬ હજારથી વધારે લોકોનાં મોત થઈ ચુકયા છે.

સક્રિય કેસમાં રશિયા બીજા નંબર પર અને બ્રાઝીલ ત્રીજા નંબર પર છે. જયારે ફ્રાંસ ચોથા નંબર પર છે. રશિયામાં કુલ ૩.૨૬ લાખ કેસ છે, જેમાંથી ૨.૨૩ લાખ સક્રિય છે. બ્રાઝીલમાં ૩.૧૨ લાખ કેસ છે, જેમાંથી ૧.૬૬ લાખ સક્રિય કેસ છે. રશિયામાં ૩,૨૦૦ અને બ્રાઝીલમાં ૨૦ હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. ફ્રાંસમાં કુલ ૧.૮૧ લાખ કેસ છે. જેમાંથી ૨૮ હજારથી વધારે લોકોનાં મોત થયા છે.

દુનિયામાં કોરોના પીડિત લોકોની સંખ્યા અડધા કરોડને પાર કરી ગઈ છે. Worldometers પ્રમાણે શુક્રવારે મોડી રાત સુધી ૫૨.૪૪ લાખ લોકો કોરોનાની ઝપટમાં આવી ચુકયા છે. જેમાંથી ૩.૩૫ લાખ લોકો મૃત્યું પામ્યાં છે. જયારે આશરે ૨૧.૧૫ લાખ લોકો સાજા થયા છે. હાલમાં દુનિયામાં ૨૭.૯૨ લાખથી વધારે સક્રિય કેસ છે.

(11:48 am IST)