મુખ્ય સમાચાર
News of Saturday, 23rd January 2021

કોંગ્રેસની બેઠકમાં અશોક ગેહલોત-આનંદ શર્માની વચ્ચે ચકમક

કોંગ્રેસનો આંતરિક ડખો ફરીથી સામે આવ્યો : અંબિકા સોનીએ શાંત પાડ્યા : છ માસમાં પક્ષ અધ્યક્ષની ચૂંટણીનો મામલો ઊઠાવતા અશોક ગહેલોત ભડકી ગયા

નવી દિલ્હી, તા. ૨૨ : કોંગ્રેસ પાર્ટીમાં ચાલી રહેલા અંદોરઅંદર ડખ્ખાની વચ્ચે શુક્રવારે પાર્ટીની વર્કિંગ કમિટીની બેઠક (સીડબલ્યુસી) મળી. બેઠકમાં જ્યાં નેતાઓની તરફથી ઝડપથી આંતરિક ચૂંટણી કરવાની અપીલ કરાઇ. તો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત બળવાખોરો પર ભડકયા. અશોક ગેહલોતે કહ્યું કે ચૂંટણીની આટલી બધી ઉતાવળ કેમ છે, શું નેતાઓને સોનિયા ગાંધીના નેતૃત્વ પર વિશ્વાસ નથી?

સીડબલ્યુસીની બેઠકમાં ગેહલોત અંદાજે ૧૫ મિનિટ સુધી બોલ્યા. જ્યાં તેમણે કહ્યું કે આજે કિસાન આંદોલન, મોંઘવારી, અર્થતંત્ર જેવા કેટલાંય મુદ્દા ચાલી રહ્યા છે એવામાં તેના પર ફોકસ કરવાની જરૂર છે અને સંગઠનની ચૂંટણી બાદમાં પણ કરાવી શકાય છે. ટૂંક સમયમાં સંગઠનની ચૂંટણી કરાવાને લઇ ગેહલોતે કહ્યું કે શું તેમને સોનિયા ગાંધીના નેતૃત્વ પર વિશ્વાસ નથી.

ટીવી રિપોર્ટસના મતે બેઠકમાં અશોક ગેહલોત અને આનંદ શર્માની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ. કહેવાય છે કે ગેહલોતે આનંદ શર્મા પર ભડકતા કહ્યું કે તમે દર મહિનામાં અધ્યક્ષની ચૂંટણી માંગો છો, શું તમને પાર્ટીના નેતૃત્વ પર ભરોસો નથી. તેના પર પાર્ટીના વરિષ્ઠ નેતા અંબિકા સોનીને વચ્ચે પડીને બંનેને શાંત કર્યા. તેમણે બંનેને ટોકતા કહ્યું કે તેઓ વધુ ભાવુક ના થાય.

કોંગ્રેસની આજની બેઠકમાં કિસાન આંદોલન, વેક્સીનેશન, ચેટ વિવાદ પર તપાસની માંગણી સાથે જોડાયેલા પ્રસ્તાવ પાસ કરાયા છે. કોંગ્રેસ પાર્ટી જિલ્લા અને બ્લોક સ્તર પર કૃષિ કાયદાની વિરૂદ્ધ પ્રદર્શન ચાલુ રાખશે.

(12:00 am IST)