મુખ્ય સમાચાર
News of Thursday, 23rd May 2019

દિલ્હી પર સેકન્ડમાં કબ્જો કરી લેવાના મનસૂબા રાખનારા મમતા દીદીની હાલત મોદીએ તેમના ઘરમાં જ ખરાબ કરી નાખી

૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પ.બંગાળ બીજેપી અને ટીએમસી માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો

કોલકત્તા તા. ૨૩ : પશ્ચિમ બંગાળમાં સૌથી મોટું પરિવર્તન જોવા મળી રહ્યું છે. ૨૦૧૪માં માત્ર બે બેઠક મેળવનાર ભાજપ હાલ પશ્ચિમ બંગાળમાં ૧૭ બેઠક સાથે લીડ કરી રહ્યું છે જયારે મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ ૨૦ બેઠક પર લીડ કરી રહી છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પશ્ચિમ બંગાળ ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો.

મમતા બેનર્જી અને મોદી વચ્ચે લોકસભા ચૂંટણીની શરૂઆતમાં જ મોટી જંગ છેડાઈ હતી. ભાજપના નેતાઓ ત્યાં પ્રચાર કરવા માટે જતા હતા પણ ત્યાં તેમના હેલિકોપ્ટરને ઉતારવા માટેની પરવાનગી નહોતી આપવામાં આવી. પશ્ચિમ બંગાળમાં પ્રચાર કરવા માટે જઈ રહેલા યોગી આદિત્યનાથ અને અમિત શાહના હેલિકોપ્ટરને ઉતારવા દેવામાં નહોતા આવ્યા. જેથી ભાજપે પણ દીદીની સરકારની તુલના સરમુખત્યાર સરકાર સાથે કરી હતી. ઉપરથી સીબીઆઈ અને ભાજપનો વિવાદ પણ ઘણો ચગ્યો હતો. જેના પરિણામે અડધી રાત્રે પણ મમતા દીદી ધરણા પર બેસી ગયા હતા. એ ધરણાથી લોકસભાની ચૂંટણી સુધી મમતા વિરૂદ્ઘ મોદી આમને સામને આવી ગયા હતા.

મોદીની મોટાભાગની રેલીઓ બંગાળમાં હતી અને વારંવાર તેઓ મમતા પર પ્રહાર કરતા હતા. જેનાથી ગિન્નાયેલા મમતા બેનર્જીએ સેકન્ડમાં દિલ્હીની ગાદી પર કબ્જો કરી લેવાની વાત ઉચ્ચારી હતી. જો કે હવે તેમના નિવેદનો પોકળ સાબિત થઈ રહ્યા છે કારણ કે મમતા દીદી પોતાના જ ઘરને બચાવી નથી શકયા. જયાં ભાજપનો આજ સુધી પગપેસારો નહોતો થયો ત્યાં ભાજપે ૧૭ બેઠકો પર આગળ વધી રહ્યું છે. જેથી બંગાળમાંથી પહેલી વખત ભાજપના ધારાસભ્યો મોટી સંખ્યામાં સંસદ પહોંચશે. જેનું કારણ પણ મોદી મેજીક જ છે.

(4:41 pm IST)