મુખ્ય સમાચાર
News of Friday, 23rd March 2018

સંજય દત્ત ભડકી ઉઠયોઃ નોટીસ આપીઃ પ્રકાશકે માફી માગી

'સંજય દત્તઃ ધ ક્રેઝી અનટોલ્ડ સ્ટોરી ઓફ બેડ બોય': બિનસત્તાવાર આત્મકથાએ મોટો ખળભળાટ સર્જ્યો

મુંબઇ તા. ૨૩ : 'સંજયદત્તઃ ધ ક્રેઝી અનટોલ્ડ સ્ટોરી ઓફ બેડ બોય' જગરનોટ પબ્લિકેશન દ્વારા યાસિર ઉસ્માન લિખિત સંજય દત્તની આત્મકથા તરીકે ગણાવાતા આ પુસ્તકમાં ખળભળાટ મચાવનારી વિગતો અપાય છે. જેનાથી દેશભરમાં ખળભળાટ મચી ગયો છે . સંજય દત્તને ટાંકીને આ પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે, મારામાં મુસલમાનનું લોહી વહી રહ્યું છે, ચુપ કેવી રીતે બેસવુ? જોકે સંજય દત્તે આ પુસ્તક પ્રસિદ્ઘ કરનાર પબ્લિશર્સ સામે કાનૂની પગલાં ભરવા માટે નોટીસ આપ્યાનું અને પબ્લિશરે માફી માગી લીધાંનું પણ ટાઈમ્સ નાઉ ની વેબ સાઇટ ઉપર પ્રસિદ્ઘ થયું છે

ભારતીય ફિલ્મ જગતની અંદર ખળભળાટ મચાવનાર આ પુસ્તક બ્લેક માર્કેટમાં સાડા ચારસો રૂપિયાની આસપાસ આસપાસની કિંમતે મળી રહેલ છે અને ઓનલાઇન ૩૦૦ રૂપિયામાં આ પુસ્તક મળી રહ્યાંનું સુદર્શન ન્યૂઝ ડોટ કોમ વેબ સાઇટમાં જણાવાયું છે.

સંજય દત્તે આ પુસ્તકની વિગતો સંપૂર્ણ જૂઠી હોવાનું, તેના જીવન સાથે કંઈ જ લેવાદેવા ન હોવાનું અને પોતાના કાનૂની નિષ્ણાતોની સલાહ લઈ કાયદેસર પગલાં લેવા વિચારી રહ્યાનું પણ પ્રસિદ્ઘ થયું છે.

દેશવાસીઓના મનમાં સંજય દત્ત વિરુદ્ઘ ઘૃણા સર્જી દે એવી આ વિગતોથી સહુ કોઈને ભારે આંચકો લાગ્યો છે. સુદર્શન ન્યુઝના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે મુંબઈમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટના પગલે પોલીસ સમગ્ર ઘટના પાછળ રહેલા લોકોની તપાસ કરી રહી હતી ત્યારે પોલીસને ખબર મળી હતી કે આ બનાવમાં બોલિવૂડના પણ કેટલાક લોકો સામેલ છે.

પોલીસે શંકાના આધારે હનીફ કડાવાલા અને સમીર હિંગોરા ની નિર્માતા જોડીમાંથી હનીફની પૂછપરછ કરી હતી. એ સમયે આ નિર્માતા જોડી સંજય દત્તની ફિલ્મ સનમ નું નિર્માણ કરી રહી હતી. હનીફે લાંબી પૂછપરછ પછી કહ્યું હતું કે પોલીસ અમારા જેવી નાની માછલીઓને પરેશાન કરે છે અને મોટા લોકો તો એમ જ ખુલ્લેઆમ ફરતા રહે છે

આ પછી સંજય દત્તનું નામ નીકળી પડેલ. પોલીસે કોઈપણ નિર્ણય ઉપર પહોંચતા પહેલા મામલાની ઊંડાણમાં જવાનું નક્કી કરેલ. મુંબઈ બ્લાસ્ટ પછી મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજાયેલ જેમાં શંકાસ્પદોના નામ બહાર આવ્યા હતા. કોન્ફરન્સમાં પોલીસે હનીફ ને સમીરની જોડીનું નામ લીધું ત્યારે તરત જ એક રિપોર્ટરે પૂછ્યું હતું કે શું આમાં સંજય દત સામેલ છે ? કારણ કે એ વખતે હનીફ સમીરની સાથે સંજય પણ કામ કરી રહેલ. આ એક માત્ર તાર્કિક પ્રશ્ન હતો પરન્તુ પોલીસે આ બાબતમાં ઢાંકપિછડો કરવાનું વલણ અપનાવતા પ્રેસના હાથમાં ખૂબ મોટી ખબર આવી ગયાનું સુદર્શન ન્યૂઝ જણાવે છે.

એ વખતે સંજય દત્ત મોરેશિયસમાં સંજય ગુપ્તાની ફિલ્મનું શુટિંગ કરી રહેલ. પત્રકાર પરિષદના બીજા દિવસે તમામ અખબારોમાં ફ્રન્ટ પેજ પર આ સમાચાર છપાયા હતા. સંજય દત્તને આ વાતની ખબર પડી એટલે શૂટિંગ છોડી ઇન્ડિયા આવવાની વાત કહી, પરંતુ પોલીસે એમ કહ્યું કે નિશ્યિત સમય ઉપર જ ભારત આવે. સંજય દત્ત આ પછી ૧૯ એપ્રિલ ૧૯૯૩ના રોજ બપોરે ૨.૧૫ કલાકે મુંબઈના સહારા એરપોર્ટ પર ઉતરેલ. જેવો બહાર નીકળ્યો કે એની આંખો ચાર થઇ ગયેલ. તેણે જોયું કે સામે ૧૦૦ જેટલી પોલીસ ભરી બંદુકે ઊભી હતી.

એરપોર્ટથી સીધો જ તેને બાંદ્રા ખાતે આવેલ મુંબઇ ક્રાઇમ બ્રાંચમાં લઈ જવામાં આવેલ. એ પછી બીજે દિવસે સવારે ક્રાફર્ડ માર્કેટ પોલીસ હેડકવાર્ટરમાં લઈ ગયા હતા. પ્રથમ તો સંજય દત્તે તમામ આરોપોને નકારી કાઢ્યા. પરંતુ જેવા એની સામે હનિફ સમીરને ઉભા કરી દેવામાં આવ્યા ત્યારે એની પાસે બોલવા માટે કંઈ હતું નહીં. તેણે પોતાની પાસે એકે ૫૬ રાઇફલ રાખ્યાની વાત પણ કબુલ કરી લીધી. પછીનો ઘટનાક્રમ સૌ કોઈ જાણે છે હથીયાર કેવી રીતે તેની પાસે આવ્યા, અંડરવર્લ્ડ સાથે કેવા સંબંધો હતા, આ બધી જ હકીકત તો ખૂબ પ્રસિદ્ઘ થઈ ચૂકી છે.

સંજય દત્ત ઉપર ટાડા પણ લગાડવામાં આવેલ. જયારે સંજય દત્તને તેમના પિતા અને સાંસદ સુનીલ દત્ત્ મળવા આવ્યા ત્યારે તેમને પણ વિશ્વાસ નહોતો કે તેમનો પુત્ર બોમ્બ બ્લાસ્ટનો આરોપી હોઈ શકે છે. અહિયાં પુસ્તકમાં લખાયું છે કે સુનિલ દત્તે જયારે સંજયને પૂછ્યું કે આવું કેમ કર્યું ત્યારે સંજય દત્તે એવું કહેલું કે મારી રગોમાં મુસ્લિમનું લોહી દોડી રહ્યું છે. શહેરમાં જે કંઈ પણ બની રહ્યું છે એ હું હવે બર્દાશ્ત કરી શકતો નથી. સંજયનો ઈશારો પોતાની માતા નરગીસ દત્ત તરફ હતો.

બાબરી મસ્જિદ ધ્વંસ પછી મુંબઈમાં લગાતાર તોફાનો થઈ રહ્યા હતા. આવું આ સુદર્શન ન્યૂઝ ડોટ કોમ માં સંજય દત્તની કહેવાતી આત્મકથા ને ટાંકીને પ્રસિદ્ઘ કર્યું છે.

દરમ્યાન ટાઈમ્સ નાઉ ન્યૂઝ ડોટ કોમ વેબસાઈટ ઉપર સંજય દત્તને ટાંકીને જણાવાયું છે કે પોતાની આ બનાવટી જૂઠી આત્મકથા પુસ્તક ઉપર સંજય દત્તે લીગલ નોટિસ મોકલતા આ પુસ્તકના પબ્લિશરે માફી માગી લીધી છે. સંજય દત્તે આ પુસ્તક સંપૂર્ણ જૂઠું હોવાનું જાહેર કર્યું છે.

સંજય દત્તે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર પણ જાહેર કર્યું છે અને ખુલાસો કર્યો છે કે તેની સત્તાવાર આત્મકથા ઝડપભેર તેમના પ્રશંસકોની સામે આવશે. માર્કેટમાં અત્યારે વેચાઈ રહેલા પુસ્તક તદ્દન બનાવટી હોવાનું સંજય દત્તે પોતાના ટ્વિટર ઉપર લખ્યું છે. તેણે ટ્વિટર ઉપર એવું પણ લખ્યું છે કે આ પુસ્તકના લેખક યાસિર ઉસ્માન અને પુસ્તક પ્રસિદ્ઘ કરનાર પ્રકાશકને ને મેં મારી આત્મકથા પ્રસિદ્ઘ કરવા માટે કોઇ જ સત્તા આપી નથી.

મારા વકીલે તેમને લીગલ નોટિસ પણ મોકલી છે, જેના જવાબમાં પબ્લિકેશને એવું કહ્યું છે કે આ કિતાબની અંદર રહેલા તથ્યો પબ્લિક ડોમેઈનમાં પડેલી માહિતી ઉપરથી લેવામાં આવેલ છે. આ પુસ્તકના કેટલાક અંશ મારા જૂના ઇન્ટરવ્યૂમાંથી લેવામાં આવેલ છે અને કેટલાક નેવુંના દાયકામાં જે અખબારોમાં પ્રસિદ્ઘ થયેલ અને જેમાંની મોટાભાગની ગોસિપ્સ સત્યથી વેગળી છે અને માત્ર કલ્પનાઓ છે તેનો આધાર લેવામાં આવેલ.

સંજય દત્તે કહ્યું છે કે કાનૂની પગલાંઓ લેવા માટે મારી ટીમ સાથે હું વાત કરી રહ્યો છું. સંજય દત્તની બનાવટી જીવનકથા પ્રસિદ્ઘ થતાં બોલિવૂડ અને સમગ્ર દેશમાં મોટો ખળભળાટ મચી ગયો છે.(૨૧.૯)

(10:10 am IST)