મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

ઠંડીનો પ્રકોપ શરૃઃ બન્ને લશ્કરના જવાનો બિમાર પડવા લાગ્યા

ચીનાઓનો ભરોસો કેટલો કરવો! પાકિસ્તાનની જેમ જ વારેવારે બોલીને ફરી જાય છેઃ સમજુતી પછી પાછા ઘુસી નહિ જાય તેની ખાત્રી શું ? : ૮ વિવાદીત સ્થળો ભયાનક શિયાળામાં હજારો સૈનીકો માટે ટકી રહેવાની યોજનાઓ શરૃઃ ૬ ઠ્ઠા તબકકાની મંત્રણાઓ નિષ્ફળ

જમ્મુઃ (સુરેશ ડુગ્ગર દ્વારા) લદાખ સરહદે હિન્દ-ચીન  લશ્કરી જનરલો વચ્ચે ૬ઠ્ઠા તબકકાની મંત્રણાઓ નિષ્ફળ ગઇ છે. ભારતને હવે કોઇ આશા નથી કે ચીની સૈનીકો લડાખમાં વિવાદીત વિસ્તારોમાંથી પાછા હટી જશે. હવે લાઇન એટ કંટ્રોલ ઉપર આવી રહેલ ભયાનક શિયાળા સહિત લાંબો  સમય હજારોના લશ્કર માટે ટકી રહેવા અને શિયાળાથી બચવા માટે મોટી યોજનાની તૈયારી અનિવાર્ય બની છે.

સંરક્ષણ સુત્રોના કહેવા મુજબ ચીની સૈનીકોની વાપસી બે મુદે અટકી છે. પ્રથમ તો પહેલ કોણ કરે  ? ૬ઠ્ઠા તબકકાની મંત્રણામાં ભારતીય અધિકારીઓનું કહેવુ છે સીમા સમજુતીનો ચીની સેનાએ ભંગ કર્યો છે. તો પ્રથમ પાછા તેઓ હટે.

બીજો મહત્વનો મુદો એ છે કે એ વાતની શું ગેરંટી છે કે ચીની લશ્કર લડાખના વિસ્તારોમાં ઘુસીને ફરી વિવાદ નહિ સર્જે. છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાનની જેમ જ ચીન પણ હવે થયેલ સમજુતીનું પાલન કરતી નથી.

ભારતીય અધિકારીઓએ ચીનાઓને કહી દીધુ છે કે પેંગોંગ લેઇક સહિત સરહદ ઉપર તમામ સ્થાનો ઉપર એપ્રિલની જે સ્થિતિ હતી તે પુનઃ સ્થાપીત કરે અને ચીની સેનાને પરત ખેંચી લ્યે..

ભારત તરફથી ૧૪મી કોર કમાન્ડર પ્રમુખ લેફટન્ટ જનરલ હરિંદર સિંહે નેતૃત્વ કરેલ. તેમની સાથે લેફ જનરલ મેનન સામેલ રહેલ. હવે હરિંદર સિંહના સ્થાને લેફ જનરલ મેનન ઓકટોબરમાં આવશે.

આ સ્થિતિમાં લડાખના લગભગ ૮ વિવાદીત ક્ષેત્રોમાં ભારતીય સેનાએ ભયાનક શિયાળુ ઠંડીમાં ટકી રહેવા યોજના તુરત લાગુ કરવા માંડી છે.

દરમિયાન ઠંડીનો પ્રકોપ શરૂ થઇ ગયો છે અને નકકર ઉપાયોના અભાવે બંને લશ્કરના અનેક જવાનો બિમાર પડવા લાગ્યા છે.

(3:55 pm IST)