મુખ્ય સમાચાર
News of Friday, 23rd April 2021

'સોરી..મને ખબર નહોતી કે આ કોરોના વેકસીન છે', લેટર સાથે ચોરે પરત કરી કોરોના વેકસીન

જીંદ,તા.૨૩: : હરિયાણાની જીંદની સિવિલ હોસ્પિટલમાંથી ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જયાં એક ચોરે ગઈરાત્રે રાત્રે ૧૨ વાગ્યે કોરોના રસીના અનેક ડોઝની ચોરી કરી હતી. પરંતુ ગુરુવારે ચોર સિવિલ લાઇન પોલીસ સ્ટેશનની બહાર એક ચા વેચનારને બધી દવાઓ પરત આપી ગયો અને સાથે એક લેટર પણ છોડી ગયો હતો. જેમાં લખ્યું હતું - માફ કરશો, મને ખબર નહોતી કે આ કોરોના રસી છે.

જીંદના ડીએસપી જીતેન્દ્ર ખટકડે માહિતી આપી હતી કે ગઈકાલે રાત્રે ૧૨ વાગ્યે સિવિલ હોસ્પિટલમાંથી કોરોનાના અનેક ડોઝ ચોરાયા હતા. પરંતુ ગુરુવારે દિવસના ૧૨ વાગ્યે ચોર સિવિલ લાઇન પોલીસ સ્ટેશનની બહાર ચાની દુકાન પર બેઠેલા વૃદ્ઘ સુધી પહોંચ્યો હતો અને તેને એક થેલી આપી હતી અને કહ્યું હતું કે આ પોલીસ સ્ટેશનના ઓફિસરનું ભોજન છે. થેલી સોંપીને ચોર ત્યાંથી જતો રહ્યો હતો.

વૃદ્ઘ વ્યકિત બેગ લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યો. જયારે ત્યાં હાજર પોલીસકર્મીઓએ થેલી ખોલી ત્યારે તેમાંથી કોવિશિલ્ડના ૧૮૨ ડોઝ અને કોવાકિસનના ૪૪૦ ડોઝ મળી આવ્યા હતા. આ સાથે એક કાગળ પર હાથ વડે લખેલી એક નોંધ પણ મળી હતી. જેમાં લખ્યું હતું કે માફ કરશો, મને ખબર નહોતી કે આ કોરોનાની રસી છે.

ડીએસપી જીતેન્દ્ર ખાટકરે જણાવ્યું હતું કે બની શકે છે કે ચોરે રેમડેસિવિર ઇન્જેકશનના ચક્કરમાં કોરોનાની રસી ચોરી કરી હશે. જોકે ચોરો અંગે હજી સુધી કોઈ માહિતી મળી નથી. પોલીસે આ સંદર્ભે અજાણ્યા લોકો વિરુદ્ઘ આઈપીસી કલમ ૪૫૭ અને ૩૮૦ હેઠળ ગુનો નોંધ્યો છે.

મળતી માહિતી મુજબ સિવિલ સર્જને હેડકવાર્ટર પાસેથી માર્ગદર્શન માંગ્યું છે કે કે લગભગ ૧૨ કલાકથી ફ્રિજની બહાર રહેલા કોરોના ડોઝ ઉપયોગમાં લેવા યોગ્ય છે કે નહીં.

(11:27 am IST)