મુખ્ય સમાચાર
News of Saturday, 23rd March 2019

કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવાનો સમય આવી ગયો છે : ઇમરાનખાન

નરેન્દ્ર મોદીના શુભેચ્છા સંદેશનો જવાબ આપતા પાક.ના વડાપ્રધાન

ઈસ્લામાબાદ,તા.૨૩: પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસ નિમીતે વડાપ્રધાન મોદીએ ઈમરાન ખાનને પાઠવેલા શુભેચ્છા સંદેશનો જવાબ આપતા ઈમરાન ખાને મોદીનો આભાર માનતા જણાવ્યુ હતુ  કે  હવે કાશ્મીર મુદાનો ઉકેલ લાવવાનો સમય આવી ગયો છે.અને બેંને દેશ વચ્ચે વાતચીત શરૂ કરવાનો સમય પણ સારો છે.

મોદીની શુભેચ્છા બદલ ઈમરાન ખાને ટિવટ કરતા જણાવ્યુ હતુ કે હુ મારા દેશ વતી મોદીના સંદેશનુ સ્વાગત કરુ છુ. અમે પાકિસ્તાન દિવસ મનાવી રહ્યા છીએ.ત્યારે મારુ મનાવુ છે કે હવે કાશ્મીર મુદાનો ઉકેલ લાવવા અને બંને દેશ વચ્ચે શાંતિનુ વાતાવરણ ઉભુ કરવાની દિશામાં નવા સંબંધની શરૂઆત માટેનો સમય આવી ગયો છે. આ અગાઉ વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસની પૂર્વ સંધ્યાએ પાક.ના વડાપ્રદાન અને તેમના દેશના નાગરિકોને શુભકામના પાઠવીને આતંકમુક્ત દક્ષિણ એશિયાના મહત્વનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમાં મોદીએ એમ પણ જણાવ્યુ હતુ કે હવે સમય આવી ગયો છે કે ઉપમહાદ્વિપના લોકો આતંક અને હિંસાથી મુક્ત વાતાવરણમાં  લોકશાહી, શાંતિપૂર્ણ ,  પ્રગતિશીલ  અને સમૃદ્ધ ક્ષેત્ર માટે  સાથે  મળીને કામ કરે.

પુલવામાના હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાયે  સમયથી  તણાવની સ્થિતી ચાલી રહી છે ત્યારે મોદીએ પાક.ના વડાપ્રધાનને પાઠવેલા શુભેચ્છા સંદેશથી ઈમરાનખાને પણ તેમનો આભાર માની કાશ્મીર મુદે ઉેકેલ લાવવાની ઈચ્છા વ્યકત કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતે ગઈકાલે નવી દિલ્હીમા પાકિસ્તાનના ઉચ્ચાયોગમાં પાકિસ્તાનના રાષ્ટ્રીય દિવસ નિમીતે યોજાયેલા કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. તેમાં ભારતે આ  કાર્યકમમાં જમ્મુ-કાશ્મીરના અનેક અલગાવવાદી નેતાઓને આમંત્રણ  આપવા સામે વિરોધ કર્યો હતો.

(3:30 pm IST)