મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd October 2019

બેન્કોમાં ફાઇવ ડે વીક અને ૧પ ટકા પગાર વધારા બાબતે સંમતિ સધાવાની શકયતા

બેન્ક કર્મચારીઓને ફેમિલી પેન્શન પણ મળશે : નવેમ્બરમાં જાહેરાત થશે

નવી દિલ્હી, તા. રર : બેન્ક કર્મચારીઓ માટે ખુશ ખબર છે. બેન્કોમાં હવે ટુંક સમયમાં ફાઇવ ડે વીક થનાર છે. એટલે કે તેમને એક અઠવાડિયામાં માત્ર પાંચ જ દિવસ કામ કરવું પડશે. દર શનિ-રવિવારે બેન્કો બંધ રહેશે. આ ઉપરાંત બેન્ક કર્મચારીઓનું ફેમિલી પેન્શન વધશે અને તેમના પગારમાં ૧પ ટકાનો વધારો થવા જઇ રહ્યો છે. આ માટે પગારનું એરિયર્સ પણ તેમને મળશે.

બેન્ક કર્મચારીઓની મુખ્ય માંગણી ફાઇવ ડે વીક અને સેલરીમાં રપ ટકા વધારો કરવાની છે, પરંતુ યુનિયનોને હવે એક વાત સમજાઇ ગઇ છે કે રપ ટકા પગાર વધારાની માગણી માન્ય રખાશે નહીં. તેથી હવે ૧પ ટકા પગાર વધારો સ્વીકારીને સમજૂતિ થવાના અણસારો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર નાણા મંત્રાલયે બેન્ક કર્મચારીઓની મોટા ભાગની માગણીઓ સ્વીકારી લેવા માટે સંમતિ આપી દીધી છે. ઇન્ડીયન બેન્ક એસોસિયેશન (આઇબીએ)ને એવો નિર્દેશ આપ્યો છે કે તેઓ એક મહિનામાં બેન્ક કર્મચારીઓની માગણીઓ લઇને તેમની સાથે વાતચીત કરે અને તેમના પ્રશ્નોનો ઉકેલ લાવે.

એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર નવેમ્બરના બીજા સપ્તાહમાં બેન્ક યુનિયનો સાથે આઇબીએની બેઠક મળનાર છે. આ બેઠકની તારીખની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. આ બેઠકમાં બેન્ક કર્મચારીઓની માગણીઓ પર સંમતિ દાખવીને નવેમ્બરના અંત સુધીમાં તેની જાહેરાત થનાર છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ૧૮ ઓકટોબરે યોજાયેલ બેઠકમાં ઘણી બાબતો પર સંમતિ સધાઇ ચૂકી છે. કેટલીક ટેકનિકલ બાબતો છે તેના પર નાણા મંત્રાલય તરફથી સ્પષ્ટતા થવાની જરૂર છે. આ બેઠકમાં એ વાત પર સંમતિ સધાઇ હતી કે નાણા મંત્રાલય સૌ પહેલા આ મુદાઓ પર તેનું વલણ સ્પષ્ટ કરે અને પછી બંને પક્ષકારો વચ્ચે સમજૂતિ પર સહી સિક્કા થઇ શકે.

(3:54 pm IST)