મુખ્ય સમાચાર
News of Friday, 23rd March 2018

‌રિલાયન્સ કોમ્યુનિકેશન દ્વારા રિલાયન્સ જીયોને સંપતિઓના વેંચાણ ઉપર યથાસ્થિતી રાખવા સુપ્રિમ કોર્ટનો આદેશ

નવી દિલ્હી:  સુપ્રીમ કોર્ટે બેંકોના ફેડરેશનની અરજીઓ પર રિલાયન્સ કોમ્યુનિકેશન દ્વારા રિલાયન્સ જિયો (Reliance Jio) ને સંપત્તિઓના વેચાણ પર યથાસ્થિતિ રાખવાનો આદેશ આપ્યો છે. ટોચની કોર્ટે રિલાયન્સ કોમ્યુનિકેશનની સંપત્તિ વેચવા પર મુંબઇ હાઇકોર્ટ દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધ હટાવવાની મનાઇ કરી છે. હાઇકોર્ટ દ્વારા સંપત્તિઓના વેચાણ પર લગાવવામાં આવેલા પ્રતિબંધ વિરૂદ્ધ બેંકોના ફેડરેશન અને રિલાયન્સ કોમ્યુનિકેશનની અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં 5 એપ્રિલના રોજ સુનાવણી થશે. 

બીજી તરફ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCom) ને પોતાની કેટલીક સંપતિઓ રિલાયન્સ જિયો ઇન્ફોકોમને વેચવાની પરવાનગી મળી ગઇ હતી. તેણે આ પરવાનગી તેના બોન્ડ ધારકો પાસેથી મળી હતી. આ ઉપરાંત કંપનીને કેટલીક રીયલ એસ્ટેટ સંપત્તિઓના મુદ્રીકરણની પણ મંજૂરી મળી ગઇ હતી. એક વિજ્ઞપ્તિમાં કંપનીએ કહ્યું કે 'કંપનીના 30 કરોડ ડોલરના બોન્ડ ધારકોને લંડનમાં 20 માર્ચના રોજ ભારે બહુમતી સાથે રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડને સંપત્તિ વેચવાની મંજૂરી આપી દીધી છે. સાથે જ કેટલાક અન્ય રીયલ એસ્ટેટના મુદ્રીકરણને પણ મંજૂરી આપી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2017માં મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ જિયોએ રિલાયન્સ કોમના સ્પેક્ટ્રમ, મોબાઇલ ટાવર અને ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક સહિત મોબાઇલ બિઝનેસના હસ્તાંતરણના મોટા સોદાની જાહેરાત કરી હતી. આ પહેલાં મુંબઇ હાઇકોર્ટે આર્બિટ્રેશન ટ્રિબ્યૂનલ દ્વારા અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આર-કોમ) પર કંપનીની સંપત્તિઓને વેચવા અને ટ્રાંસફર રોકવા પર લગાવવામાં આવેલા પ્રતિબંધને દૂર કરવાની મનાઇ કરી દીધી છે. 

ટ્રિબ્યૂનલે આરકોમને અનુમતિ વિના કોઇપણ સંપત્તિને સ્થળાંતરિત અથવા વેચવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પગલું એવા સમયે ભરવામાં આવ્યું છે જ્યારે સ્વીડિશ ટેલિકોમ ઉપકરણ નિર્માતા કંપની એરિક્શને અનિલ અંબાણીના નેતૃત્વવાળી કંપની પાસેથી બાકી રકમ વસૂલ કરવાની અરજી દાખલ કરી છે.

(8:18 pm IST)