મુખ્ય સમાચાર
News of Saturday, 23rd March 2019

બેકારીનો રાક્ષસ ધુણે છે

રેલવેમાં ગેંગમેન - હેલ્પર - કેબિનમેન - વેલ્ડરની જગ્યા માટે એન્જીનિયરો - પોસ્ટ ગ્રેજ્યુએટ્સની અરજી

નવી દિલ્હી તા. ૨૩ : એન્જિનિયર્સ, મેનેજમેન્ટ, સાયન્સ અને કોમર્સના પોસ્ટ ગ્રેજયુએટ વિદ્યાર્થીઓ ગેંગમેન, કેબિનમેન, હેલ્પર્સ, કીમેન, ટ્રેકમેન અને વેલ્ડર બનવા તૈયાર છે. આ તમામ રેલવેની લેવલ-૧ની પોસ્ટ છે. આ ૬૨,૯૦૭ પોસ્ટ પર નોકરી મેળવવા માટે ઉમેદવાર ધોરણ ૧૦ પાસ હોવો જોઈએ અને નેશનલ કાઉન્સિલ ઓન વોકેશનલ ટ્રેનિંગનું સર્ટિફિકેટ કે ITI અથવા નેશનલ એપ્રિન્ટિસશિપ સર્ટિફિકેટ હોવું જોઈએ. અમારા સહયોગી TOIને પ્રાપ્ત માહિતી મુજબ, ધોરણ ૧૦ પાસ ૧.૯ કરોડ ઉમેદવારો ઉપરાંત ૪૮.૪૮ લાખ અંડર ગ્રેજયુએટ્સ અને પોસ્ટ ગ્રેજયુએટ્સે આ નોકરી માટે અરજી કરી છે. રેલવેએ કુલ ૭૫,૦૦૦ ઉમેદવારોના નામની યાદી તૈયાર કરી છે.

ગયા વર્ષે રેલવે વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત મુજબ નવા કર્મચારીઓને ૧૮,૦૦૦ રૂપિયા માસિક પગાર અને અન્ય ભથ્થાં મળશે. અરજી કરનારા ઉમેદવારોને અલગ તારવતાં જાણવા મળ્યું કે ૪.૯૧ લાખ એન્જિનિયરિંગના અંડર ગ્રેજયુએટ વિદ્યાર્થીઓ અને ૪૧,૦૦૦ પોસ્ટ ગ્રેજયુએટ્સનો સમાવેશ થાય છે. મેનેજમેન્ટના ૮૬,૦૦૦ અંડર ગ્રેજયુએટ અને પોસ્ટ ગ્રેજયુએટ્સે અરજી કરી.

રેલવેને લેવલ-૧ની પોસ્ટ માટે આશરે ૨ કરોડ અરજીઓ મળી છે ત્યારે વિપક્ષે દેશમાં વધી રહેલી બેરોજગારી મુદ્દે સરકારને આડે હાથ લીધી. જો કે, સરકારે રટણ ચાલું રાખ્યું કે, સરકારી નોકરી મેળવવા અરજી કરનારા ઉમેદવારોની સંખ્યા બેરોજગારીનો માપદંડ નથી કારણકે સરકારી નોકરીમાં મળતી સ્થિરતા અને અન્ય લાભ મેળવવા પણ લોકો ભરતી પ્રક્રિયામાં ભાગ લે છે. સરકારે એમ પણ કહ્યું કે, અરજી કરનારા ઘણાં ઉમેદવારો હાલ કયાંક તો નોકરી કરતાં જ હશે તેમ છતાં આ પોસ્ટ માટે અપ્લાય કર્યું છે.

(10:07 am IST)