મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd February 2021

બાબા રામદેવની કોરોનિલ ટેબલેટના વેચાણ પર મહારાષ્ટ્ર સરકારે પ્રતિબંધ લગાવી દીધો

પ્રમાણપત્ર મુદ્દે વિવાદ : IMA એ પણ વાંધો ઉઠાવ્યો હતો

મુંબઇ :મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારે પતંજલિ આર્યુવેદની કોરોના દવા કોરોનિલના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઠાકરે સરકારમાં ગૃહમંત્રી અનિલ દેશમુખે બાબા રામદેવ દ્વારા લોન્ચ કરેલી કોરોનિલ ટેબલેટ મુદ્દે કહ્યું હતું કે, WHO અને IMA જેવા સક્ષમ સ્વાસ્થ સંગઠનો પાસેથી પ્રમાણપત્ર મેળવ્યા વગર કોરોનિલના વેચાણને મહારાષ્ટ્રમાં મંજૂરી મળશે નહીં.

વિવાદમાં ફસાયેલી કોરોનિલ ટેબલેટ સંદર્ભે દેશમુખે ટ્વીટ કરી હતી કે, પતંજલિની કોરોનિલ દવાના વેચાણને મહારાષ્ટ્રમાં WHO, IMA અને અન્ય સક્ષમ સ્વાસ્થ સંગઠનોના પ્રમાણપત્ર વગર મંજૂરી આપવામાં આવશે નહીં.

તેમણે અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું કે કોરોનિલના પરીક્ષણ પર IMA સવાલ ઉભા કરી ચૂક્યુ છે અને WHOએ કોવિડની સારવાર માટે પતંજલિની કોઇપણ પ્રકારની દવાને માન્યતા આપવાથી ઇનકાર કર્યો હતો. આવા સમયે કોઇપણ દવાને વેચાણમાં મૂકવી અને બે વરિષ્ઠ કેન્દ્રિય મંત્રીઓ દ્વારા તેને પ્રોત્સાહન આપવું યોગ્ય નથી.

 અત્રે ઉલ્લેખનીય છે કે  બાબા રામદેવની કંપની પતંજલિ આર્યુવેદ દ્વારા કોરોના સંક્રમણની સારવાર માટે કોરોનિલ ટેબલેટ તૈયાર કરાવામાં આવી હતી, જેને શુક્રવારે લોન્ચ કરવામાં આવી હતી.

(6:55 pm IST)