મુખ્ય સમાચાર
News of Friday, 23rd April 2021

સાહેબ, હાથ જોડીને કહું છું કોઈ નિર્ણય લોઃ લોકોને મરવા ન છોડી શકાય

નવી દિલ્હી, તા.૨૩: પીએમ મોદી આજે કોરોના વાયરસ પર વિવિધ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી જેમાં સીએમ કેજરીવાલે ગંભીર મુદ્દા ઉઠાવ્યા હતા.

સાહેબ અમારી ઓકસીજન રોકી લેવામાં આવે તો હું કોને ફોન કરું? સર, લોકો તરફથી હાથ જોડીને કહું છું કે કોઈ નિર્ણય લો સર, અમે રાતે સૂઈ નથી શકતા, ન કરે નારાયણ કઈં થશે તો...? કેજરીવાલ

કેજરીવાલે કહ્યું લે આ ઓકસીજન સંકટ પેદા થઈ ગયો છે, મારા ફોન વાગ્યા જ કરે છે. હોસ્પિટલોમાં માત્ર અમુક કલાકોના જ ઓકસીજન બચ્યા હોય છે. અમે મદદ માટે મંત્રીઓને ફોન કર્યા એમણે પહેલા મદદ કરી પરંતુ પછી બિચારા થાકી ગયા. સાહેબ દેશના સંશાધનો પર તો ૧૩૦ કરોડ લોકોનો અધિકાર છે ને?

અરવિંદ કેજરીવાલે કહ્યું કે સાહેબ, ખૂબ ખૂબ આભાર કે આજે તમે બેઠક બોલાવી છે. હું જાણવા માંગુ છું કે જો હોસ્પિટલોમાં ઓકસીજન ખૂટી જાય તો કેન્દ્ર સરકારમાં કોની સાથે વાત કરું?

સાહેબ હું જાણવા માંગુ છું કે દિલ્હીના ઓકસીજન કોઈ રોકી લે તો હું ફોન ઉપાડીને કોની સાથે વાત કરું? સાહેબ પરિસ્થિતિ ગંભીર છે. હું દિલ્હીના લોકો વતી હાથ જોડીને અપીલ કરૂ છું કે કોઈ કઠોર અને સાર્થક નિર્ણય નહીં લો તો ખૂબ મોટી તારાજી થશે. સાહેબ મને માર્ગદર્શન આપો.

કેજરીવાલે જયારે કહ્યું કે તમારો આઇડિયા છે કે ઓકસીજન એકસપ્રેસ શરૂ કરવામાં આવે જેના પર પીએમ મોદીએ કહ્યું કે આ આઇડિયા નથી, આ એકસપ્રેસ ચાલી જ રહી છે. તેના પર કેજરીવાલે કહ્યું કે દિલ્હી સુધી આવી નથી, સાહેબ કૃપા કરીને કોરિડોર બનાવી દો.

કેજરીવાલે કહ્યું કે અમારી ઓકસીજન રોકવામાં આવી છે. સાહેબ મહેરબાની કરીને તે રાજયોના સીએમને ફોન કરી દો કે અમારા ટ્રક ના રોકે. તમારો એક ફોન જ ખૂબ છે સાહેબ. દિલ્હીના લોકો તરફથી હાથ જોડીને કહી રહ્યો છું કે અમારી મદદ કરો.

કેજરીવાલે કહ્યું કે દિલ્હીની હોસ્પિટલોમાં જે હાલત છે, તે જોઈ શકાય તેમ નથી. આખી રાત ઊંઘી નથી શકતા અમે. હું મુખ્યમંત્રી હોવા છતાં કઈં નથી કરી શકતો. ડર લાગે છે કે ઓકસીજનના કારણે કોઈ મોટી દુર્ઘટના ન થઈ જાય. ન કરે નારાયણ અને ઓકસીજન ન હોવાના કારણે કઈં થઈ જશે તો આપણે પોતાની જાતને માફ નહીં કરી શકીએ.

(3:57 pm IST)