મુખ્ય સમાચાર
News of Thursday, 23rd May 2019

અમેઠી સીટ પર ૨૧ વર્ષ બાદ કોંગીની થયેલી હાર

ત્રીજી વખત પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો : ભાજપ સ્ટાર પ્રચારક સ્મૃતિ ઇરાની સામે રાહુલ ગાંધીની હાર

નવીદિલ્હી, તા. ૨૩ : ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસનો દેખાવ કેટલો ખરાબ રહ્યો છે તે બાબતનો અંદાજ આ બાબતથી જ લગાવી શકાય છે કે, રાયબરેલી અને અમેઠી સંસદીય સીટ ઉપર તેને જીત મળતી રહી છે પરંતુ આ વખતે ભાજપની દિગ્ગજ મહિલા નેતા અને કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીને અમેઠીમાં પછડાટ આપી દીધી છે. રાહુલ ગાંધીએ પોતે અમેઠી સીટ ઉપર પરિણામ આવે તે પહેલા જ હાર સ્વીકારી લીધી હતી. ૧૯૬૭માં અસ્તિત્વમાં આવેલી અમેઠી સીટ ઉપર ત્રીજી વખત કોંગ્રેસ પાર્ટીની હાર થઇ છે. કોંગ્રેસ પાર્ટીની આ મજબૂત સીટ તરીકે ગણવામાં આવે છે. આ હારમાં એક રોચક આંકડો ૨૧ નંબરનો રહ્યો છે. દર ૨૧ વર્ષ બાદ કોંગ્રેસને અહીં હારનો સામનો કરવો પડ્યો છે. રાહુલ ગાંધીને પણ આ હારનો સામનો કરવો પડ્યો છે. ૧૯૭૭માં ઇન્દિરા ગાંધી તરફથી ઇમરજન્સી લાગૂ કરવામાં આવ્યા બાદ દેશભરમાં કોંગ્રેસની વિરુદ્ધમાં લહેર વચ્ચે સંજય ગાંધી હારી ગયા હતા. પ્રથમ વખત તે વખતે સંજય ગાંધીની હાર થઇ હતી. તે વખતે જનતા પાર્ટીના રવિન્દ્ર પ્રતાપસિંહે જીત મેળવી હતી. ૨૧ વર્ષ બાદ ૧૯૯૮માં કેપ્ટન સતિષ શર્માને પણ આ બેઠક પર હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ૧૯૯૮ બાદ ૨૧ વર્ષ પછી કોંગ્રેસને ફરીવાર હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપની સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધીને ૧૯૦૦૦ મતે હાર આપી છે. આ પહેલા ૨૦૧૪માં પણ સ્મૃતિએ રાહુલને જોરદાર ટક્કર આપી હતી પરંતુ તે વખતે બીજા સ્થાને રહ્યા હતા. પરાજય બાદ સ્મૃતિ ઇરાની સતત પાંચ વર્ષથી અહીં સક્રિય રહ્યા હતા. આખરે તેમની જીત થઇ છે. અમેઠીના ગઢને તોડી પાડવામાં ભાજપે સફળતા મેળવી છે. કોંગ્રેસને ઉત્તરપ્રદેશમાં માત્ર એક જ સીટ મળી છે અને આ સીટ સોનિયા ગાંધીએ રાયબરેલીમાં જીતી છે.

(7:56 pm IST)