મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

પાક.ની ખાનગી બેઠકમાં સેના વડાએ ભૂટ્ટોને ચૂપ કરી દીધા

ગિલગિટ અને બાલ્ટિસ્તાન પર બેઠક : પાક.ના ગિલગિટ પ્લાનની પાછળ પાકિસ્તાનની સેનાના પ્રમુખ કમર જાવેદ બાજવાનો હાથ હોવાનું અનુમાન

ઈસ્લામાબાદ, તા. ૨૨ :  પાકિસ્તાન સરકારે પાક કબજા હેઠળના કાશ્મીરના વિવાદિત વિસ્તાર ગિલગિટ-બાલ્ટિસ્તાનને પ્રાંતનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી આઝાદ કાશ્મીરનો રાગ આલાપી રહેલા પાકિસ્તાને જાહેરાત કરી છે કે, ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી પણ કરાવાશે. પીઓકેને લઈને પાકિસ્તાનની આ ષડયંત્રને લઈને મોટો ખુલાસો થયો છે. જણાવાઈ રહ્યું છે કે, પાકિસ્તાનના ગિલગિટ પ્લાનની પાછળ પાકિસ્તાનની સેનાના પ્રમુખ કમર જાવેદ બાજવાનો હાથ છે. પાકિસ્તાનના ચર્ચિત પત્રકાર રઉફા ક્લાસરા મુજબ પાકિસ્તાનના સેના પ્રમુખે ગિલગિટને લઈને ગત દિવસોમાં દેશની બધી મોટી પાર્ટીઓના નેતાઓને આર્મી હેડક્વાર્ટર રાવલપિંડગીમાં આયોજિત ભોજન સમારંભમાં બોલાવ્યા હતા.

           તેમાં નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફ, આસિફ અલી જરદારીના પુત્ર બિલાવલ ભુટ્ટો જરદારી સહિત પાકિસ્તાનના રાજકારણના ઘણા દિગ્ગજ નેતા સામેલ થયા હતા. આ દરમિયાન આઈએસાઈના ચીફ પણ ઉપસ્થિત હતા. ક્લાસરા મુજબ લોકશાહીનો દાવો કરનારા પાકિસ્તાનના નેતાઓને આર્મી ચીફે બોલાવ્યા અને તેમાં સામેલ થનારા બધા નેતાએ આ બેઠક અંગે જાહેરમાં મૌન ધારણ કરી લીધું. આ દરમિયાન બાજવાએ ગિલગિટને પ્રાંત બનાવવાના મુદ્દા પર ચર્ચા કરી, પરંતુ એ દરમિયાન તેમની બિલાવલ અને શાબાઝ શરીફ સાથે બોલાચાલી થઈ. બાજવાએ કહ્યું કે, 'પીઓકે પર ભારતની કાર્યવાહીનો ડર છે અને ચીન આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં રોકાણ કરી રહ્યું છે. એવામાં આપણે ગિલગિટને એક નવો પ્રાંત બનાવવો જોઈએ. પાકિસ્તાનના સેના પ્રમુખ ઈચ્છતા હતા કે, ગિલગિટને પ્રાંત બનાવવા માટે રાજકીય પક્ષો સમર્થન કરે. આ દરમિયાન બિલાવલે રાજકીય મામલામાં સેનાના હસ્તક્ષેપનો મામલો ઉઠાવી દીધો. બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે, આ પ્રકારની સ્થિતિ વર્ષ ૧૯૭૧મં હતી અને એ સમયે પણ સેના રાજકીય મામલામાં હસ્તક્ષેપ કરી રહી હતી. તેમણે બલુચિસ્તાનનો મુદ્દો અને આઈએસઆઈના રાજકીય હસ્તક્ષેફ અને ઈમરાન ખાનને સેનાના ખુલ્લા સમર્થનનું ઉદાહરણ આપ્યું. બિલાવલે ૧૯૭૧ના બાંગ્લાદેશ યુદ્ધનો ઉલ્લેખ કરતા જ પાકિસ્તાનના આર્મી ચીફ ઉશ્કેરાઈ ગયા.

            બાજવાએ કહ્યું કે, સેનાને મળવા તમારા જેવા નેતા જ આવે છે. અમે તમારી પાસે નથી આવતા. તેમણે કહ્યું કે, આ તમારા પરસ્પરના ઝઘડા છે, અમારે તેની સાથે કોઈ લેવા-દેવા નથી. અમે ગિલગિટ જેવા રાષ્ટ્રીય મહત્વના મુદ્દા માટે બોલાવ્યા છે. પાકિસ્તાનના આર્મી ચીફ તરફથી ઠપકો મળ્યા બાદ બિલાવલ અને શાહબાઝ શરીફે મૌન સાધી લીધું. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને કેટલાક સપ્તાહ પહેલા પોતાનો નવો નકશો બહાર પાડ્યો હતો. તેમાં તેણે ભારત સાથેના વિવાદિત ક્ષેત્રોને પોતાના હોવાનું બતાવ્યું હતું.

(9:20 pm IST)