મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd October 2019

ફિલ્મ સ્ટારનાં નામવાળા ગધેડાં લાખોની કિંમતમાં વેચાય છે

કાળી ચૌદશથી ત્રણ દિવસ મેળો ભરાય છે, જેમાં દેશનાં અલગ-અલગ રાજયમાંથી વેપારીઓ આવે છે

ચિત્રકુટ તા. રર :.. પ્રભુ શ્રીરામની તપોસ્થલી ચિત્રકુટમાં દિવાળી પર કાળી ચૌદશના દિવસથી ત્રણ દિવસ સુધી મંદાકિની તટ પર ગધેડાંનો ઐતિહાસીક મેળો લાગે છે. તેમાં ફિલ્મી સ્ટાર અને નેતાઓનાં નામવાળા ગધેડા લાખો રૂપિયામાં ખરીદવા અને વેચવામાં આવે છે. ઘણાં રાજયોમાંથી આવેલા વેપારીઓ કરોડો રૂપિયાનો બિઝનેસ કરે છે. મુગલ શાસક ઔરંગઝેબે ચિત્રકુટમાં આ મેળાની શરૂઆત કરી હતી. દેશભરમાં સેના લઇને ઘુમતી વખતે સૈન્ય બળની પાસે ઘોડાની કમી થતાં મેળો લગાવાયો હતો. તેમાં અફઘાનિસ્તાન સુધીનાં ગધેડાં અને ખચ્ચર વેચાણ માટે લવાયા હતાં. તેમને મુગલ સેનામાં સામેલ કરાયાં હતાં. ત્યાર બાદ મેળો લાગવાનો ક્રમ જારી છે.

મેળામાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, રાજસ્થાન, દિલ્હી, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને નેપાળ સુધીના વેપારીઓ ખરીદી માટે આવે છે. બુંદેલી સેનાના જિલ્લાધ્યક્ષ અજિતસિંહના જણાવ્યા મુજબ નવા ગામ અને જિલ્લાના કતરા ગુદર મેદાનમાં લાગતા મેળાની વેપારીઓ વરસથી રાહ જુએ છે. મેળામાં ગધેડાની પાંચ લાખ સુધીની બોલી લગાવાય છે.

આંતર રાજય ગધેડા મેળામાં ફિલ્મી સ્ટારનાં નામવાળા ગધેડાનું વેચાણ ઝડપથી થઇ જાય છે. કેટલાક નેતા પર પણ નામ રાખવામાં આવે છે. વેપારીને ફિલ્મી અભિનેત્રીઓનાં નામવાળા ગધેડા સૌથી વધુ આકર્ષે છે. કેટલાંક સારી જાતનાં ગધેડાની ઘોડાગાડીની જેમ પણ ઉપયોગ થતો હોય છે. એક ગધેડો પ્રતિ દિન રૂ. એકથી દોઢ હજારની કમાણી કરી લે છે. જયારે તેની પર માત્ર અઢીસો રૂપિયાનો ખર્ચ થાય છે.

(3:53 pm IST)