મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd October 2019

મહારાષ્ટ્રઃ કોંગ્રેસમાં ન નેતા કે ન નીતિ જોવા મળી !

રાહુલ સિવાય કોઈ ટોચના નેતા પ્રચાર કાર્યમાં ન જોડાયાઃ પ્રચાર સાવ ઠંડો રહ્યો

નવી દિલ્હી, તા. ૨૨ :. મહારાષ્ટ્ર અને હરીયાણાની યોજાયેલી ચૂંટણીના એકઝીટ પોલ સામે આવ્યા છે. જેમાં ભાજપનો જયજયકાર થશે તેવી બહાર આવ્યુ છે. આ એકઝીટ પોલના તારણો કોંગ્રેસ માટે આંચકાજનક છે. મહારાષ્ટ્રની ચૂંટણીમાં કોંગ્રેસના ન નેતા જોવા મળ્યા, ન નીતિ જોવા મળી અને પ્રચારમાં સાવ ઠંડી રહી હતી કોંગ્રેસ. જ્યારે બીજી તરફ ભાજપે મોદી, શાહ, ગડકરી, રાજનાથ, યોગી વગેરેને મેદાનમાં ઉતાર્યા હતા. બીજી તરફ કોંગ્રેસમાં રાહુલ ગાંધી સિવાય કોઈ મોટા ચહેરાએ પ્રચાર કર્યો ન હતો.

લોકસભાની ચૂંટણી બાદ હવે મહારાષ્ટ્રની ચૂંટણીમાં પણ કોંગ્રેસને ફટકો પડશે તેવુ જણાય છે. કોંગ્રેસ પક્ષ નેતા અને નીતિવિહિન જણાય રહ્યો છે. કોંગ્રેસને હજુ પણ પોતાના અધ્યક્ષની તલાસ છે. બન્ને રાજ્યોમાં રાહુલ ગાંધીએ માત્ર ૭ સભાઓ કરી, જ્યારે પીએમ મોદીએ હરીયાણા અને મહારાષ્ટ્રમાં ૨૫ રેલીઓ યોજી હતી. રાહુલ ગાંધી સિવાય એક પણ નેતા પ્રચારમાં ઉતર્યા ન હતા. સોનિયા અને પ્રિયંકા પણ પ્રચારથી દૂર રહ્યા હતા.

મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસે પ્રદેશ અધ્યક્ષ બદલાવ્યા. સંજય નિરૂપમની જગ્યાએ મિલિન્દ દેવડા પણ પદ પરથી હટાવાયા, તો બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીશે ૬૫ સભાઓ સંબોધી હતી. કોંગ્રેસે નોટબંધી, જીએસટી, નિરવ મોદી જેવા મુદ્દા ઉઠાવ્યા જે બેઅસર રહ્યા. જો એકઝીટ પોલના તારણો સાચા પડે તો કોંગ્રેસની મુશ્કેલી વધશે.

(11:27 am IST)