મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd October 2019

આયુષ્‍માન ભારત યોજના ખુબ સારી છેઃ કોંગ્રેસના દિગ્‍ગજ નેતા સલમાન ખુરશીદે મોદી સરકારની સરાહના કરી

લખનઉ: કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે મોદી સરકારની આયુષ્યમાન ભારત યોજનાના ભરપેટ વખાણ કર્યા છે. સલમાન ખુર્શીદે કહ્યું કે આ એક સારી યોજના છે. તેને બધાનો સહયોગ મળવો જોઈએ. ખુર્શીદે લખનઉમાં નાણા આયોગની 15મી બેઠકમાં ભાગ લીધા બાદ આ વાત કરી.

ખુર્શીદે કહ્યું કે આયુષ્યમાન ભારતને યોગ્ય રીતે લાગુ નથી કરાઈ. તેના માટે જેટલી ફાળવણી કરવામાં આવી હતી તેટલા પૈસા ખર્ચ કરાયા નથી. આ એક સારી યોજના છે અને દરેકે તેના વખાણ કરવા જોઈએ.

સાવરકરને ભારત રત્ન આપવા અંગેના વિવાદ પર પોતાનો મત રજુ કરતા તેમણે કહ્યું કે અમારી વિચારધારા તેમની સાથે મળતી નથી પરંતુ જે સત્તામાં હોય છે નિર્ણય તે લે છે પરંતુ જો કોઈ એવી વાત હોય જ્યારે રાષ્ટ્રીય સ્તરના કોઈ નિર્ણય લેવાતા હોય ત્યારે તે બધાને સાથે લઈને લેવા વધુ સારું હોય છે.

આ બાજુ હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની હત્યા પર તેમણે કહ્યું કે કોઈ પણ કેસમાં તપાસ પૂરી થયા પહેલા ટિપ્પણી કરવી એ ખોટી વાત છે. પરંતુ હું એ જ કહેવા માંગુ છું કે સરકારે કોઈ પણ પ્રકારના પૂર્વાગ્રહ વગર બધાને સુરક્ષા આપવાનું લક્ષ્ય રાખવું જોઈએ.

(5:39 pm IST)