મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

વિશ્વની ઘણી બેન્કો દ્વારા ગેરકાયદે ટ્રાન્ઝેક્શન કરાયા હોવાનો ખુલાસો

સુપરત વિગત અહેવાલનો બહુ નાનો હિસ્સો છે : અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરીના ફાઇનાન્શિયલ ક્રાઇમ્સ એન્ફોર્મેન્ટ નેટવર્કના રિપોર્ટ લીક થતાં ખળભળાટ

વોશિંગ્ટન, તા. ૨૨ : દુનિયાની કેટલીક વૈશ્વિક બેક્નોએ લગભગ બે દાયકાના ગાળામાં ગેરકાયદે ભંડોળના ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ નાણાં કોઇ કૌભાંડ ભ્રષ્ટાચાર, ટેરર ફાઇનાન્સ, ડ્રગ ડિલ કે અન્ય ગેરકાયદે વ્યવહારો સાથે સંકળાયેલાં હોઇ શકે છે તેવી ચેતવણી છતાં બેન્કો દ્વારા વ્યવહાર થયાંનુો ઘટસ્ફોટ અમેરિકી સરકારને સુપરત થયેલા દસ્તાવેજોના આધારે  બઝફીડ અને અન્ય મીડિયાએ  કર્યો છે.  બેન્કો તથા નાણાં સંસ્થાઓએ અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેઝરીના ફાઇનાન્શિયલ ક્રાઇમ્સ એન્ફોર્મેન્ટ નેટવર્ક (ફિનસેન)ને  સુપરત કરાયેલા સસ્પિશિયસ એક્ટિવિટી રિપોર્ટ્સ (જીછઇજ) લીક થયા છે અને તેના આધારે આ વિગતોનો ઘટસ્ફોટ થયો છે.

              બઝફીડ ન્યૂઝને મળેલી માહિતી પ્રમાણે જીછઇજની સંખ્યા ૨,૧૦૦થી વધુ છે. જેની માહિતી ઇન્ટરનેશનલ કન્સોર્શિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્સ (ICIJ)ને આપવામાં આવી હતી. ભારતમાં ઇન્ડિયન એક્સપ્રેસ અખબાર આ સંગઠનમાં જોડાયેલું છે. અગાઉ આ સંગઠન દ્વારા જ પનામા પેપર્સ સહિતના ઘટસ્ફોટો થઇ ચૂકયા છે.

              ICIJના જણાવ્યા અનુસાર અમેરિકન સરકારને સુપરત કરાયેલી 'ફિનસેનલ્લ ફાઇલ્સમાં ૧૯૯૯થી ૨૦૧૭ના ગાળામાં થયેલા લગભગ બે ટ્રિલિયન ડોલરથી વધુના ટ્રાન્ઝેક્શન્સની માહિતી છે. નાણાસંસ્થાઓના આંતરિક કમ્પ્લાયન્સ વિભાગે આ ટ્રાન્ઝેક્શન્સને શંકાસ્પદ ગણાવ્યા હતા. આમ તો SARs એટલે કશું ખોટું કે ગેરકાયદેસર થયું જ છે તેવો પુરાવો નથી. પરંતુ, તે એમ સૂચવે છે  કે આ વ્યવહારો શંકાસ્પદ હતા કે હોઇ શકે છે. ICIJના અહેવાલ મુજબ લીક થયેલા દસ્તાવેજ ફિનસેનને સુપરત કરાયેલા અહેવાલનો બહુ નાનો હિસ્સો છે.

              ICIJના અહેવાલ મુજબ ફિનસેન ફાઇલ્સમાં પાંચ વૈશ્વિક બેન્કનો ઘણી વખત ઉલ્લેખ કરાયો છે. જેમાં HSBC હોલ્ડિંગ્સ, જેપી મોર્ગન ચેઝ એન્ડ કંપની, ડોએચ્ચ બેન્ક એજી, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ પીએલસી અને બેન્ક ઓફ ન્યૂયોર્ક મેલન કોર્પોરેશનનો સમાવેશ થાય છે. SARs મની લોન્ડરિંગ અને અન્ય ગુના અટકાવવાના વૈશ્વિક પ્રયાસોમાં મહત્વની ગુપ્ત માહિતી પૂરી પાડે છે. રવિવારે મીડિયાએ બેન્કિંગ સિસ્ટમ દ્વારા મોટી રકમના ગેરકાયદે ભંડોળના ટ્રાન્ઝેક્શન્સ થયા હતા. ટ્રેઝરી ડિપાર્ટમેન્ટની કરન્સી કોમ્પ્ટ્રોલરની ઓફિસના જણાવ્યા અનુસાર ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન પકડાયા પછી બેન્કે ૬૦ દિવસમાં SARsને માહિતી આપવાની હોય છે.

                ICIJના અહેવાલ પ્રમાણે ઘણા કેસમાં બેક્નોએ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સના પ્રોસેસિંગ પછી વર્ષો સુધી તેની માહિતી આપી નથી. SARsની વિગત અનુસાર બેન્કોએ બ્રિટિશન વર્જિન આઇલેન્ડ્સ જેવા ઓફશોર હેવન્સમાં નોંધાયેલી કંપનીઓ વતી ઘણી વખત ભંડોળ ટ્રાન્સફર કર્યું હતું અને તેમને એકાઉન્ટના વાસ્તવિક માલિકની  જાણ ન હતી. મોટી બેન્કોના સ્ટાફે મોટા ટ્રાન્ઝેક્શન્સ પાછળની એન્ટિટીને શોધવા ગૂગલ સર્ચનો સહારો લીધો હતો.

              અહેવાલમાં વિવિધ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સની માહિતી આપવામાં આવી હતી. જેમાં વેનેઝુએલા, યુક્રેન મલેશિયાના ભ્રષ્ટાચારી વ્યક્તિઓ અને કંપનીઓ માટે જેપી મોર્ગન દ્વારા ભંડોળ ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. ઉપરાંત, એક પોન્ઝિ સ્કીમના નાણાં HSBC દ્વારા અને યુક્રેનના ધનકુબેરનું ભંડોળ ડોએચ્ચ બેન્ક દ્વારા ટ્રાન્સફર કરાયું હતું.  ફિનસેન ફાઇલ્સના અત્યાર સુધીના તારણ અનુસાર ૨૦૧૦થી ૨૦૧૭ના ગાળામાં ભારતની ખાનગી, PSU અને વિદેશી બેન્કોનાં  ૪૦૬ ટ્રાન્ઝેક્શન્સમાં નાણાકીય લેવડદેવડના કનેક્શન સ્પષ્ટ થયા છે. અહીં કેટલાક મોટા ટ્રાન્ઝેક્શન્સનો ઉલ્લેખ જરૂરી છે. લીક થયેલી માહિતી અનુસાર ભારતમાં સક્રિય સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કે એક જ ટ્રાન્ઝેક્શનમાં મેરિલ લિંચ બેન્ક સ્યુઇસ સાને ૯ જુલાઈ, ૨૦૧૧ના રોજ $૮૧,૭૩,૩૭૮ ટ્રાન્સફર કર્યા હતા. એવી રીતે બેન્ક ઓફ ઇન્ડિયાને ૪ નવેમ્બર, ૨૦૧૫થી ૧૪ એપ્રિલ, ૨૦૧૬ના ગાળામાં DBS બેન્ક તરફથી $ ૧૧૯૫૪૮૧૩૫ મળ્યા હતા. DBS બેન્કે અલ્હાબાદ બેન્કને ૬ નવેમ્બર, ૨૦૧૫થી ૨૩ ફેબ્રુઆરી, ૨૦૧૬ના ગાળામાં ૨૬ ટ્રાન્ઝેક્શન્સ દ્વારા $૧૪,૪૨,૪૮,૯૯૮ મોકલ્યા હતા. સિંગાપોરમાં વડું મથક ધરાવતી DBSએ ઇન્ડિયન ઓવરસીસ બેન્કને પણ ૩ નવેમ્બર, ૨૦૧૫થી ૧૪ એપ્રિલ, ૨૦૧૬ના ગાળામાં ૨૧ ટ્રાન્ઝેક્શન્સ દ્વારા $ ૧૬૨૩૮૧૨૬૧ મોકલ્યા હતા. HDFC બેન્કે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કને ૨૪ સપ્ટેમ્બર, ૨૦૧૨થી ૧૫ ફેબ્રુઆરી, ૨૦૧૩ના ગાળામાં ૧૧ ટ્રાન્ઝેક્શન્સ દ્વારા $૩૨,૭૯,૯૯,૮૯૦નું ભંડોળ મોકલ્યું હતું. ઇન્ડસઇન્ડ બેન્કે ૧૩ જૂન, ૨૦૦૮થી ૭ નવેમ્બર, ૨૦૧૨ના ગાળામાં HSBCને $૮૨,૬૦,૮૬૮ ટ્રાન્સફર કર્યા હતા. SBIએ ૨૫ જાન્યુઆરી, ૨૦૧૨થી ૯ ઓક્ટોબર, ૨૦૧૨ના ગાળામાં DNB નોર બેન્ક અસાને ૯ ટ્રાન્ઝેક્શન્સ દ્વારા $૫૭,૯૧,૦૫૫ ટ્રાન્સફર કર્યા હતા.

(9:18 pm IST)