મુખ્ય સમાચાર
News of Saturday, 23rd May 2020

પિતાને સાઈકલ પર બેસાડી જયોતિએ કાપ્યુ હતું ૧૨૦૦ કિમીનું અંતર

સાહસને બિરદાવતા ઇવાન્કા ટ્રમ્પ

નવી દિલ્હી, તા.૨૩: ભારતમાં પરિવારનું સાથે રહેવાનું ચલણ વર્ષોથી છે. 'વસુધૈવ કુટુંબકમ'નામની ભાવના તો ભારતમાં વર્ષોથી ચાલી આવે છે. ભારતીય પરિવારની ગૂંથણી સમગ્ર દુનિયા ખાસ કરીને યુરોપ-અમેરિકાને આકર્ષે છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાન્કા ટ્રમ્પ પણ તેવા જ લોકોમાં છે. જે ભારતમાં પારિવારિક પ્રેમની એક ઝલક જોઈને જ ગદગદ થઈ છે. તેમણે ટ્વીટર પર તે યુવતીની સ્ટોરી શેર કરી છે. જેણે ગુરુગ્રામમાં ફસાયેલા પોતાના પિતાને સાઈકલ પર બેસાડીને બિહારના દરભંગા લાવી હતી.

ઈવાન્કા ટ્રમ્પે ટ્વીટ કરી હતી કે,'૧૫ વર્ષની જયોતિ કુમારીએ પોતાના ઈજાગ્રસ્ત પિતાને સાઈકલમાં સાત દિવસમાં ૧૨૦૦ કિલોમીટરનું અંતર કાપીને પોતાના ગામ લાવી હતી. આ ભારતીયોની સહનશીલતા અને તેમના અગાધ પ્રેમની ભાવના દર્શાવે છે.

હકીકતમાં, કોરોના સંકટના કારણે જાહેર થયેલા દેશવ્યાપી લોકડાઉનના કારણે દેશની અલગ-અલગ જગ્યાઓ પર શ્રમિકો ફસાઈ ગયા હતાં. ટ્રેન સહિત અવરજવરનું દરેક માધ્યમ બંધ હોવાના કારણે હજારો મજૂર પગપાળા જ પોતપોતાના ઘર તરફ ચાલી નીકળ્યા હતાં. જોકે, જયોતિના પિતા મોહન પાસવાન થોડા મહિના પહેલા જ એક દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયા હતાં. જેથી તેઓ પોતાની જાતે જ ઘર તરફ આવવા માટે અસમર્થ હતાં.

લોકડાઉનમાં પિતા ફસાયા છે એ જાણકારીથી જયોતિ પરેશાન થઈ અને એક દિવસ સાઈકલ લઈને નીકળી પડી પિતા સાથે. જયોતિએ જણાવ્યું કે તેણે પિતાને સાઈકલ પર બેસાડીને ૧૦મેના રોજ ગુરુગ્રામથી નીકળી અને ૧૬ મેની સાંજે ઘરે પહોંચી હતી. રસ્તામાં તેને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડયો હતો, જોકે કેટલાક લોકોએ તેની મદદ પણ કરી હતી.

જયોતિનો પિતા પ્રત્યે પ્રેમ જોઈને ઈવાન્કા લાગણીઓમાં તણાઈ ગઈ હતી. ઈવાન્કા પણ ભાવનાત્મક રીતે પિતા ડોનાલ્ડ ટ્રમ્પની એકદમ નજીક છે. બન્ને બાપ-દીકરી વચ્ચેનો પ્રેમ એટલો ઉંડો છે કે ટ્રમ્પે ઈવાન્કાને પોતાની સલાહકાર પણ નિયુકત કરી છે. ઈવાન્કા અમેરિકન રાષ્ટ્રપતિ અને પોતાના પિતા ડોનાલ્ડ ટ્રમ્પની નોકરીઓના સર્જન, આર્થિક સશકિતકરણ, વર્કફોર્સ ડેવલપમેન્ટ અને આંત્રપ્રિન્યોરશિપ મામલે સલાહ આપે છે. શકય છે કે ઈવાન્કાએ જયોતિમાં પોતાની ઝલક જોઈ હોય અને તે ભાવવિભોર થઈ ઉઠી હોય.(૨૩.૩)

(9:43 am IST)