'ઢાઇ કિલો કા હાથ ઔર હુઆ ભારી' : સન્ની
ગુરૂદાસપુર લોકસભા સીટ પર ભારે બહુમતીથી સની દેઓલ ઉત્સાહિત
ગુરદાસપુર તા. ૨૩ : ભાજપના ઉમેદવાર અને બોલીવુડ સ્ટાર સની દેઓલ લોકસભા ચૂંટણીની મતગણતરીમાં ભારે બઢતથી ખૂબ જ ઉત્સાહિત છે. સની દેઓલે કહ્યું કે, હું ખૂબ જ ખુશ છું. પ્રજાએ 'ઢાઇ કિલોના હાથને ભારે કરી દીધો છે.' વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હકમાં ટ્રેન્ડ આવવાથી હું ખુશ છું. સની દેઓલને લીડ મળ્યા બાદ ભાજપના કાર્યકર્તાઓએ જશ્ન મનાવાનું શરૂ કરી દીધું છે. ગુરદાસપુરા લોકસભા ક્ષેત્રમાં સનીનો 'ઢાઇ કિલો'નો હાથ કોંગ્રેસ પર ભારે પડયો છે. આ સીટથી જીત નોંધાવીને બોલીવુડ સ્ટાર સની દેઓલે તેમની રાજકીય કારકિર્દીની વિજયી શરૂઆત કરશે. બીજેપી ઉમેદવાર સનીએ કોંગ્રેસના દિગ્ગજ નેતા સુનીલ જાખડને પાછળ છોડી દીધા છે. સુનીલ જાખડ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ છે. ગયા વર્ષે થયેલી આ સીટ માટેની પેટાચૂંટણીમાં જાખડ ભારે મતોથી વિજયી થયા હતા પરંતુ સની દેઓલની ફિલ્મી ચમકમાં તેઓ ફિક્કા પડી રહ્યા છે.
સની દેઓલની આ જીતથી ભાજપે તેમના કિલ્લા પર ફરી કબ્જો કરી લીધો છે તેની સાથે જ સનીએ મર્હુમ વિનોદ ખન્નાની ગુરદાસપુરની વિરાસતને સંભાળી લીધી છે. સનીએ લોકસભા ચૂંટણીના સમયે જ બીજેપીમાં સામેલ થયા હતા અને પક્ષે તેમને ગુરદાસપુરથી ઉમેદવાર બનાવ્યા હતા.