મુખ્ય સમાચાર
News of Wednesday, 23rd May 2018

આખી રાત પાકિસ્તાનનો મોર્ટાર મારો : ૧૩ લોકો ઘાયલ

૩ ગંભીર : શાળા - કોલેજો બંધ : ભારતનો પણ સતત પ્રતિકાર : પોલીસ સ્ટેશન પર મોર્ટાર પડતા ૧ કોન્સ્ટેબલ ઘાયલ

શ્રીનગર તા. ૨૩ : જમ્મુના હરીનગર, સાંબા, રામગઢ, અરનીયા અને સુચેતગઢ સેકટરોમાં પાકિસ્તાન દ્વારા શસ્ત્ર વિરામનો ભંગ કરાયો છે. પાક રેન્જર્સે કરેલા ફાયરીંગનો બીએસએફના જવાનોએ જડબાતોડ જવાબ આપેલ છે. આ ગોળીબારમાં ૭૦ વર્ષની એક મહિલા સહિત ૧૩ લોકો ઘાયલ થયા છે. જેમાંથી ૩ની હાલત ગંભીર છે. એટલું જ નહી સેંકડો ગ્રામજનોએ પોતાનું ઘર છોડીને સગાઓના ઘરે અથવા સરકારે બનાવેલ રાહત શિબિરોમાં આશરો લીધો છે. ગયા અઠવાડીયાથી ચાલુ આ ગોળીબારમાં બીએસએફના બે જવાનો, આઠ મહિનાના એક બાળક સહિત સાત લોકોએ જીવ ગુમાવ્યા છે.

અધિકારીઓએ કહ્યું કે, અરનીયા અને આરએસપુરા સેકટરમાં કૌશલ્યા દેવી (૭૦), મદનલાલ ભગત (૪૮), દેશરાજ (૫૨) અને થુંડરામ (૬૫) ઘાયલ થયેલ છે. જ્યારે કઠુઆ જિલ્લાના હીરાનગર સેકટરમાં પાકિસ્તાન દ્વારા ફોડાયેલ મોર્ટારની હડફેટે ચડતા બોબિયાન ગામમાં અમનસિંહ નામનો ૨૨ વર્ષનો યુવક પણ ઘાયલ થયો હતો.

સીમા પર ખૂબ જ ગોળીબાર થઇ રહ્યો. આંતરરાષ્ટ્રીય સરહદ પર ૮૦ એમએમ અને ૧૨૦ એમએમ મોર્ટાર પડવાથી લગભગ એક ડઝન ગામો પ્રભાવિત થયા છે.(૨૧.૧૨)

(11:52 am IST)