મુખ્ય સમાચાર
News of Thursday, 23rd May 2019

લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ કારમી હારની જવાબદારી અંતે સ્વીકારી

અમેઠીમાં પણ પોતાની હાર રાહુલ ગાંધીએ નિખાલસરીતે સ્વીકારી : નરેન્દ્ર મોદી અને ભાજપને શાનદાર જીત બદલ શુભેચ્છા પાઠવી : ચૂંટણી પરિણામોને લઇને કોઇપણ પ્રકારના પ્રશ્નો ઉઠાવવા પણ રાહુલ ગાંધીએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો

નવીદિલ્હી, તા. ૨૩ : લોકસભાની ચૂંટણીમાં કારમી હારનો સામનો કર્યા બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સાંજે મિડિયા સાથે વાતચીત કરી હતી અને પાર્ટીના ખરાબ પ્રદર્શન માટેની જવાબદારી સ્વીકારી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ બે વિચારધારાની લડાઈ છે. અમે બે જુદી જુદી વિચારધારા છીએ પરંતુ આ માનવાની બાબત છે કે, આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને ભાજપ જીત્યા છે. તેઓ તેમને અભિનંદન આપે છે. ચૂંટણી પરિણામની જાહેરાત પહેલા જ રાહુલ ગાંધીએ પરંપરાગત અમેઠીમાં પોતાની હારને પણ સ્વીકારી લીધી હતી અને સ્મૃતિ ઇરાનીને શુભેચ્છા પાઠવી હતી. આની સાથે જ રાહુલ ગાંધીએ પરિણામોને લઇને કોઇપણ પ્રકારના પ્રશ્નો ઉઠાવવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, તેઓ દેશના લોકોના નિર્ણય ઉપર કોઇ પ્રશ્ન ઉઠાવવા માંગતા નથી. જે જનાદેશ આપવામાં આવ્યો છે તેનું સન્માન કરે છે. બેરોજગારી અને ઇકોનોમિ જેવા મુદ્દાને વધારે મહત્વ આપવાને ભુલ તરીકે ગણે છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા રાહુલે કહ્યું હતું કે, આજે તેઓ આ બાબત કરવા માંગતા નથી. આજે સમય આ વાત કરવાનો નથી. પત્રકાર પરિષદ દરમિયાન રાહુલ ગાંધીએ હારની જવાબદારી પણ સ્વીકારી હતી અને કહ્યું હતું કે, તેઓ પરાજયની ૧૦૦ ટકા જવાબદારી સ્વીકારે છે. કોંગ્રેસની રાજનીતિને હકારાત્મક તરીકે ગણાવીને રાહુલે કહ્યું હતું કે, ચૂંટણી પ્રચારની પ્રક્રિયા ખુબ લાંબી ચાલી હતી. તેઓએ એક લાઈન રાખી હતી જેના ભાગરુપે ખોટા શબ્દનો ઉપયોગ કરવામાં આવશે તો પ્રેમથી જવાબ આપશે. કાર્યકરોનો ઉત્સાહ વધારતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, કાર્યકરોને ચિંતા કરવાની જરૂર નથી. ખુબ સારી લડત ચલાવવામાં આવી હતી.

(7:55 pm IST)