મુખ્ય સમાચાર
News of Thursday, 21st October 2021

સંયુક્ત રાષ્ટ્રમાં બાંગ્લાદેશે હિન્દુઓ પર થયેલા હુમલાને વખોડ્યા : દરેક પીડિતને ન્યાય મળશે

-કહ્યું - દેશમાં તમામ ધર્મોમાં માનનારાઓની આઝાદીનું રક્ષણ કરવાની આપણા બંધારણીય પ્રતિજ્ઞા

નવી દિલ્હી :  બાંગ્લાદેશે સંયુક્ત રાષ્ટ્ર (યુએન) માં બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર હુમલાની નિંદા કરી છે. યુએનમાં બાંગ્લાદેશના કાયમી સભ્ય રબાબ ફાતિમાએ જણાવ્યું હતું કે, અમે હિન્દુ સમુદાય પર થયેલા જઘન્ય હુમલાની નિંદા કરીએ છીએ. અમારી સહાનુભૂતિ અને સંવેદના પીડિતો સાથે છે. અમે ખાતરી આપવા માગીએ છીએ કે દરેક પીડિતને ન્યાય મળશે. આપણા દેશમાં તમામ ધર્મોમાં માનનારાઓની આઝાદીનું રક્ષણ કરવાની આપણા બંધારણીય પ્રતિજ્ઞા છે.

બીજી તરફ યુએસ કમિશન ફોર ઈન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF) એ પણ હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. આયોગે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાને હિન્દુ વિરોધી લાગણીઓને પ્રોત્સાહન આપનારા કટ્ટરવાદીઓ સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. કમિશનના ચેરમેન નાદિન મેન્ઝાએ હુમલાની નિંદા કરતા કહ્યું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા ખૂબ જ ચિંતાજનક છે.

બાંગ્લાદેશમાં સંયુક્ત રાષ્ટ્ર નિવાસી સંયોજક મિયા સેપ્પોએ પણ હુમલાની નિંદા કરી હતી. કહ્યું, ‘તાજેતરમાં હિન્દુઓ પર થયેલા હુમલા બંધારણના મૂલ્યો વિરુદ્ધ છે. અમે બાંગ્લાદેશ સરકારને અલ્પસંખ્યકોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા જણાવ્યું છે. પીડિતોને ન્યાય મળે તે માટે યોગ્ય તપાસ થવી જોઈએ.

(12:24 am IST)