મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd February 2021

નેપાળની સુપ્રીમકોર્ટે સંસદનું નીચલું ગૃહ પુન: સ્થાપિત કર્યું 13 દિવસમાં સત્ર બોલાવવા આદેશ : ઓલી આપી શકે રાજીનામુ

પીએમ ઓલીની વિવિધ બંધારણીય સંસ્થાઓને કરાયેલી તમામ નિમણૂકોને પણ રદ કરી દીધી

નેપાળની સુપ્રીમ કોર્ટે આજે પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીના નિર્ણયને ઉલટાવીને સંસદનું નીચલું ગૃહ પુન: સ્થાપિત કર્યું છે. કોર્ટે સરકારને આગામી 13 દિવસની અંદર સત્ર બોલાવવા આદેશ પણ આપ્યો છે. આ ઉપરાંત નેપાળની સુપ્રીમ કોર્ટે 20 ડિસેમ્બર, 2020 ના રોજ સંસદ વિસર્જન પછી પીએમ ઓલીની વિવિધ બંધારણીય સંસ્થાઓને કરવામાં આવેલી તમામ નિમણૂકોને પણ રદ કરી દીધી છે

સુપ્રીમ કોર્ટની બંધારણીય ખંડપીઠના આ નિર્ણયને પીએમ ઓલી માટે મોટો આંચકો ગણાવવામાં આવી રહ્યો છે. તેમની જ પાર્ટીના બીજા નંબરના નેતા પુષ્પ કમલ દહલ પ્રચંડ અને માધવકુમાર નેપાળે કોર્ટના ચુકાદાને આવકાર્યો છે.

આ ઉપરાંત વિપક્ષ નેપાળી કોંગ્રેસના પ્રમુખ શેર બહાદુર દેઉબા અને ડો. શેખર કોઈરાલા ઉપરાંત જનતા સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટીએ પણ કોર્ટના નિર્ણય પર ખુશી વ્યક્ત કરી છે. હવે જ્યારે તેમણે સંસદનું સત્ર 13 દિવસની અંદર બોલાવવું પડશે, ત્યારે તમામ વિરોધી પક્ષો એક થઈ શકે છે અને તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. આ અપમાનને ટાળવા માટે, ઓલીએ પહેલેથી જ રાજીનામું આપવાની ઘોષણા કરી શકે છે.

પીએમ ઓલીને પહેલાથી જ ખબર હતી કે સંસદના સત્ર દરમિયાન, તેમના હરીફ જૂથ, વિરોધી પક્ષો સાથે મળીને, અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. આ કારણોસર તેમણે જલ્દીથી સંસદ વિસર્જન કરવાની ભલામણ કરી હતી. જો કે તેમણે આનો સામનો કરવો પડશે. જો વિપક્ષો એક થઈ જાય તો ઓલી માટે ખુરશી બચાવવી લગભગ અશક્ય થઈ જશે. કાઠમંડુ પોસ્ટે ઓલી જૂથનો ભાગ એવા નેપાળ સામ્યવાદી પાર્ટી સાથે જોડાયેલા મહિલા સંગઠનના નેતાને ટાંકીને કહ્યું હતું કે, પીએમ ઓલી વિરોધી પક્ષ નેપાળી કોંગ્રેસ સાથે ગઠબંધન કરી શકે છે.

એવો દાવો કરવામાં આવ્યો હતો કે શેર બહાદુર દેઉબા અને નેપાળી કોંગ્રેસના ચીફ ઓલી વચ્ચે રાજકીય ગઠબંધન હોઈ શકે છે. મહિલા નેતાએ દાવો કર્યો હતો કે સંસદ પુન: સ્થાપિત થવાની સ્થિતિમાં ઓલીએ કહ્યું હતું કે, દેઉબાના નેતૃત્વ હેઠળ ગઠબંધનની સરકાર બનાવવામાં આવશે. ઓલીએ કહ્યું હતું કે અમે ચૂંટણી થાય ત્યાં સુધી નેપાળી કોંગ્રેસની સાથે વારાફરથી સરકાર બનાવીશું.

(12:48 am IST)