મુખ્ય સમાચાર
News of Friday, 23rd April 2021

બીગ બીની ઈન્કલાબ ફિલ્મની ક્લિપ શેર કરી તરત ડિલિટ કરી

જુદા-જુદા કારનામાંથી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન ચર્ચામાં રહે છે : ૩૭ વર્ષ જૂની ફિલ્મની ક્લિપ મૂકી પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પોતાની ભડાશ કાઢી, લોકોએ સ્ક્રીન શોટ લઈ તેમને ટ્રોલ કરવાનું ચાલુ રાખ્યું

નવી દિલ્હી, તા. ૨૨ : પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પોતાના કારનામાઓને લઈ સતત ચર્ચામાં રહેતા હોય છે. તાજેતરમાં તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અમિતાભ બચ્ચનની ૩૭ વર્ષ જૂની ફિલ્મ ઈક્નલાબની ક્લિપ શેર કરીને પોતાની ભડાશ કાઢી હતી. જો કે, ત્યાર બાદ તરત જ તેમણે તે પોસ્ટ ડીલિટ કરી દીધી હતી.

હકીકતે આ ફિલ્મની ક્લિપ સાથે ઈમરાન ખાને કેપ્શનમાં લખ્યું હતું કે, આ જ રીતે પીટીઆઈ સરકાર સામે પહેલા દિવસથી જ માફિયાઓ ષડયંત્ર રચી રહ્યા છે. ઈમરાન ખાન પાકિસ્તાનની તહરીક-એ-ઈન્સાફ પાર્ટી (પીટીઆઈ)ના પ્રમુખ પણ છે.

અમિતાભ બચ્ચનની ફિલ્મ ઈક્નલાબ ૧૯૮૪માં રીલિઝ થઈ હતી. રાજકીય પૃષ્ઠભૂમિ પર બનેલી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, શ્રીદેવી, પ્રાણ અને કાદર ખાને મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઈમરાન ખાને શેર કરેલી ક્લિપમાં વિપક્ષી પાર્ટીના સદસ્ય સરકારને અસ્થિર કરવા ષડયંત્ર રચતા જોવા મળ્યા હતા.

ઈમરાન ખાને જે ક્લિપ શેર કરી હતી તેમાં કાદર ખાન પોતાની પાર્ટીના નેતાઓને કહેતા સંભળાય છે કે, ગીતા અને રામાયણમાં એવું ક્યાંય નથી લખ્યું કે જે પાર્ટી વર્ષોથીસત્તામાં છે તે જ આગળ પણબની રહેશે. અમને પણ સરકાર રચવાનો પૂરો અધિકાર છે, અમે કોઈ પણ ભોગે તેમ કરીને રહીશું.

ઈમરાન ખાને પોસ્ટ કરી ત્યાર બાદ એક પાકિસ્તાની પત્રકારે તેમને ટેગ કરીને તે ક્લિપ પાઈરેટેડ પ્રિન્ટથી લેવામાં આવી હોવાનું જણાવ્યું હતું. થોડા સમયમાં જ લોકો ઈમરાન ખાનને ટ્રોલ કરવા લાગ્યા હતા અને બાદમાં કોઈ કારણસર તે પોસ્ટ ડીલિટ કરી દેવામાં આવી હતી. જો કે, લોકોએ તેનો સ્ક્રીન શોટ લઈને તેમને ટ્રોલ કરવાનું ચાલુ રાખ્યું હતું.

(12:00 am IST)