મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે ૭ રાજ્યોના મુખ્યમંત્રી સાથે મિટિંગ કરશે

કોરોનાના વધતા સંક્રમણથી કેન્દ્ર સરકાર ચિંતિત : પાંચ રાજ્યો યુપી, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક અને દિલ્હીમાં કોરોનાની પરિસ્થિતિ ચિંતાજનક બનતા બેઠક મહત્વપૂર્ણ

નવી દિલ્હી, તા. ૨૨ : સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર વધતો જઈ રહ્યો છે. સપ્ટેમ્બર મહિનો પૂરો થવા પર છે, પરંતુ દેશમાં કોરોનાના કેસોની સંખ્યા ૫૫ લાખ કરતા વધી ગઈ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં દરરોજ કોરોના વાયરસના નવા મામલા સામે આવી રહ્યા છે. આ દરમિયાન ફરી એકવખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક કરવાના છે.

        ૨૩ સપ્ટેમ્બરે કોરોના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહત્વની બેઠક કરશે. ૭ રાજ્યોના મુખ્યમંત્રી બેઠકમાં ભાગ લેશે. જાણવા મળ્યા મુજબ, આ બેઠકમાં મહારાષ્ટ્ર, યુપી, દિલ્હી, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિળનાડુ અને પંજાબના મુખ્યમંત્રી ભાગ લેશે. આ સાત રાજ્યોમાંથી યુપી, મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ અને કર્ણાટકમાં કોરોનાની સ્થિતિ વધુ વિકટ બની છે. દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો અહીં ફરી એકવખત સંક્રમણના મામલા વધવા લાગ્યા છે. દિલ્હીમાં સોમવારે કોરોના વાયરસના ૨ હજારથી વધુ નવા મામલા સામે આવ્યા છે. એ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા ૨.૫ લાખને પાર થઈ ગઈ છે. દિલ્હીમાં સોમવારે ૩૬૭૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. રાજધાનીમાં અત્યાર સુધી કુલ ૨,૧૩,૩૦૪ દર્દી સ્વસ્થ થઈ ચૂક્યા છે. કોરોના વાયરસથી દિલ્હીમાં અત્યાર સુધીમાં કુલ ૫ હજારથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. રાજધાનીમાં હાલમાં કુલ ૩૦,૯૪૧ એક્ટિવ કેસ છે. આમ, દિલ્હીની સ્થિતિ ફરી એક વખત ચિંતાજનક બની ગઈ છે.

પંજાબમાં હવે કોરોના સંક્રમણ બેકાબુ થવા લાગ્યું છે. રાજ્યમાં ગત સોમવારે ૨,૨૪૭ નવા મામલા બાદ સંક્રમિતોનો આંકડો ૧ લાખને પાર થઈ ગયો. સોમવારે ૪૭ લોકોના મોત સાથે અત્યાર સુધીમાં પંજાબમાં ૨,૮૬૦ લોકોના સંક્રમણથી મોત થઈ ચૂક્યા છે. સ્વાસ્થ્ય વિભાગ મુજબ, અત્યાર સુધીમાં પંજાબમાં કોરોનાના કેસોની સંખ્યા ૧૫,૯૯,૧૩૪ પહોંચી ગઈ છે. પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૯૯,૯૩૯ નોંધાઈ. તેની સાથે પંજાબ ધીરે-ધીરે કોરોના પ્રભાવિત રાજ્યોની યાદીમાં ટોપ પર પહોંચતું દેખાઈ રહ્યું છે.

     કર્ણાટકમાં ગત સોમવારે કોરોના સંક્રમણના ૭,૩૩૯ નવા મામલા સામે આવ્યા છે. તો, સ્વસ્થ થઈને ઘરે પાછા ગયેલા લોકોની સંખ્યા ૯,૯૨૫ રહી. બેંગલુરુમાં કોરોના મામલાની સંખ્યા સોમવારે ૨,૮૮૬ રહી. સ્વાસ્થ્ય વિભાગ તરફથી જાહેર કરાયેલા બુલેટિન મુજબ રાજ્યમાં કોરોનાના ૯૫,૩૩૫ એક્વિટ કેસ છે. સોમવારે રાજ્યમાં ૪૨,૬૯૧ કોરોના ટેસ્ટ કરાયા. કર્ણાટક માટે સૌથી ચિંતાની વાત એ છે કે, અહીં ડેથ રેટ ઘણો ઝડપથી વધ્યો છે.

    આ ઉપરાંત ઉત્તર પ્રદેશની જ્યાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. એક્ટિવ કેસથી લઈને મોતના આંકડા સુધી રાજ્યનું પાટનગર લખનૌ રાજ્યમાં સૌથી આગળ છે. યુપીમાં સતત ૬ હજારથી વધુ કેસ સામે આવી ર્હયા છે. યુપીમાં કોરોનાનો કુલ આંકડો ૩,૫૮,૮૯૩ પહોંચી ચૂક્યો છે. જેમાંથી ૬૪,૧૬૪ સક્રિસ કેસ, ૨,૮૯,૫૯૪ રિકવર કેસ અને ૫,૧૩૫ મોત સામેલ છે.

    મહારાષ્ટ્ર શરૂઆતથી જ કોરોના પ્રભાવિત રાજ્યોમાં સૌથી પહેલા સ્થાન પર રહ્યું છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય બની ચૂકેલા મહારાષ્ટ્રમાં સોમવારે ૨૦ હજારથી વધુ નવા દર્દીઓની પુષ્ટિ થઈ છે. તો, પ્રદેશમાં અત્યાર સુધી ૧૨ લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તે ઉપરાંત ૩૨ હજારથી વધુ લોકોના કોરોનાના કારણે મોત પણ થયા છે. જો, મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં કોરોના દર્દીઓનો આંકડો ૧૨ લાખને પાર થઈ ગયો છે. મહારાષ્ટ્ર મહામારીમાંથી સાજા થનારા કેસોના મામલે સતત આગળ છે અને આ રાજ્યમાં એક દિવસમાં ૩૨ હજારથી વધુ લોકો (૩૧.૫ ટકા) સાજા થયા છે.

(9:22 pm IST)