મુખ્ય સમાચાર
News of Monday, 22nd October 2018

લોકોનું મગજ સામાન્ય રીતે પ૦૦૦ ચહેરા યાદ રાખી શકે

નવી દિલ્હી, તા. રર : આપણે રોજેરોજકંઇકેટલાય લોકોને મળતા હોઇએ છીએ. ધારો કે મળીને વાતચીત ન કરીએ તો પણ રસ્તામાં કેટલાય લોકોને જોતા હોઇએ છીએ. આમાંના કેટલા લોકોનો ચહેરો આપણને યાદ રહી શકે ? અમેરિકાના વૈજ્ઞાનિકોએ આ સવાલ પર ખણખોદ કરી અને પ્રયોગ કરીને તારવ્યું છે કે માણસનું સરેરાશ ક્ષમતા ધરાવતું મગજ પ૦૦૦ ચહેરા યાદ રાખી શકવા માટે સક્ષમ છે. અભ્યાસકર્તાઓએ રિસર્ચમાં ભાગ લેનાર પાર્ટીસિપન્ટ્સને તેઓ ઓળખતા હોય એવા ચહેરાઓને યાદ કરીને ઓળખાવવાનો પ્રયોગ કર્યો હતો. સામાન્ય રીતે માણસ રોજેરોજ સરેરાશ ૧૦૦ લોકોના સંપર્કમાં આવતો હોય છે, પરંતુ સ્ટડીનું કહેવું છે કે આપણું મગજ એનાથી અનેકગણા ચહેરાઓ યાદ રાખવાની ક્ષમતા ધરાવે છે. મોડર્ન લાઇફમાં ઓનલાઇન સોશ્યલ મીડિયા તેમજ પર્સનલ સોશ્યલ ઇન્ટરેકશન બન્ને વધી ગયા છે. અભ્યાસ સાથે સંકળાયેલા નિણાતોનું કહેવું છે કે, 'માણસ હકીકતમાં કેટલા લોકોના ચહેરા યાદ રાખી શકે છે એ શોધવાનું આ અભ્યાસનું હાર્દ છે. જોકે એક મગજ વધુમાં વધુ કેટલા ચહેરા યાદ રાખી શકે, અલગ તારવી શકે અને તેમની સાથે સંકળાયેલી વિગતોને મગજમાં સ્ટોર કરી શકે છે એની લિમિટ હજી સુધી સમજાઇ નથી.'

પાર્ટિસિપન્ટ્સને જેમને વર્ષોથી જાણે છે એવા લોકોના ચહેરા બતાવવામાં આવ્યા ત્યારે એને ઓળખવામાં તેમની ઝડપ પણ સારી હતી, પરંતુ નવા લોકોના ચહેરા ઓળખીને એને અલગ તારવવાનું કામ અઘરૃં હતું. અભ્યાસકર્તાઓએ પણ નોંધ્યું હતું કે સતત એક કલાક સુધી ચહેરાઓ અલગ તારવવાની કોશિશ કર્યા પછી તેમની સ્પીડ પણ ઘટી ગઇ હતી. પાર્ટિસિપન્ટ્સમાં ૧૦૦૦થી લઇને ૧૦,૦૦૦ ચહેરાઓ ઓળખવા સુધીની રેન્જ જોવા મળી હતી. મગજના સ્કેન દરમ્યાન અભ્યાસકર્તાઓએ નોંધ્યું હતું કે સરેરાશ મગજ ધરાવતા લોકો પ૦૦૦ ચહેરા ઓળખી શકતા હોવા જોઇએ. (૮.પ)

(11:39 am IST)