મુખ્ય સમાચાર
News of Monday, 22nd October 2018

કોમર્શીયલ-ડોમેસ્ટિક વિજળીના દરો એક સમાન રાખવા તૈયારી

વિજળીનું કનેકશન ઘરનું હોય કે દુકાન કે ફેકટરીનું હોય તમારે અલગ-અલગ શ્રેણી માટે અલગ-અલગ દરો ભરવા નહિ પડેઃ તમામ શ્રેણીના દરો રહેશે એક સરખાઃ વિજળીના ઉપયોગ અને લોડના આધારે ભરવું પડશે બિલ

નવી દિલ્હી, તા. ૨૨ :. વિજ કનેકશન ઘરનું હોય, દુકાનનું હોય કે પછી ફેકટરીનું, આપણે જુદી જુદી શ્રેણીના કનેકશન માટે જુદા જુદા વિજદરો નહીં દેવા પડે. ટૂંક સમયમાં બધી શ્રેણીઓ એક સમાન વિજદર થઈ જશે. વિજળીના વપરાશ અને લોડના આધારે બિલ ભરવુ પડશે.

વિજ મંત્રાલયે નવી ટેરીફ નીતિમાં ફેરફારની ભલામણ કરી છે. ટેરીફ નીતિમાં આ પ્રસ્તાવ સામેલ થયા પછી જુદી જુદી શ્રેણીઓ માટે અલગ અલગ વિજદર ભૂતકાળની વાત બની જશે. નવી નીતિ આવતા વર્ષે એપ્રિલથી લાગુ થવાની શકયતા છે. વિજળી પ્રધાન આર.કે. સિંહની આગેવાનીમાં વિજળી મંત્રાલય સતત આ મુદ્દે રાજ્યો સાથે ચર્ચા કરી રહ્યું છે. નવી નીતિ પ્રમાણે લોડની વધુમાં વધુ પાંચ શ્રેણીઓ હશે. પહેલી બે કિલોવોટ સુધી, બીજી બેથી પાંચ કિલોવોટ, ત્રીજી પાંચથી દસ કિલોવોટ, ચોથી દસથી ૨૫ કિલોવોટ અને પાંચમી ૨૫ કિલોવોટથી વધારેની હશે.

કોઈ વ્યકિત જો વિજળીનો વધારે વપરાશ હોવા છતાં પણ ઓછા લોડનું કનેકશન બે અને તેનો વપરાશ વધારે હોય તો તેના પર પેનલ્ટી લાગશે.

વિજ વપરાશના પણ પાંચ સ્લેબ હશે. પહેલા સ્લેબમાં ૨૦૦ યુનિટ, બીજામાં ૨૦૦ થી ૪૦૦ યુનિટ, ત્યાર બાદ ૪૦૦ થી ૮૦૦, ૮૦૦ થી ૧૨૦૦ યુનિટ અને પાંચમાં સ્લેબમાં ૧૨૦૦થી વધારે યુનિટ હશે. દરેક સ્લેબ માટે વિજદર અલગ હશે.

પ્રસ્તાવ અનુસાર, રાજ્ય સરકાર બે કિલોવોટ અથવા વધુમાં વધુ પાંચ કિલોવોટના કનેકશન ઉપર દર મહીને સબસીડી આપી શકશે. કોઈ ગ્રાહક નક્કી થયેલા યુનિટથી વધારે વીજળી વાપરે તો તેને સબસીડીનો લાભ નહીં મળે.

(10:29 am IST)