મુખ્ય સમાચાર
News of Friday, 22nd November 2019

છત્તીસગઢ સરકારે નક્સલ પ્રભાવિત બસ્તર અને બીજાપુરમાં 14 વર્ષ બાદ 26 શાળાઓ ફરી ખોલી

જિલ્લામાં હિંસાનું પ્રમાણ વધવાથી 300 જેટલી શાળાઓ બંધ કરવી પડી હતી

 છત્તીસગઢ સરકારે છેલ્લા એક મહીનામાં વર્ષોથી બંધ પડેલી 26 શાળાઓને ફરીથી ખુલ્લી મુકી છે. રાજ્ય સરકારના અધિકારીએ જણાવ્યું કે, આ તમામ શાળાઓ બસ્તર અને બિજાપુર પ્રાંતમાં માઓવાદીઓ દ્વારા ફેલાવવામાં આવેલી હિંસાના કારણે છેલ્લા 14 વર્ષથી બંધ પડી હતી.

               રાજ્ય શિક્ષણ વિભાગના અહેવાલ પ્રમાણે જિલ્લામાં હિંસાનું પ્રમાણ વધવાથી 300 જેટલી શાળાઓ બંધ કરવી પડી હતી અને છેલ્લા એક મહીના દરમિયાન તે પૈકીની 26 શાળાઓને ફરીથી શરૂ કરવામાં આવી છે. સાઉથ એશિયા ટેરરિઝમ પોર્ટલના આંકડાઓ પ્રમાણે 2007માં બિજાપુર જિલ્લામાં હિંસાના બનાવો ટોચ પર હતા. તે સમયે હિંસાના વિવિધ 51 જેટલા બનાવોમાં સુરક્ષા દળના 98 જવાનો સહિત કુલ 155 લોકોના મોત થયા હતા. ચાલુ વર્ષ દરમિયાન આ આંકડામાં ખૂબ ઘટાડો નોંધાયો છે અને કુલ 20 જેટલો મૃતક આંક નોંધાયો છે.

               અધિકારીઓએ જણાવ્યું કે, તે વિસ્તારમાં નક્સલી અત્યાચારમાં ખૂબ જ ઘટાડો થયો હોવાથી સ્થાનિક સત્તાધીશોએ ત્યાંના આદિવાસીઓની મદદ વડે શાળાઓને ફરીથી ખોલી છે અને અત્યાર સુધીમાં 700 વિદ્યાર્થીઓએ શાળામાં દાખલો મેળવ્યો છે. બિજાપુર જિલ્લાના કલેક્ટરે જણાવ્યું કે, દૂરના ગામોમાં વસતા અને સંવેદનશીલ આદિવાસીઓને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે તેમણે શાળાઓ ફરીથી ખુલ્લી મુકવાની પહેલ કરી છે. આ શાળાના બાળકોને સ્લેટ, અભ્યાસક્રમ માટેના પુસ્તકો, નોટબુક અને મધ્યાહ્ન ભોજન સહિતના લાભ આપવામાં આવશે.

(12:00 am IST)