મુખ્ય સમાચાર
News of Sunday, 23rd February 2020

શાહીનબાગના મામલે કાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે

હબીબુલ્લાએ સુપ્રીમ કોર્ટમાં અહેવાલ સુપરત કર્યો : શાહીનબાગમાં શાંતિપૂર્ણ પ્રદર્શન જારી છે, પોલીસે રસ્તાને રોક્યા છે :સુપ્રીમના મંત્રણાકાર હબીબુલ્લા દ્વારા રજૂઆત

નવી દિલ્હી, તા.૨૩ : શાહીનબાગમાં રસ્તાને ખોલાવી લેવાને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલા મંત્રણાકાર વજાહત હબીબુલ્લાએ પોતાનો અહેવાલ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી દીધો છે. તેમણે કહ્યું છે કે, સુધારવામાં આવેલા નાગરિક સુધારા કાનૂનની સામે શાહીનબાગમાં ચાલી રહેલું પ્રદર્શન શાંતિપૂર્ણ છે. તેમણે કહ્યું છે કે, પાંચ રસ્તા પોલીસે બંધ કર્યા છે. સુપ્રીમ કોર્ટ તરફથી શાહીનબાગમાં રસ્તાને ખોલાવી લેવા માટે મોકલવામાં આવેલા ત્રણ મંત્રણાકારો પૈકી એક હબીબુલ્લાએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે સોમવારના દિવસે બે સભ્યોની બેંચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવશે. વજાહત ઉપરાંત આ મામલામાં સંજય હેગડે અને સાધના રામચંદ્રનને મંત્રણાકાર બનાવવામાં આવ્યા હતા.

         મંત્રણાકારોએ શાહીનબાગ જઇને પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરી હતી પરંતુ રસ્તો ખોલાવવામાં સફળતા મળી નથી. દેખાવકારોનું કહેવું છે કે, જ્યાં સુધી સીએએને પરત લેવામાં આવશે નહીં ત્યાં સુધી વિરોધ પ્રદર્શન જારી રહેશે. શાહીનબાગમાં બે મહિનાથી વધારે સમયથી સુધારવામાં આવેલા નાગરિક કાનૂનની સામે આંદોલન જારી છે. આજ કારણસર નોઇડા અને દિલ્હીની વચ્ચે યાત્રા કરનાર લોકોએ સુપ્રીમ કોર્ટમાં જઇને ચિંતા વ્યક્ત કરી હતી. પ્રદર્શનકારીઓએ કાલિંદીકુંજ નં. ૯ના માર્ગને ગઇકાલે સાંજે ખોલી દીધો હતો પરંતુ ફરીવાર વિરોધ પ્રદર્શનની શરૂઆત થઇ ચુકી છે. મોહમ્મદ આકીબ અને નૌશાદ સહિતના અનેક લોકો હિંસક આંદોલન કરી રહ્યા છે. ૭૦૦થી વધુ મહિલાઓ પણ માર્ગો ઉપર ઉતરેલી છે. હજારો લોકો તેમની સાથે જોડાયા છે. સુપ્રીમ કોર્ટમાં શાંતિપૂર્ણ પ્રદર્શનની વાત કરવામાં આવ્યા બાદ તેમના રિપોર્ટને લઇને પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. પ્રદર્શન ઉપર બેઠેલી મહિલાઓએ અનેક શરતો હજુ પણ મુકી છે.

(8:04 pm IST)