મુખ્ય સમાચાર
News of Friday, 23rd April 2021

આ વાયરસ વાયરોલોજીના તમામ સિધ્ધાંત ઘોળીને પી ગયો છે : વેકસીન અચુક લો

કોરોનાના ૮૦ ટકા દર્દી આરામ અને પેરાસીટામોલથી સારા થાય છે : ડો. તેજસ પટેલ

કોરોના મટી ગયા પછી પણ ડોકટરે આપેલો કોર્ષ પૂરો કરો : સમજદાર નાગરિક માસ્ક - સામાજિક અંતરનો અચૂક ખ્યાલ રાખે : મે મહિનાના અંત સુધીમાં સ્થિતિ થાળે પડવાની ધારણા

રાજકોટ તા. ૨૩ : છેલ્લા એક વર્ષથી કોરોનાનો કહેર બધેજ વ્યાપી ગયો છે. તેમાંય આ વખતનો વેવ ખુબજ ઘાતક સાબીત થયો છે ત્યારે તાજેતરમાં ટીવી ૯ ગુજરાતી ન્યુઝ ચેનલ પર વિશ્વપ્રસિધ્ધ કાર્ડીઓ વાસ્કયુલર સર્જન પદ્મશ્રી ડો. તેજસભાઇ પટેલ સાથે વરિષ્ઠ પત્રકાર શ્રી અજયભાઇ ઉમટે કોરોના વિશે ખાસ સંવાદ યોજયો હતો.

આ વખતે જે કોરોના નો કહેર વધ્યો છે. એટલે કદાચ એક તરફ મહામારી બીજી બાજુ મહામંદીનો માહોલ છે. આ વખતે આપણે ચીનને બદનામ નહી કરી શકાય કેમકે વુહાનથી વાયરસ નીકળી ગયો ને પાસપોર્ટ ધારકો અને રેશનકાર્ડ ધારકો સુધી આવ્યો. આ વખતે કયાંક નાગરિકોની પણ બે જવાબદારી છે કારણ કે તમે જુઓ કે જાન્યુઆરીમાં લગભગ કોરોના જશે એવી સ્થિતિ આવી ગઈ. પણ જાન્યુઆરીથી એપ્રિલ સુધી સમગ્ર ગુજરાતમાં માત્ર છ વ્યકિતના મૃત્યુ થયા હતા અને હવે પ્રતિદિન સૌથી વધુ લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. આ વેવને આપ કઇ રીતે જોઇ રહ્યા છો? આ અંગે ડો. તેજસભાઇ પટેલ એ જણાવ્યું હતું કે, પેલી તો વાત એ કે આ કોઈ એક ફેમિલી કે એક સોસાયટી કે એક શહેર કે રાજય કે ભારત દેશનો પ્રશ્ન નથી કોરોના સમગ્ર વિશ્વમાં છે. તમામ જગ્યામા છવાયેલો છે. નોર્થ થી લઇ સાઉથ સુધી છે. જે આપણે ત્યાં તકલીફ  છે તે વૈશ્વિક સ્તરે દરેક દેશના દરેક નાગરિક ને પડી રહી છે અથવા તો પડી ગયેલી છે અને આ રાજયની અને દેશની નહીં તમામ સરકારો વૈશ્વિક સ્તરે ઝઝૂમી રહી છે અને એમની પ્રજાને બચાવવા પ્રયત્નો કરે છે.

આ પેટર્ન વિશે આપ શું માનો છો પહેલાં જે કોરોના ના લક્ષણો અને અત્યારના જે વેવ આવી તેમાં આપને તફાવત દેખાય છે? ડો. તેજસભાઇએ જણાવ્યું કે, વાયરોલોજી મારો વિષય નથી તેમ છતાં આ વાયરસ વિશે મેં ખૂબ અભ્યાસ કર્યો છે અને તમામ લિટરેચરનો અભ્યાસ કરીને આજે હું આ વાયરોલોજીના સિદ્ઘાંતોનો બરાબર અભ્યાસ કરીને આજે તમારી સાથે વાત કરી રહ્યો છું. આ વાયરસ વાયરોલોજીના તમામ સિધ્ધાંતોને ઘોળીને પી ગયો છે. જે દરેક ઉંમરમાં અને દરેક ઋતુમાં ટકી રહે છે. આ પ્રકારનું પ્રાણી પૃથ્વીએ હજી જોયું નથી જેનો આપણે સામનો કરી રહ્યા છીએ.

કોરોના મટી ગયો પછી પણ આ સ્ટ્રેંનમાં કેર લેવાની જરૂર છે તે બાબતે નિષ્ણાંત તબીબ ડોકટર તેજસભાઈ પટેલે જણાવ્યું કે, કોરોના મટી ગયા પછી પણ ડોકટરે લખેલી દવાઓ દર્દીઓ સારા થઈ જતાં લેતા નથી અને ઓવર કોન્ફિડન્સ માં દવા બંધ કરે છે. એવું કદી નહીં કરવાનું. ડોકટરની સલાહ વગર એક પણ મેડિસિન બંધ ન કરો. અને ધારો કે પ્રોબ્લેમ ઊભો થયો તો તાત્કાલિક રીપોર્ટ કરવાનો અને એની ટ્રીટમેન્ટ કરાવી લેવાની.

પહેલાની સરખામણીમાં આજે આપણી પાસે પેથ. લેબ ની સંખ્યા ઘણી વધી છે. લોકો ટેસ્ટ કરાવતા થયા છે. તેમ છતાં ડો. તેજસભાઈ પટેલે કહ્યું કે, હું તમામ લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જયારે જયારે આપનો વારો આવે ત્યારે વેકિસન લેવાનું ચૂકશો નહીં. જેમાં ઘણી ગેરમાન્યતાઓ પણ પ્રવર્તે છે. જેમકે ડાયાબિટીસ હોય, બ્લડપ્રેશર હોય, દવાની એલર્જી હોય, કિડનીના રોગ હોય, હાર્ટના રોગ હોય તો પછી વેકસીન લેવાય કે નહીં? જીવવા માટે જયારે આખી દુનિયા આ વાયરસ સામે જ જજુમી રહી છે ત્યારે આવી નાની-મોટી તકલીફો ની ચિંતા કરવી નહીં. વેકિસન લેવી જ જોઇએ કારણ જેણે વેકિસન લીધી હોય તેને કોરોના થાય તો તેના મૃત્યુ થવાના ચાન્સ ખૂબ જ ઘટી જાય છે. વાયરલ લોડ ઘટતા તમે બીજી વ્યકિતને સંક્રમિત કરો એવી શકયતાઓ ખૂબ ઘટી જાય છે અને સૌથી અગત્યની વાત હર્ડ ઇમ્યુનીટીની પરિસ્થિતિનું નિર્માણ થવું જોઈએ.

અત્યારે કોરોનાનું કોમ્યુનિટી સંક્રમણ થઈ રહ્યું છે. દરેક સોસાયટીઓમાં કે એક ઘર મૂકીને બીજા ઘરમાં ઢગલાબંધ કેસ છે. કઇ કંપનીની વેકિસન લેવી તે વિશે પણ અનેક માન્યતાઓ છે. તે વિશે ડો તેજસભાઈ પટેલ કહે છે કે જયારે પણ આપનો વારો આવે ત્યારે જરા પણ મગજ દોડાવ્યા વીના જે વેકસીન મળે છે તે લઈ લેવી. બધી જ કંપનીઓની વેકિસન માન્યતા પ્રાપ્ત છે. આપણા દુનિયાભરના વૈજ્ઞાનિકોએ એક કે સવા વર્ષના ગાળામાં જે એક લેવલની વેકિસન બનાવી છે તેનો ઉપયોગ કરવો જ રહ્યો અને આ વાઇરસને નાથવા કે એક લેવલે ઓછો કરવા આ તો કરવું જ પડશે.

આ બધું કર્યા પછી પણ માસ્કની અનિવાર્યતા તો રહેશે જ. ડોકટર સાહેબ કહે છે બધા જ લોકોને ખબર છે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, હેન્ડ સેનેટાઈઝ વગેરે આની આજ વાત વારંવાર થાય છે. માસ્ક પહેરવો અગત્યનો છે પણ ગળા નીચે રાખવો કે નાક અને મોઢાની નીચે રાખવો એ વ્યાજબી નથી. જો તમે માસ્ક થી નાક અને મોઢું ઢાંકેલા હશે તો તમે સંક્રમિત હશો તો સામેવાળાને ચેપ લાગવાના ચાન્સ ઓછા રહેશે અને કદાચ સામે સંક્રમિત હશે તો તમે માસ્ક પહેરેલો હશે તો તમને થવાના ચાન્સ ઓછા રહેશે. આ મારી વ્યથા છે કે હજુ પણ લોકોએ માસ્કનું મહત્વ સમજવાની ખૂબ જરૂર છે. સમજદાર નાગરિકે માસ્ક ની સાથે સોશિયલ ડિસ્ટન્સ નું પણ પાલન કરવું જરૂરી છે. ખુલ્લી હવામાં ફરો છો કે કયાંય અડો છો તેનાથી વાયરસ લાગતો નથી. કદાચ કયાંય અડકો તો હેન્ડ સેનેટાઈઝર થી હાથ લૂછી લેવા ખુબ જરૂરી છે.

ભારતમાં જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં પરિસ્થિતિ સારી થઈ ગઈ હતી. એ વખતે યુ.કે અને યુએસએમાં અપ ટ્રેન્ડ સેકન્ડ વેવ નો શરૂ થયો હતો અને પછી ખૂબ ઊંચી ટોચ પર રહ્યો. ૧૫ માર્ચથી ત્યાં ધીમે ધીમે ડાઉન ટ્રેન્ડ થવા લાગ્યો અને અત્યારે ત્યાં પરિસ્થિતિ આરામદાયક છે. આ વાઇરસ વિશે અત્યારે કહેવું અકાળ રહેશે પણ જો આ પેટર્ન ફોલો થાય તો અનુંમાન એવું કરી શકાય કે મે મહિનાના અંત સુધીમાં આપણી પરીસ્થિતી પણ આરામદાયક બની શકે.! એટલે હજુ પણ આપણે દોઢ મહિનો સાચવવાનું છે અને આની આજ પરિસ્થિતિ રહેશે અને બેદરકારી રાખીશું તો ખુબજ મુશ્કેલ છે.

મેડિકલ ક્ષેત્રે હબ ગણાતા ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં અત્યારે આવી પરિસ્થિતિ છે તો આ જ પરિસ્થિતિ ગ્રામ્ય વિસ્તારમાં પણ પ્રવર્તે તો શું પરિસ્થિતિ રહે? ડો. તેજસભાઈ પટેલ કહે છે, આપણી પાસે અત્યારે જે શસ્ત્રો છે તેનો ભરપૂર ઉપયોગ કરવો જ પડે અને શિસ્તમાં રહેવું જ પડે. માણસ ભણેલો હોય કે અભણ હોય, નાનું બાળક હોય, યુવાન હોય કે વૃદ્ઘ હોય દરેકે લાંબા સમય સુધી આ તમામ નિયમોનું પાલન કરવું જ પડશે અને વાઈરસથી બચતા રહેવું પડશે.

કોરોનાવાયરસના બીજા વેવમાં યુવાનો અને સાવ નવજાત બાળકો પણ ઝપટે ચડી ગયા. તેના કારણમાં ડોકટર સાહેબ કહે છે, જેણે વેકિસન લીધી છે તેને ફાયદો થયો છે. હું એમ નથી કહેતો કે તેને કોરોના નથી થયો પણ કોરોના થયો છતાં તે મૃત્યુથી બચ્યા છે. પહેલા વેવ માં કેટલા ડોકટરોના મૃત્યુ થયા અને તમે બીજા વેવમાં કેટલાક ડોકટરો ના મૃત્યુ સાંભળ્યા? એવી જ રીતે હું માનું છું કે યંગ જનરેશનને કે કોઈને પણ જે વેકિસન મળે તે લઈ લે અત્યારના સમયમાં કોરોનાના સંક્રમણ ને એક લેવલે દબાવી દેવા માટે તે જરૂરી છે.

આ પરિસ્થિતિને ડામી દેવા લોકડાઉન કેટલું જરૂરી છે? ડો. તેજસભાઇ પટેલ કહે છે, લોકડાઉનની આફટર ઇફેકટ ખૂબ ભયંકર આવે છે. લોકો માનસિક રીતે તૂટી જાય છે. ધંધા-રોજગાર ઠપ્પ થઈ જવા, બેરોજગારી, મોંઘવારી એ બધું તો થાય જ છે પણ જયારે લોકડાઉન પૂરું થાય ત્યારે જેમ સ્પ્રિંગ છટકે તેમ લોકોના ટોળા ભેગા થાય છે. એટલે માણસ કામ વિના, કારણ વિના આંટાફેરા કરવા ન જોઈએ. ૧૪૪મી કલમ લાગેલી છે તે રીતે જીવવું પડશે. ધંધા-રોજગાર ચાલુ રહે તે તો સારી જ વાત છે પણ શિસ્તમાં રહેતા શીખવું પડશે. કોરોના થી ડરવાની જરૂર નથી પણ જે છે તેનો સામનો કરવનો છે. ખમીર ને જીવંત રાખી મનોબળથી ડગ્યા વિના કોરોના સામે જીવવાનું છે.

કોરોનાએ પેટર્ન બદલી છે જેની ખુબ અસર થઇ રહી છે. ડો. તેજસભાઇ પટેલ કહે છે, ઘણા બધા યંગ છોકરાઓ હાર્ટમાં કલોટીંગ સાથે આવે છે, જયારે એન્જીયોગ્રાફી કરીએ ત્યારે તેમની એક-બે આર્ટરીમાં ફુલ કલોટ ભરેલા હોય છે. આ કોવિડનું એક મોટું દુૅંખ છે અને આવા કેસની અમે એકાંતરે કે દરરોજ સારવાર કરી રહ્યા છીએ. જયારે ડીડાઇમર હાઇ આવ્યો તો તેને જોઇ બેસી રહેવાની જરૂર નથી તેને નોર્મલ થવામાં ઘણો સમય જાય છે. દર્દીની કિલનિકલ કન્ડીશન સારી હોય અને સુધરતી હોય તો તેમને વારંવાર ડીડાઇમર કરાવવાથી તકલીફોમાં વધારો થશે દર્દી સાઇકોલોજી ડિસ્ટર્બ થશે. અત્યારે પ્રજાને માનસિક રીતે સુધારવાની ખૂબ જરૂર છે. કોરોના નો બીજો વેવ આવ્યો તે થોડે અંશે આપણી કમનસીબી છે અને થોડેક અંશે આપણી બેદરકારી પણ છે. આ વાયરસ સાથે લડવાનો કોઈ મતલબ નથી. કારણ વાયરસ ને ખબર નથી કે હું કોને સંક્રમિત કરી રહ્યો છું. એટલે વાયરસ માટે અત્યારે વાયરસથી દૂર રહી તેનાથી બચતા રહી તે જ આપણી પાસે ઈલાજ છે અને એ અક્ષીર ઈલાજ છે. જેનો આપણે બરાબર રીતે પાલન નથી કરતા.

રેમડેસિવિર ઈન્જેકશનની અત્યારે કેટલા ટકા દર્દીઓને જરૂર લાગે છે? ખૂબ નિષ્ણાંત તબીબ હોવા છતાં ડોકટર તેજસભાઈ પટેલ વિનમ્રતાથી કહે છે હું જે કોવિડની ટ્રીટમેન્ટ સમજયો છું ત્યાં સુધી આપણી પાસે શરૂઆતમાં જે હતું કે પેરાસીટામોલ થી તાવ ઉતારો, ઓકિસજનની જરૂર હોય તો ઓકિસજન આપો. પછી એક સ્ટેજ એવું આવ્યું કે જયારે સ્ટીરોઈડ નો રોલ આવ્યો. પછી રેમડેસિવિર આવી. કોરોનાના ૧૦૦ આરટીપીસીઆર પોઝિટિવ દર્દી હોય તેમાંથી ૮૦ દર્દીઓ માત્રને માત્ર આરામ, હોમ આઇસોલેશન, અને પેરાસીટામોલ થી જ સારા થઈ જાય છે અને આ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ સાબિત થયું છે. જયારે તાવ વધતો જતો હોય, ઉધરસ વધતી જતી હોય અને સિટી સ્કેનની સલાહ આપવામાં આવે અને રેમડેસિવિર નો રોલ આવે. એ જે બાકીના ૨૦ દર્દીઓ છે તેમાંના બીજા સાત-આઠ દર્દીઓ સ્ટીરોઈડથી સરખા થઈ જતા હોય છે. અને બાકી છે અમુક વધ્યા એમાં આ દર્દીઓને રેમડેસિવિર જરૂર પડે છે. લોકોને એમ થયું છે કે આ રેમડેસિવિર જાદુઈ દવા છે અને જો તે મને નહીં મળે તો મારું મૃત્યુ થશે. રેમડેસિવિર કોરોનાના દર્દીઓમાં મૃત્યુઆંક ઓછો કરે છે તેવું એક પણ સાહિત્યમાં સાબિત થયું નથી. રેમડેસિવિરનો રોલ એ છે કે તમારૂ હોસ્પિટલનું રોકાણ ઓછું કરે છે. તમારો વાયરલ લોડ ઘટાડી આપે છે. તેથી તમે જલ્દી સાજા થાવ છો અને જલ્દી ઘરે જઈ શકો છો.

  1. આ વાયરસ વાયરોલોજીના તમામ સિધ્ધાંતોને ઘોળી ને પી ગયો છે
  2. કોરોના મટી ગયા પછી પણ ડોકટરે લખેલી દવાઓ દર્દીઓ સારા થઈ જતાં લેતા નથી અને ઓવર કોન્ફિડન્સમાં દવા બંધ કરે છે. એવું કદી નહીં કરો.
  3. કોરોનાના ૧૦૦ આરટીપીસીઆર પોઝિટિવ દર્દી હોય તેમાંથી ૮૦ દર્દીઓ માત્રને માત્ર આરામ, હોમ આઇસોલેશન, અને પેરાસીટામોલ થી જ સારા થઈ જાય છે.
  4. કોરોનાએ પેટર્ન બદલી છે જેની ખુબ અસર થઇ રહી છે. ઘણા યંગ છોકરાઓ હાર્ટમાં કલોટીંગ સાથે આવે છે, જયારે એન્જીયોગ્રાફી કરીએ ત્યારે તેમની એક-બે આર્ટરીમાં ફુલ કલોટ ભરેલા હોય છે. આ કોવિડનું એક મોટું દુઃખ છે અને આવા કેસની અમે એકાંતરે કે દરરોજ સારવાર કરી રહ્યા છીએ.
  5. તમામ લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે જયારે જયારે આપનો વારો આવે ત્યારે વેકિસન લેવાનું ચૂકશો નહીં.
  6. સમજદાર નાગરિકે માસ્ક ની સાથે સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવું જરૂરી છે
  7. આ વાઇરસ વિશે અત્યારે કહેવું અકાળ રહેશે પણ જો યુ.કે., યુ,એસ.ની પેટર્ન ફોલો થાય તો અનુંમાન એવું કરી શકાય કે મે મહિનાના અંત સુધીમાં આપણી પરીસ્થિતી પણ આરામદાયક બની શકે.!
  8. માણસ ભણેલો હોય કે અભણ હોય, નાનું બાળક હોય, યુવાન હોય કે વૃદ્ઘ હોય દરેકે તમામ નિયમોનું પાલન કરવું જ પડશે અને વાઈરસથી બચતા રહેવા શિસ્તમાં રહેવું પડશે
  9.       દરેકે ૧૪૪મી કલમ લાગેલી છે તે રીતે જ જીવવું પડશે

(3:41 pm IST)