મુખ્ય સમાચાર
News of Friday, 22nd November 2019

સિંહાસન આપે તો પણ બીજેપી મંજુર નથી : રાઉત

૫ વર્ષ માટે મુખ્યમંત્રી શિવસેનાના જ હશે : બે નાયબ મુખ્યપ્રધાન

મુંબઇ,તા.૨૨: મહારાષ્ટ્રમા દ્યણા દિવસોથી ચાલી રહેલ ઉથલપાથલ વચ્ચે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો રસ્તો લગભગ સાફ થઈ ચૂકયો છે. મીડિયા રિપોર્ટ્સની માનીએ તો કોંગ્રેસ-એનસીપીની રાજયમાં શિવસેના સાથે મળીને સરકાર બનાવવા અંગે બધા મુદ્દાઓ પર સંમતિ બની ચૂકી છે. જો કે સીએમ પદ વિશે સમાચાર આવી રહ્યા હતા કે એનસીપી અઢી વર્ષના સીએમ ઈચ્છે છે જયારે શિવસેના ૫ વર્ષના સીએમ ઈચ્છે છે. આ અટકળો વચ્ચે શિવસેનાના રાજયસભા સાંસદ સંજય રાઉતનુ મોટુ નિવેદન આવ્યુ છે. રાઉતે કહ્યુ કે, જો બીજેપી ઈન્દ્રનું સિંહાસન આપશે તો પણ અમે તૈયાર નહીં થઈએ.

સરકારની રચના પર શિવસેના નેતાએ કહ્યુ કે તેમની પાર્ટીના નેતૃત્વમાં જ સરકાર બનશે. સંજય રાઉતે કહ્યુ કે રાજયમાં ૫ વર્ષ સુધી શિવસેનાના જ સીએમ હશે. સાથે એ પણ કહ્યુ કે બે દિવસમાં આ અંગે નિર્ણય થઈ જશે. તેમણે કહ્યુ કે બધા શિવસૈનિક ઈચ્છે છે કે ઉદ્ઘવ ઠાકરે મુખ્યમંત્રી બને. વળી, તેમણે ભાજપ વિશે કહ્યુ કે તેમના તરફથી કોઈ ઓફર આવી નથી. શિવસેના નેતાએ કહ્યુ કે ભાજપ સાથે વાતચીતના દરવાજા બંધ થઈ ગયા છે.

તેમણે કહ્યુ કે ભાજપ કોઈ પણ ઓફર આપે તો શિવસેના તેમની સાથે સરકાર નહિ બનાવે. આ પહેલા સંજય રાઉતે ટ્વિટ દ્વારા ભાજપ પર નિશાન સાધીને કહ્યુ હતુ કે, ' કયારેક  કયારેક સંબંધોમાંથી બહાર આવી જવુ જ સારુ હોય છે. અહંકાર માટે નહિ, સ્વાભિમાન માટે.' સરકારની રચનાની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી એ સમાચાર મીડિયામાં આવી રહ્યા છે કે શિવસેના ઈચ્છે છે કે ૫ વર્ષ સુધી તેમની પાર્ટીના સીએમ હોય, જયારે એનસીપી ઈચ્છે છે કે અઢી વર્ષના રોટેશનલ સીએમ હોય. એવામાં સંજય રાઉતનુ આ નિવેદન મહત્વનુ બની જાય છે કે રાજયમાં ૫ વર્ષ સુધી શિવસેનાના સીએમ હશે.

ગુરુવારે મોડી રાતે શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરેએ એનસીપી પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. સૂત્રો મુજબ બંને નેતાઓ વચ્ચે ૫૦-૫૦ના ફોર્મ્યુલા વિશે વાતચીત થઈ છે. મહારાષ્ટ્રમાં લાગેલા રાષ્ટ્રપતિ શાસન વચ્ચે સરકાર બનાવવાની કોશિશો ચાલુ છે. વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા તેને ૨૮ દિવસ પસાર થઈ ચૂકયા છે પરંતુ હજુ સુધી રાજયમાં સરકારની રચના થઈ શકી નથી. તમને જણાવી દઈએ કે શિવસેનાએ ભાજપ સાથે મળીને ચૂંટણી લડી હતી જયારે એનસીપી-કોંગ્રેસે સાથે મળીને ચૂંટણી લડી હતી.

(3:41 pm IST)