મુખ્ય સમાચાર
News of Wednesday, 22nd September 2021

તુર્કીના રાષ્ટ્રપતિએ યુનોમાં ફરી કાશ્મીરનો મુદ્દો ઊઠાવ્યો

પાકિસ્તાનને ખુશ કરવા તુર્કીની ભારત વિરોધી હરકત : ભારતે તુર્કીના રાષ્ટ્રપતિના નિવેદન પર જોરદાર વિરોધ કર્યો, એર્દોઆને અગાઉ પાક.માં આ મુદ્દો ઉઠાવ્યો હતો

નવી દિલ્હી, તા.૨૨ : પાકિસ્તાનને ખુશ કરવા માટે તુર્કીએ સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં ફરી એક વખત પાકિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો છે. તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ એર્દોઆને દુનિયાના બીજા દેશોને પોતાના રેકોર્ડ કરેલા વિડિયો થકી કહ્યુ હતુ કે, ૭૪ વર્ષથી ચાલી આવતી કાશ્મીરની સમસ્યાને સંયુક્ત રાષ્ટ્રે મુકેલા પ્રસ્તાવ પ્રમાણે અને તેમાં સામેલ સબંધિત પક્ષકારો વચ્ચે વાતચીતના માધ્યમથી ઉકેલાય તેવુ વલણ તુર્કીનુ છે. જોકે ભારતે તેનો જોરદાર વિરોધ પણ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, તુર્કી દ્વારા વારંવાર કાશ્મીર મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે.

           તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોઆને ગયા વર્ષે પાકિસ્તાન યાત્રા દરમિયાન પણ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના જવાબમાં ભારતે કહ્યુ હતુ કે, એર્દોનનની ટિપ્પણી દર્શાવે છે કે તેમને ઈતિહાસની સમજ પણ નથી અને ડિપ્લોમસી કેવી રીતે કરવી તે પણ તેમને આવડતુ નથી. તુર્કી સાથેના ભારતના સબંધો પર તેના કારણે ગંભીર અસર પડશે. એર્દોઆને ચીનના ઉઈગુર મુસ્લિમો અને મ્યાનમારના રોહિંગ્યા મુસ્લિમોનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યુ હતુ કે, ચીન પોતાના મુસ્લિમ સમુદાયોના અધિકારોને જાળવવા માટે વધારે પ્રયાસ કરે તે જરૂરી છે. સાથે સાથે બીજા દેશોમાં રહેતા રોહિંગ્યા મુસ્લિમોની મ્યાનમારમાં વાપસી થવી જોઈએ.

(7:46 pm IST)