મુખ્ય સમાચાર
News of Friday, 22nd October 2021

આર્યન ખાને પૂછયુ હતુ કે ગાંજો મળશે? અનન્યાએ કહ્યુ હતું કે હું એરન્જ કરી દઈશ

વોટસ એપ ચેટમાં સનસનીખેજ ખુલાસો

મુંબઈ, તા.૨૨: બોલીવૂડ સુપર સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના ડ્રગ્સ કેસમાં હવે વધુ એક સ્ટાર કિડ અને એકટ્રેસ અનન્યા પાંડેનુ નામ ઉછળ્યુ છે.

એકટર ચંકી પાંડેની પુત્રી અનન્યાને એનસીબી દ્વારા ગઈકાલે અને હવે આજે પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. સૂત્રોનુ કહેવુ છે કે, ૨૧ ઓકટોબરે એટલે કે ગઈકાલે જે પૂછપરછ કરવામાં આવી હતી તેમાં કેટલાક મહત્વના પૂરાવા મળ્યા છે.

આર્યન અને અનન્યા વચ્ચેની સૌથી મોટી લિન્ક બંને વચ્ચેની વોટએપ ચેટ છે. એક ન્યૂઝ ચેનલના દાવા પ્રમાણે આ ચેટમાં આર્યન અને અનન્યા ગાંજા માટે વાતચીત કરી રહ્યા છે. આર્યન પૂછે છે કે, ગાંજાનો જુગાડ થઈ શકે તેમ છે ત્યારે અનન્યા જવાબ આપે છે કે, હું એરેન્જ કરી દઈશ.

એનસીબીએ અનન્યાને આ ચેટ બતાવી હતી અને તેના જવાબમાં અનન્યાએ કહ્યુ હતુ કે, હું તો માત્ર મજાક કરી રહી હતી. જો કે સતત સવાલોના જવાબમાં અનન્યાએ કહ્યુ હતુ કે, હું આર્યન સાથે જે વાતચીત કરી રહી હતી તે સિગારેટને લઈને હતી. ડ્રગ્સને લઈને અમારી વચ્ચે કોઈ વાતચીત થઈ નથી.

જયારે અનન્યાને પૂછવામાં આવ્યુ હતુ કે, શું તે ડ્રગ્સ લીધુ છે ત્યારે તેણે સાફ ઈનકાર કરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, અનન્યા પિતા ચંકી પાંડે સાથે ગઈકાલે એનસીબી ઓફિસ પર પહોંચી હતી. તે બહુ નર્વસ હતી અને ચંકી પાંડેને વળગીને રડી પડી હતી. એ પછી એનસીબીના અધિકારીએ તેની સાથે સવાલ જવાબ કર્યા હતા.એનસીબીએ તેનો ફોન પણ જપ્ત કરી લીધો છે. એનસીબીની પૂછપરછના કારણે અનન્યાનુ શૂટિંગ પણ રોકાઈ ગયુ છે.

અનન્યા પાંડે અને આર્યન ખાન સારા દોસ્ત છે. શાહરૂખની પુત્રી પણ અનન્યાની ફ્રેન્ડ છે.(

(3:47 pm IST)