મુખ્ય સમાચાર
News of Sunday, 23rd January 2022

પોણા બે વર્ષના ટાબરિયાએ ભારે કરી : મમ્મીના સ્માર્ટફોનમાંથી મંગાવી દીધું 1.4 લાખનું ફર્નિચર

ઓર્ડર મળતા મોટા મોટા પાર્સલ આવવા લાગ્યા ઘેર: માતાપિતાને ભારે નવાઈ લાગી : કોણે મોકલ્યાં પાર્સલ?ખબર પડી તો  22 મહિનાના ડાયપર પહેરતા આયાંશની કમાલ જોએ સૌ હસી પડ્યા : અમેરિકાના ન્યૂજર્સીની જબરી ઘટના

ફોટો 22  નોટિફિકેશન

નવી દિલ્હી :  બાળકના હાથમાં સ્માર્ટફોન આવી જતા તેનું ઉલટું પરિણામ આવી જતું હોય છે અને ક્યારેય તો લાખો રુપિયાનો નકામો ખર્ચ પણ થઈ જતો હોય છે તેથી ફોનને હમેંશા લોક કરી રાખવો જોઈએ અથવા તો બાળકોની પહોંચથી દૂર રાખવો જોઈએ અન્યથા લાખો રુપિયાનું નુકશાન વેઠવું પડી શકે છે.

 અમેરિકાના ન્યૂજર્સી શહેરમાં આવી જ એક ઘટના પ્રકાશમાં છે જેમાં એક ડાયપર પહેરનાર ટાબરીયાએ ભૂલથી તેની મમ્મીના ફોનમાંથી 1.4 લાખના ફર્નિચરનો ઓનલાઈન ઓર્ડર આપી દીધો હતો. ન્યૂજર્સી શહેરના રહેવાશી 22 મહિનાના બાળક આયાંશ કુમાર હજુ ડાયપર પહેરે છે તેમ છતા પણ તેણે ભૂલથી એક કામ એવું કરી નાખ્યું જે જાણીને લોકો ખડખડાટ હસી પડ્યાં હતા.

આયાંશ કુમારની મમ્મી મધુ તેમના નવા ઘર માટે કેટલુંક ફર્નિચર ખરીદવા માગતી હતી, આ માટે મધુએ વોલમાર્ટની વેબસાઈટ પરથી ટેબલ, ખુરશી, ફ્લાવરવાઝને કાર્ટમાં નાખીને મૂકી રાખી હતી અને વિચાર્યું હતું કે નવા ઘરમાં જઈને ત્યારે આ વસ્તુઓ મંગાવી રાખીશું. પણ કોણ જાણે ક્યાંથી આયાંશના હાથમાં મમ્મીનો ફોન આવી ગયો અને ભૂલથી તેણે 2,000 ડોલર (1.4 લાખ)ના ફર્નિચરનો ઓર્ડર આપી દીધો હતો. 

આયાંશે 1.4 લાખની વસ્તુઓનો ઓર્ડર આપ્યા બાદ, ટેબલ, ખુરશીઓ, ફ્લાવરઝ સહિતની બીજી ઘણી વસ્તુઓ મોટા મોટા પાર્સલમાં પેક થઈને મધુના ઘેર આવવા લાગી હતી, આ જોઈને મધુ અને તેના પતિને ભારે નવાઈ લાગી કારણ કે તેમણે તો આવી વસ્તુઓનો ઓર્ડર કર્યો નહોતો હા આ વસ્તુઓ તેઓ ખરીદવા ઈચ્છતા હતા પરંતુ તે નવા મકાનમાં જઈને. જુના મકાનમાં આ વસ્તુઓ ખરીદવાનો તેમનો કોઈ વિચાર નહોતો તો પછી આ ઓર્ડર આપ્યો કોણે. તપાસ કરતા તેમને જ્યારે ખબર પડી ત્યારે તેઓ ખડખડાટ હસી પડ્યાં હતા. 

 

આયંશના પિતા પ્રમોદ કુમારે જણાવ્યું કે અમે તો માની પણ શકતા નથી કે આયાંશે આ કામ કરી નાખ્યું હોય. પરંતુ આ સાચું છે. તેઓ ખૂબ નાનો છે અને ખૂબ ક્યુટ છે. તેણે ઓનલાઈન ઓર્ડર આપી દીધાનું જાણીને અમે ખૂબ ખડખડાટ હસી રહ્યાં છીએ. આ ઘટના બાદ પતિ અને પત્નીએ તેમના ફોનને પાસવર્ડથી લોક કરી રાખ્યો છે

(5:31 pm IST)