મુખ્ય સમાચાર
News of Friday, 22nd November 2019

કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ-લદ્દાખમાં અતિ ભારે વરસાદ-બરફ વર્ષાની હવામાન ખાતાની આગાહી

તામિલનાડુ, કેરળ અને કર્ણાટકના દક્ષિણ ભાગોમાં હળવાથી ભારે વરસાદ પણ પડ્યો

નવી દિલ્હી : સમગ્ર ઉત્તર ભારતમાં ફરી એક વાર હવામાન પલટાયું છે, દેશના ઘણા ભાગોમાં કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે અને છેલ્લા ૨૪ કલાક દરમિયાન તામિલનાડુ, કેરળ અને કર્ણાટકના દક્ષિણ ભાગોમાં હળવાથી ભારે વરસાદ પણ પડ્યો છે. આગામી દિવસોમાં તાપમાનમાં પણ ઝડપથી ઘટાડો થવાનો છે.

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે, આજે પણ ભારતના ઘણા વિસ્તારોમાં મુશળધાર વરસાદની આશંકા છે, જેના કારણે કાતિલ ઠંડી વધશે. આઈએમડીએ પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ અંગે ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગના અધિકારીઓના કહેવા પ્રમાણે કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને લદ્દાખમાં ભારેથી અતિ ભારે વરસાદ અને બરફવર્ષાની આશંકા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી ૨૪ કલાકમાં દેશના ઘણાં રાજ્યોમાં ભારે વરસાદ સાથે બરફવર્ષા થવાની સંભાવના છે. જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમ વર્ષાની આશંકા છે અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના છે. મેદાની વિસ્તારો સંપૂર્ણપણે બરફની ચાદરોથી ઢંકાઈ ગયાં છે. બરફ વર્ષા અને વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

પહાડી વિસ્તારોમાં થતી બરફ વર્ષા મેદાની વિસ્તારો પર પણ અસર કરશે, જેના કારણે શિમલા, સોલન, સિરમૌર, મંડી, કુલ્લુ, ચંબામાં ભારે વરસાદ, કરા અને ગાજવીજ સાથે તોફાની પવન ફૂંકાવાની સંભાવના છે. ઊંચા પહાડી વિસ્તારો કિન્નૌર અને લાહોલ સ્પીતિમાં ભારે બરફ વર્ષાની ચેતવણી પણ આપવામાં આવી છે.

(1:55 pm IST)