મુખ્ય સમાચાર
News of Tuesday, 23rd February 2021

કોંગ્રેસ માટે લાલબત્તી : અન્ય રાજ્યોમાં તો ગઠબંધન સાથેનું રાજ : દ.ભારતમાં પંજાનો સફાયો

દેશમાં વિપક્ષની સત્તા હોય તેવા માત્ર ૩ રાજ્યો !

વિપક્ષને આત્મમંથનની જરૂર

નવી દિલ્હી તા. ૨૩ : પુડ્ડુચેરી વિધાનસભામાં કોંગ્રેસ બહુમત સાબિત કરવામાં નિષ્ફળ રહી છે. સોમવારે વિધાનસભાના સ્પીકરે જાહેરાત કરી કે સરકાર પાસે બહુમત નથી. જે બાદ મુખ્ય મંત્રી વી. નારાયણસામીએ ઉપરાજયપાલ તમિલિસાઇને પોતાનંુ રાજીનામુ સોપી દીધુ હતું. વિધાનસભામાં કોંગ્રેસ પાસે તેના નવ ધારાસભ્યો ઉપરાંત બે ડીએમકેના અને એક અપક્ષ ધારાસભ્ય છે. જે મળી કુલ ૧૧ ધારાસભ્યો અને એક સ્પીકર મળી ૧૨નું સમર્થન છે. જયારે બહુમત માટે ૧૪ ધારાસભ્યો હોવા જરૂરી છે. તેથી કોંગ્રેસે સરકાર ગુમાવી દીધી છે.

રાજીનામુ આપ્યા બાદ નારાયણસ્વામીએ કહ્યું હતું કે પૂર્વ ઉપરાજયપાલ કિરણ બેદી અને કેન્દ્ર સરકારે વિપક્ષિયો સાથે મળીને સરકાર ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો. અમારી એકતાને કારણે છેલ્લા પાંચ વર્ષથી સરકાર ચલાવી રહ્યા હતા. આ લોકશાહીની હત્યા છે. પુડ્ડુચેરીમાં સત્તા ગુમાવ્યા બાદ હવે દેશમાં માત્ર કોંગ્રેસનું જ શાસન હોય તેવા પંજાબ, રાજસ્થાન અને છત્તીસગઢ રાજયો જ બચ્યા છે. જયારે અન્ય રાજયમાં ગઠબંધનથી સરકાર ચલાવવામાં આવી રહી છે. પુડ્ડુચેરીમાં સત્તા ગુમાવતાની સાથે જ હવે દક્ષિણ ભારતના એક પણ રાજયમાં કોંગ્રેસનું શાસન નથી રહ્યું.

જોકે આ વર્ષે જ એપ્રીલ-મેમાં પુડ્ડુચેરીમા વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે. ડીએમકેના વડા એમ.કે. સ્ટાલિને પણ કહ્યું હતું કે વિપક્ષ ભાજપે ગંદી રમત કરીને સરકાર ભંગ કરાવી છે. સાથે તેમણે નારાયણસ્વામીના વખાણ કર્યા હતા. બીજી તરફ વિપક્ષના નેતા અને એનઆર કોંગ્રેસ ચીફ એન રંગાસ્વામીએ કહ્યું હતું કે હાલની સિૃથતિ પ્રમાણે અમારી સરકાર બનાવવાની કોઇ જ ઇચ્છા નથી અને આગામી પ્લાન ટૂંક સમયમાં તૈયાર કરાશે જે માટે બેઠક બોલાવવામાં આવી રહી છે.

આ પહેલા ઉપરાજયપાલે સોમવારે સંસદમાં બહુમત પુરવાર કરવા માટે વિશેષ સત્ર બોલાવ્યું હતું. વિપક્ષે દાવો કર્યો હતો કે સરકાર બહુમતમાં ન હોવાથી વિશ્વાસમત પ્રક્રિયા હાથ ધરવી અનિવાર્ય હોવાથી સરકારને સમન્સ પાઠવવામાં આવે. અત્યાર સુધીમાં સરકાર સમર્થક છ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે કોંગ્રેસ પાસે નવ, ડીએમકે પાસે બે, ઓલ ઇન્ડિયા એનઆર કોંગ્રેસ પાસે સાત, એઆઇએડીએમકે પાસે ચાર, ભાજપ પાસે ત્રણ બેઠકો છે જયારે એક અપક્ષ ધારાસભ્ય છે. જે લોકોએ હાલમાં જ રાજીનામા આપ્યા તેમાં પૂર્વ મંત્રી એ. નમસ્સિયામ, મલ્લાદી ક્રિશ્ના રાવનો સમાવેશ થાય છે.

જોકે જયારે વિશ્વાસ મતની પ્રક્રિયા હાથ ધરાઇ રહી હતી ત્યારે કેન્દ્ર સરકાર પર પ્રહારો કરીને કોંગ્રેસના ધારાસભ્યોએ વોકઆઉટ કરી દીધો હતો અને બહુમત પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. જેને પગલે હવે પુડ્ડુચેરીમાં કોંગ્રેસની સરકાર નથી રહી અને આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી શકે છે.

(11:46 am IST)