મુખ્ય સમાચાર
News of Saturday, 23rd May 2020

શું કોઇ મોટુ ષડયંત્ર છે?

POKમાં પાકિસ્તાન તો લડાખમાં ચીન સક્રિય

કારગીલ કાંડનું પુનરાવર્તન તો નથી થવાનું ને? LOC પર પાક.ના કાંકરીચાળા અને ખીણમાં આતંકી હુમલા વધ્યાઃ ચીન લડાખમાં આક્રમક બની રહ્યુ છે

નવી દિલ્હી, તા.૨૩: લદ્દાખમાં લાઇન ઓફ એકચુઅલ કંટ્રોલ (એલએસી) પર ભારત-ચીનના સૈનિકોની વચ્ચે ચાલી રહેલ ગતિરોધ વધુ ઘેરો બની રહ્યો છે. ચીન પેંગોંગ સો તળાવને અડીને આવેલા ફિંગર વિસ્તારમાં ચીન બંકર બનાવી રહ્યું છે તો ગલવાન રિજનમાં ૩ સ્થળોએ ભારતીય ક્ષેત્રમાં ઘૂસી ચૂકયું છે. ચીન સરહદ પર આ આક્રમકતા એવા સમયે બતાવી રહ્યું છે જયારે એલઓસી પર પાકિસ્તાન તરફથી સતત ગોળીબાર થઇ રહ્યો છે, ઘાટીમાં પાક પ્રાયોજિત આતંકવાદી હુમલાઓ વધી ગયા છે અને ઇસ્લામાબાદ પીઓકેમાં ચૂંટણી યોજવા જઈ રહ્યું છે. નિષ્ણાતો માને છે કે એલઓસી અને એલએસી પર પાકિસ્તાન અને ચીન સક્રિય હોવાનો સંયોગ નથી, પરંતુ તેઓ એકબીજા સાથે જોડાયેલા છે. આ ભારત વિરુદ્ઘ કોઈ ખતરનાક કાવતરું તો નથી ને? ભૂતકાળમાં ચીનની કુટિલતાઓને ધ્યાનમાં લેતા આ ષડયંત્રની આશંકાઓ વધુ છે.

સૌ પ્રથમ ચાલો સમજીએ કે ફિંગર એરિયા શું છે. પેંગોંગ સો તળાવને અડીને પર્વતીય રસ્તાઓથી બનેલા વિસ્તારોને ફિંગર એરિયા કહેવામાં આવે છે. આ અંગે બંને પક્ષો પોતાના દાવા કરે છે અને તેને લઇ અવારનવાર વિવાદ થતા રહે છે.

એલઓસી અને એલએસીની ગતિવિધિઓ પર નજર રાખનારાઓના મતે પાકિસ્તાન અને ચીનની કરતૂતો વચ્ચે સુમેળ દેખાય છે અને તેને સંયોગ સમજી નકારી શકાય નહીં. તેથી જ સુરક્ષા એજન્સીઓ આ પ્રવૃત્તિઓ પર બારીકાઇથી નજર રાખી રહ્યું છે. બધી સરહદો પર વધારે તકેદારી રાખવામાં આવી રહી છે જેથી જો બંને પાડોશી એક સાથે આવે, તો તેમનો સામનો કરી શકાય. સંરક્ષણ મથકો સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે લદ્દાખના ગાલવાન વિસ્તારમાં ભારે સૈન્ય વાહનોના આગમનથી તણાવ વધ્યો છે.

માનવામાં આવે છે કે ચીની સૈનિકોએ લદાખમાં ઓછામાં ઓછા ૩ મુદ્દાઓથી ભારતીય ક્ષેત્રનું ઉલ્લંદ્યન કર્યું છે. તેમાં પેટ્રોલ પોઇન્ટ ૧૪ અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગોગરા પોસ્ટની નજીકની જગ્યા સામેલ છે. અહેવાલો સૂચવે છે કે આ દરેક સ્થળોએ ૫૦૦ થી વધુ ચીની સૈનિકો હાજર છે તે પણ ભારતીય ક્ષેત્રની અંદર.

ચીની સૈનિકોની તૈનાતી પછી ભારતીય સેનાએ પણ આ વિસ્તારમાં વધું સૈનિકોને તૈનાત કરી દીધા છે. એવું પણ માનવામાં આવે છે કે ચીન પેંગોંગ સો તળાવને અડીને ફિંગર એરિયામાં બંકર બનાવી રહ્યું છે. ભારતીય સૈનિકો દ્યણાં વર્ષોથી ફિંગર ૫ થી ૮ સુધી પેટ્રોલિંગ કરી રહ્યા છે જયારે ચીની સૈનિકો ફિંગર ૩ અને ૪દ્ગક વચ્ચે બંકર બનાવી રહ્યા છે. જેનો હેતુ ભારતીય જવાનોને બાકીના વિસ્તારમાં પ્રવેશ અટકાવવાનો છે. ચીની સૈન્યએ પણ પર્વતીય માર્ગો પર સ્થાન લઇ લીધું છે. આ બધું ત્યારે થઈ રહ્યું છે જયારે ચીને પેંગોંગ તળાવમાં સશસ્ત્ર બોટની સંખ્યામાં વધારો કરી દીધો છે તેથી તે પેટ્રોલીંગ કરી રહ્યું છે.

એલઓસી અને એલએસી પર બનેલી દ્યટનાઓ કારગિલ જંગની યાદ અપાવે છે. જયારે ભારત કારગિલમાં પાકિસ્તાનની નકારાત્મક રચનાઓને તોડી પાડવામાં રોકાયેલું હતું, ત્યારે દુષ્ટ ચીને પેંગોંગ સો તળાવના કાંઠે ૫ કિ.મી. લાંબો રસ્તો બનાવામાં લાગી ગયું. બીજીબાજુ ભારતીય સૈનિકોનું ફોકસ પાકિસ્તાની હિમાકતને કાઉન્ટર કરવા પર હતું અને બીજીબાજુ ચીને આ અવસરનો ફાયદો ઉઠાવતા રેકોર્ડ સમયમાં તળાવના કિનારે પેટ્રોલિંગ માટે ટ્રેક બનાવી દીધો હતો.

નિષ્ણાતો માને છે કે એલઓસી પર સીમાપાર ફાયરિંગમાં વધારો, ખીણમાં આતંકવાદી હુમલાઓ અને એલએસીમાં ભારતીય વિસ્તારોમાં ચીની પ્રવેશની દ્યટનાઓ એકબીજા સાથે જોડાયેલી છે. જમ્મુ-કાશ્મીરનો સ્પેશ્યલ દરજ્જો નાબૂદ કર્યા બાદ અને તેને ૨ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજીત કર્યા પછી આ બધી દ્યટનાઓ પહેલાં ઉનાળામાં બની રહી છે.

પૂર્વ નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એસ. ડી. પ્રધાને એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ચીન-પાકિસ્તાનનું ગઠજોડ પીઓકે અને અકસાઈ ચીનને ફરીથી મેળવવાના ભારતીય પ્રયત્નોથી ચિંતિત છે. આ બંને ક્ષેત્ર સીપીઇસી (ચાઇના પાક આર્થિક કોરિડોર) માટે મહત્વપૂર્ણ છે, 'અફદ્યાનિસ્તાનમાં ભારતના પ્રભાવને મર્યાદિત કરવું'પણ મહત્વનું છે. તેથી ચીન અને પાકિસ્તાન આના (પીઓકે અને અકસાઈ ચિન) પર પોતાનું નિયંત્રણ વધુ મજબૂત બનાવવાની યોજના ઘડી રહ્યા છે. આનાથી અફદ્યાનિસ્તાનમાં ભારતના પ્રભાવને પણ મર્યાદિત કરશે.

તેમણે કહ્યું કે, ચીન અને પાકિસ્તાન હવે નેપાળનો ઉપયોગ કરીને ભારત ઉપર દબાણ વધારી રહ્યા છે. તેમણે કહ્યું, નેપાળનો ઉપયોગ ભારતને દબાણમાં લાવવા માટે થઈ રહ્યો છે. નેપાળે તાજેતરમાં એક નકશો બહાર પાડીને ભારતીય પ્રદેશોનો સમાવેશ કર્યો છે અને કાલાપાણી ક્ષેત્રનો કબજો મેળવવા કલ્પના કરી રહ્યો છે. લાગે છે કે આ પણ ચીન-પાક જોડાણના ઇશારે થયું છે.

(11:44 am IST)