મુખ્ય સમાચાર
News of Monday, 22nd October 2018

ભારત-ચીન યુદ્ધના પ૬ વર્ષ બાદ અરૂણાચલ પ્રદેશના ગ્રામજનોને જમીનના વળતર પેટે રૂ.૩૮ કરોડ ચુકવાયા

ભારત-ચીન યુદ્ધના 56 વર્ષ બાદ અરૂણાચલ પ્રદેશના ગ્રામિણોને તેમની જમીનના વળતર તરીકે લગભગ 38 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, સેનાએ પોતાના બંકર અને બેરક વગેરે બનાવવા માટે તમની જમીન અધિગ્રહણ કરી હતી. આને કારણે આજે આખુ ગામ કરોડપતિ બની ગયું છે. ગામના દરેક પરિવારના ભાગમાં એક-એક કરોડ રૂપિયા આવ્યા છે.

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજૂ અને અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડૂએ શુક્રવારે પશ્ચિમી ખેમાંગ જીલ્લામાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં ગ્રામિણોને વળતરની રકમના ચેક સોંપ્યા છે. રિજિજૂએ જણાવ્યું કે, ગ્રામિણોને કુલ 37.73 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. સામૂહિક જમીન હતી, જેથી જે રકમ મળી છે તે ગામના પરિવાર દીઠ વહેચવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, 1962માં ભારત-ચીન યુદ્ધ બાદ સેનાએ પોતાના બેસ, બંકર, બેરક બનાવવા અને રસ્તા, પુલ તથા અન્ય નિર્માણ કાર્યો માટે મોટીમાત્રામાં જમીન અધિગ્રહણ કર્યું હતું.

પશ્ચિમી ખેમાંગ જીલ્લામાં એપ્રિલ 2017માં ત્રણ ગામના 152 પરિવારને પણ 54 કરોડ વહેંચવામાં આવ્યા હતા. ગત વર્ષે સપ્ટેમ્બરમાં ગ્રામજનોને 158 કરોડ રૂપિયાની એક અન્ય રકમ આપવામાં આવી હતી. રકમ તેમની પ્રાઈવેટ જમીનના વળતર રૂપે આપવામાં આવી છે. તેમની જમીનનું અધિગ્રહણ સેનાએ કર્યું હતું. ફેબ્રુઆરી 2018માં ત્વાંગ જીલ્લામાં 31 પરિવારને 40.80 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

અરૂણાચલ પ્રદેશમાં ભૂમિ અધિગ્રહણના લાંબા સમયથી અટકેલા મામલા પશ્ચિમી ખેમાંગ, ઉપરી સુબનસિરી, દિબાંગ ઘાટી અને પશ્ચિમી સિયાંગ જીલ્લાના હતા.

(5:47 pm IST)