મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd February 2021

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સભા સ્થળને TMCએ ગંગાજળ છાંટીને પવિત્ર કરી દીધું

બંગાળમાં ચૂંટણી પૂર્વે તૃણમુલ, ભાજપ વચ્ચે જંગ : હુગલીમાં સભા સ્થળેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જી પર ખોટા આક્ષેપ લગાવ્યા હોવાનો ટીએમસીનો આક્ષેપ

હુગલી, તા. ૨૩ : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે સતત જંગ ચાલી રહી છે. ગઇકાલે પશ્ચિમ બંગાળના હુગલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભાને સંબોધી હતી, જેમાં ટીએમસી પર નિશાન સાધ્યું હતું. હવે એ જ મેદાનને મંગળવારે ટીએમસીના કાર્યકરોએ ગંગાજળ છાંટીને પવિત્ર કર્યુ છે.

હૂગલીમાં ટીએમસીના જિલ્લાધ્યક્ષ દિલિપ યાદવની આગેવાનીમાં અભિયાન ચલાવ્યું છે. ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીંથી મમતા બેનર્જી પર ખોટા આરોપ લગાવ્યા છે. કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળ સાથે સાવકા જેવો વ્યવહાર કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે આગામી ૨૪ ફેબ્રુઆરીના દિવસે મમતા બેનર્જી પણ આ જ મેદાન પર ચૂંટણી સભાને સંબોધિત કરશે. તેવામાં ટીએમસીના કાર્યકરોનું કહેવું છે કે ગંગાજળ છાંટીને આ મેદાનને પવિત્ર કરી દીધું છે. આટલું જ નહીં પરંતુ ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે જે જગ્યા પર હેલિપેડ બનાવવામાં આવ્યું હતું, ત્યાં અનેક વૃક્ષો કાપવામાં આવ્યા છે.

ટીએમસીએ તો એવો દાવો પણ કર્યો છે કે, હેલિપેડ માટે થઇને ૧૦૦ વર્ષ જૂના વૃક્ષને પણ કાપવામાં આવ્યું છે. ત્યારે જે ટીએમસી દ્વારા આ જગ્યા પર વૃક્ષારોપણ અભિયાન પણ ચલાવવામાં આવ્યું. ટીએમસીએ કહ્યું કે ભાજપે પર્યાવરણને નુકસાન કર્યુ તેની ભરપાઇ ટીએમસી કરે છે.

(9:37 pm IST)