મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

રાજ્યસભામાં ઉપરાષ્ટ્રપતિ નાયડુ રડી પડયા

વેંકૈયા નાયડુએ ભાવુક થઇને કહ્યું, ખરેખર રાજ્યસભામાં હોબાળો ખૂબ જ શરમજનક બાબત છે

નવી દિલ્હી તા. ૨૨ : રાજયસભાના મોનસુન સત્રમાં ઘણુ બધુ પહેલીવાર જોવા મળી રહ્યું છે ત્યારે રવિવારે વિપક્ષ દ્વારા કરવામાં આવેલ હલ્લાબોલ અને ડે. સ્પીકરની જગ્યાપર ધસી જઈ તોડ ફોડ કરવી જેવી ઘટનાને લઈને વેકૈંયા નાયડુ ભાવુક થઈ ગયા હતા અને તેમણે કહ્યું હતુ કે, ખરેખર આ ખુબજ શરમજનક બાબત છે અને આવી વાતોથી ઠેસ પહોંચે છે આટલું કહેતા કહેતા વેકૈંયા નાયડુ રડી પડ્યા હતા.

રાજયસભામાં વેંકૈયા નાયડુ ભાવુક થયા હતા.રાજયસભાને સંબોધિત કરતાં ભાવુક થતાં તેમણે કહ્યું કે, સાંસદોએ પણ ખુદ સ્વીકાર્યું કે તેમણે હોબાળો કર્યો અને માઈક તોડ્યું. આ બાબત જરા પણ ચલાવી ન લેવાય આનાથી સ્પીકર અને ડે. સ્પીકરના પદની ગરીમા ભંગ થઈ છે. વિપક્ષનું આવું વલણ અમને કેટલું દુખી કરે છે? આટલુ કહેતા કહેતા તેઓ રડી પડ્યા હતા.રાજયસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ સોમવારે વિપક્ષી ૮ સાંસદને એક સપ્તાહ માટે સદનની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કર્યા છે. રવિવારે કૃષિ સાથે જોડાયેલાં બે બિલ સદનમાં પાસ થયાં હતાં. ચર્ચા દરમિયાન વિપક્ષી સાંસદોએ વેલમાં આવીને નારેબાજી કરી હતી, ઉપસભાપતિ હરિવંશનું માઈક કાઢવાની કોશિશ કરાઈ હતી.

સ્પીકર વેંકૈયાએ ડે. સ્પીકર હરિવંશ પર કાર્યવાહીની માંગને ફગાવી દીધી હતી. કૃષિ મંત્રીના જવાબ પર ચર્ચાની માંગ ફગાવી નાખવામાં આવ્યા પછી ૧૨ વિપક્ષે રવિવારે હરિવંશની વિરૂદ્ઘ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી. વેંકૈયાએ કહ્યું કે ગઈકાલે જે રાજયસભા થયું હતું, તેને સારૂ ન કહી શકાય. કેટલાક સાંસદોએ વેલમાં આવીને નારાબાજી કરી હતી. તેમના કામમાં અવરોધ સર્જાયો હતો. મારી સલાહ છે જે સાંસદો પર કાર્યવાહી થઈ, તેમણે પોતાની અંદર જઈને જોવું જોઈએ.

(3:14 pm IST)