મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd February 2021

પાક.માં ૬૨ વર્ષના સાંસદના ૧૪ વર્ષની કિશોરી સાથે લગ્ન

બાળ વિવાહના દૂષણનો વિશ્વમાં ભારે વિરોધ : એક એનજીઓ દ્વારા આ જાણકારી સામે લાવવામાં આવી, ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે તપાસના આદેશ

ઈસ્લામાબાદ, તા. ૨૩ : બાળ વિવાહના દુષણ સામે આખી દુનિયામાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના ૬૨ વર્ષીય સાંસદ મૌલાના સલાહઉદ્દીન અયૂબીએ ૧૪ વર્ષની કિશોરી સાથે લગ્ન કરી લીધા છે.

જોકે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે તપાસના આદેશ આપી દીધા છે. એક એનજીઓ દ્વારા આ જાણકારી સામે લાવવામાં આવી હતી.પાકિસ્તાન અખબારના અહેવાલ પ્રમાણે સાંસદે જેની સાથે લગ્ન કર્યા હતા તે બાળકીના જન્મનુ સર્ટિફિકેટ મીડિયા સામે રજૂ કરવામાં આવ્યુ હતુ.જેમાં તેની જન્મ તારીખ ૨૮ ઓક્ટોબર ૨૦૦૬ દર્શાવાઈ છે.એ પછી સ્થાનિક એનજીઓ દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

પોલીસ ફરિયાદ થયા બાદ તપાસ માટે બાળકીના ઘરે પહોંચી તો પિતાએ કહ્યુ હતુ કે, મારી પુત્રીના લગ્ન થયા નથી,પોલીસનુ કહેવુ છે કે, બાળકીને સાંસદ પાસે નહીં મોકલવાની પિતાએ ખાતરી આપી છે.પાકિસ્તાનના લગ્નના કાયદા પ્રમાણે લગ્ન માટે યુવતીની વય ૧૬ વર્ષની નક્કી કરવામાં આવી છે.

(9:37 pm IST)