મુખ્ય સમાચાર
News of Saturday, 23rd May 2020

લોકડાઉનના ૬૦ દિવસ બાદ પણ કેસમાં વધારો ચિંતાજનક

લોકડાઉનના ચોથા તબક્કામાં છૂટછાટો અપાતા કેસ ઝડપથી વધી રહ્યા છે : ૨૪ કલાકમાં ૬૦૮૮ દર્દીઓ વધ્યાઃ કોરોનાની તપાસમાં પણ વૃધ્ધિ : રોજ ૧ લાખથી વધુ નમૂનાની તપાસ થઇ રહી છે : પોઝિટિવ થવાનો દર ૪ ટકાથી વધી ૫.૬ ટકા થયો

નવી દિલ્હી તા. ૨૩ : લોકડાઉનના ચોથા તબક્કામાં આર્થિક ગતિવિધિઓ શરૂ થતાં જ કોરોના સંક્રમણમાં વધારો જોવા મળ્યો છે. લોકડાઉનના ૬૦ દિવસ પછી પણ કોરોના કેસોમાં સતત વધારો ચિંતાનું કારણ બની ગયો છે. ગઇકાલે રેકોર્ડ ૬૦૮૮ કેસો નવા આવ્યા હતા.

તો બીજી તરફ કોરોના ટેસ્ટીંગમાં પણ તેજી આવી છે અને રોજ એક લાખથી પણ વધારે સેમ્પલોની તપાસ થઇ રહી છે. છેલ્લા બે દિવસના આંકડા જોઇએ તો તપાસવામાં આવેલ સેમ્પલોના પોઝીટીવ હોવાનો દર ૫.૬ સુધી પહોંચી ગયો છે જે પહેલા લગભગ ચાર ટકાની આજુબાજુ સ્થિર હતો. આ પહેલી વાર છે કે એક દિવસમાં ૬ હજારથી વધારે નવા કેસ આવ્યા છે. દુનિયામાં એક દિવસમાં તે ચોથા નંબરનો ઉછાળો છે. આ પહેલા અમેરિકામાં એક દિવસમાં ૨૮૧૭૯, બ્રાઝીલમાં ૧૭૫૬૪ અને રશિયામાં ૮૮૪૯ નવા કેસ આવી ચૂકયા છે. ભારતમાં છ હજાર ઉપરનો આંકડો પહેલીવાર આવ્યો છે.

આઇસીએમઆર દ્વારા જાહેર કરાયેલ આંકડાઓ અનુસાર છેલ્લા બે દિવસો દરમિયાન કુલ ૨,૦૭,૦૪૬ ટેસ્ટ થયા હતા. તેમાંથી પોઝિટિવ મળેલા દર્દીઓની સંખ્યા ૧૧,૬૯૭ છે. તેમાંથી ૬૦૮૮ શુક્રવારે અને ૫૬૦૯ ગુરૂવારે મળ્યા હતા. આમ બે દિવસ દરમિયાન સેમ્પલ પોઝિટિવ હોવાનો દર જોવામાં આવે તો તે વધીને ૫.૬ ટકાએ પહોંચ્યો છે.

આરોગ્ય મંત્રાલય અને આઇસીએમઆરે ઘણી વખત કહ્યું હતું કે, સંક્રમણ દર સ્થિર થઇ ગયો છે. પણ આ દાવો ખોટો પડતો દેખાઇ રહ્યો છે. જો કે સંક્રમણનો ડબલીંગ રેટ ત્રણ દિવસથી વધીને ૧૪ દિવસ થયો છે જે સારી બાબત છે. સાથે જ સાજા થનારા દર્દીઓની ટકાવારી પણ સાતથી વધીને ૪૦ પર પહોંચી છે. મૃત્યુ દર પણ ત્રણ ટકાએ નિયંત્રણમાં રહી શકયો છે.

(10:47 am IST)