મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

સાવધાનઃ શરીરમાં 'ટ્રાન્સફેટ' વધુ હોય તો કોરોનાનું જોખમ વધી જાય છે

વધુ ટ્રાન્સફેટને કારણે હૃદયરોગ તથા ડાયાબીટીસનો પણ ખતરોઃ બ્લડ ટેસ્ટીંગ કરવું હિતાવહ : બે ગ્રામ ટ્રાન્સફેટથી હૃદયરોગનું જોખમ ર૩ ટકા જેટલું વધી જાય છેઃ ડો. ઇરામ રાવ : ભારતમાં ટ્રાન્સફેટની માત્રા નિયંત્રણમાં રાખવા સંદર્ભે અધિનિયમ બન્યો છે, પરંતુ અમલમાં નથી આવ્યો

રાજકોટ તા. રર : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરાયેલ કોરોના (COVID 19) એ સમગ્ર દેશમાં તથા વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. લાખો લોકોના જીવ ગયા છે તો કરોડો લોકો કોરોના ગ્રસ્ત થયા છે. લોકોને સતત કોરોના થવાનો ભય સતાવી રહ્યો છે. કોરોના સામેની તકેદારીના વિવિધ પગલાઓ પણ લોકો દ્વારા તથા સરકાર દ્વારા અવિરતપણે લેવાઇ રહ્યા છે.

આ બધાં પરિબળો વચ્ચે મેડીકલ સૂત્રો દ્વારા એક નવી વાત સામે આવી છે કે જો શરીરમાં ટ્રાન્સફેટનું પ્રમાણ વધુ હોય તો કોરોનાનું જોખમ ઘણું બધું વધી જાય છે. આ ઉપરાંત વધુ ટ્રાન્સફેટને કારણે હૃદયરોગ તથા ડાયાબીટીસનો ખતરો પણ રહે છે. ટ્રાન્સફેટની માત્રા જાણવા તથા શરીરની તંદુરસ્તીની બાબતમાં વધુ સારા પરિણામો મેળવવા સમયાંતરે બ્લડ ટેસ્ટીંગ કરવું હિતાવહ હોવાનું જનસ્વાસ્થ્ય પોષણ વિભાગ હૈદ્રાબાદના વરીષ્ઠ વૈજ્ઞાનિક તથા પ્રમુખ ડો. અવુલા લક્ષ્મણ કહે છે.

આપણા દ્વારા લેવાતા રોજના ખોરાકમાં અગાઉથી જ ટ્રાન્સફેટની માત્રા રહેલી હોય છે. જેની વધુ પડતી માત્રા જોખમરૂમ સાબિત થઇ શકે છે. દિલ્હી વિશ્વવિદ્યાલયના પ્રાધ્યાપક ડો. ઇરામ રાવના મતે આપણા ખોરાકમાં રહેલા પ્રતિ બે ગ્રામ ટ્રાન્સફેટથી ર૩ ટકા સુધી હૃદયરોગનું જોખમ વધી જાય છે. જેથી ટ્રાન્સફેટના પ્રમાણને શરીરમાં નિયંત્રણમાં રાખવું ખૂબ જરૂરી છે.

ભારતમાં કુલ મૃત્યુ પામતા લોકોમાં અંદાજે ૬૧ ટકા જેટલા લોકો હૃદયરોગ તથા ડાયાબીટીસથી ઘેરાયેલા હોય છે. જે માટે ટ્રાન્સફેટની વધુ માત્રા પણ જવાબદાર હોય છે આવા લોકોને કોરોનાનું જોખમ પણ વધુ હોય છે. આ બાબતનો ઉલ્લેખ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના 'રીસોલ્વ ટુ સેવ લાઇફ' તથા વાઇટલ સ્ટ્રેટેજીસના સંયુકત ગ્લોબલ ટ્રાસ લિમિનેશન રીપોર્ટ-ર૦ર૦માં કરવામાં આવ્યો છે.

એક રીપોર્ટ અનુસાર વિશ્વની લગભગ બે તૃતિયાંશ જેટલી વસ્તી ધરાવતા ૧પ જેટલા દેશોએ ઇ.સ. ર૦૧૭ થી પોતાના દેશમાં તમામ ખાદ્યપદાર્થો તથા તેલમાં ટ્રાન્સફેટની માત્રા બે ટકા જેટલી નિશ્ચિત કરી દીધી છે.

ભારતમાં ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડઝ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (FSSAI) દ્વારા ડીસેમ્બર ર૦૧૮માં તમામ ખાદ્યતેલો તથા ખાદ્ય વસ્તુઓમાં ટ્રાન્સફેટની માત્રા બે ટકા નિશ્ચિત કરવા માટેનો અધિનિયમ બનાવવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી અમલમાં નથી આવ્યો.

આમ તંદુરસ્ત રહેવા માટે તથા કોરોના હૃદયરોગ, ડાયાબીટીસ જેવી બિમારીઓને દૂર રાખવા માટે શરીરમાં ટ્રાન્સફેટનું પ્રમાણ વધારે પડતું ન હોય તે ખૂબ જરૂરી છે.

ટ્રાન્સફેટ શું છે?

 એક જાતની ચરબી છે. જેનો સ્વાદ સરસ હોય છે. પરંતુ શરીરને નુકશાનકારક છે. તેને ટ્રાન્સફેટી એેસિડ પણ કહેવાય છે.

 બજારમા મળતા ફાસ્ટફુડ-જંકફુડમાં કે તળેલા ખોરાકમાં વધુ પ્રમાણમાં હોય છે.

 જયારે કોઇ લિકવીડ ઓઇલને કોઇપણ સોલિડ ફેટમાં બનાવવામાં આવે ત્યારે ટ્રાન્સફેટ બને.

 ટ્રાન્સફેટ એક ટાઇપના અનસેચ્યુરેટેડ ફેટ છે. એટલે કે તે રીએકટીવ હોય છે.

 આપણા શરીરમાં બે ટાઇપના કોલેસ્ટ્રોલ હોય છે (1) LDL (2) HDL જેમાં LDL ને બેડ કોલેસ્ટ્રોલ   કહેવાય કે જે શરીર તથા હૃદય માટે નુકશાન-કારક છે. ટ્રાન્સફેટ LDL કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે. જેને કારણે હૃદયની નળીઓમાં છારી જામી જાય છે. અને હૃદયને પમ્પીંગમાં તકલીફ પડે છે તથા બ્રેઇન સ્ટ્રોકના ચાન્સ પણ રહે છે.

જયારે HDL ને ગુડ કોલેસ્ટ્રોલ કહેવાય છે. જે પ્રમાણમાં LDL જેટલું નુકશાન કારક નથી. ટ્રાન્સફેટ HDL ઘટાડે છે

કયા ફુડમાં ટ્રાન્સફેટ વધુ હોય છે?

 પ્રોેસેસ કરેલા પેકેજડ ફુડ કે જે બજારમાં મળે છે તેમાં મોટાભાગે ટ્રાન્સફેટ હોય છે. આ ફુડ આઇટમ્સમાં કુકીઝ, કેક, બિસ્કીટ, ડોનટ, બ્રેડ, ફોઝન પીઝા, બહાર મળતી તળેલી વસ્તુ, એક વધારે વખત ખાદ્ય તેલ, વાપરવામાં આવે તે તેલ, (દાઝયુ તેલ),ફાસ્ટફુડ, બહારની ફ્રેન્ચ ફ્રાઇઝ વિગેરેનો સમાવેશ થાય છે. એનિમલ ફુડ (નોનવેજ)માં ટ્રાન્સફેટ ઓછું જોવા મળતું હોય છે. બટરના બદલે ઓલીવ ઓઇલના વપરાશથી ટ્રાન્સફેટમાં ઘટાડો થાય છે. સાદું ભોજન તથા હળવી કસરત પણ ટ્રાન્સફેટને ઘટાડવામાં મદદરૂપ થાય છે.

(3:17 pm IST)