મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

કૃષિ ખરડા મામલે વિરોધ પક્ષો સંગઠિતઃ રપ સપ્ટેમ્બરે 'ભારત-બંધ' એલાન

પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત દેશના કેટલાક ભાગોમાં કૃષિ સંબંધિત ખરડાઓના મામલે વિરોધ-પ્રદર્શનો થઇ રહ્યા છે

નવી દિલ્હી તા. રર :.. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સહિત દેશના કેટલાક ભાગોમાં કૃષિ સંબંધિત ખરડાઓના મામલે વિરોધ-પ્રદેશનો થઇ રહ્યા છે. ત્રણેય ખરડા લોકસભામાં પસાર થઇ ચૂકયા છે. રાજય સભાએ બે ખરડા પાસ કર્યા છે. કૃષિ ક્ષેત્ર સંબંધિત ત્રણેય બિલ જે રીતે પાસ થયા છે તેને કારણે કોંગ્રેસ સહિત વિપક્ષે સરકાર સામે મોરચો ખોલી દીધો છે. કોંગ્રેસ પાર્ટીએ આ બિલોની સામે દેખાવો શરૂ કરી દીધા છે. કોંગ્રેસ સહિત અનેક વિરોધ પક્ષોએ રપ સપ્ટેમ્બરે 'ભારત બંધ'નું આહવાન કર્યુ છે. કોંગ્રેસ બધા રાજયોની પ્રદેશ કોંગ્રેસ કમિટીઓને આદેશ આપ્યો છે કે એ આ મુદાને પંજાબ અને હરિયાણામાં મજબુતીથી ઉઠાવે.

કૃષિ બિલોને જે રીતે રાજયસભામાં પાસ કરાવવામાં આવ્યા છે, એ પછી કુલ ૧ર વિરોધ પક્ષોએ રવિવારે રાજયસભામાં ઉપસભાપતિની સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. કોંગ્રેસ, ટીએમસી, સપા, ટીઆરએસ, સીપીઆઇ, સીપીએમ, ડીએમકે, આપ, આઇઇયુએમએલ અને કેરળ કોંગ્રેસના ઉપસભાપતિની સામે આ અવિશ્વાસ રજૂ કર્યો હતો.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ રાજયસભામાં જે રીતે આ બિલોને રજૂ કરવામાં આવ્યા એની તીખી આલોચના કરતાં કહ્યું હતું કે આ ખેડૂતોનું ડેથ વોરંટ છે. તેમણે કહયું હતું કે જે ખેડૂત ધરતી પર સોનું ઉગાડે છે, મોદી સરકારનો ઘમંડ એને લોહીનું આંસુ રોવડાવે છે. રાજયસભામાં આજે જે રીતે કૃષિ વિધેયકના રૂપે સરકારે  ખેડૂતોની સામે મોતનું ફરમાન કાઢયું છે એનાથી લોકતંત્ર શરમ અનુભવે છે. બીજી બાજુ સરકાર સતત આ બિલનું સમર્થન કરી રહી છે અને એનું કહેવું છે કે આ બિલ ખેડૂતોને તેમની ઉપજના મોંમાગી કિંમતે વેચવાની સ્વતંત્રતા છે. તેઓ જયાં ઇચ્છે ત્યાં પોતાની ઉપજ વેચી શકે છે.

દેશભરમાં ખેડૂતો આ કૃષિ વિધેયકોનો વિરોધ કરી રહ્યા છે. સૌથી વધુ વિરોધ હરિયાણા અને પંજાબમાં થઇ રહ્યો છે. આ બિલના વિરોધમાં હરિયાણાના ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે. બીજી બાજુ, પંજાબમાં ખેડૂતોનું પ્રદર્શન ઉગ્ર થઇ ગયું છે. ભારતીય કિસાન યુનિયન સહિત ૧૭ કિસાન અને મજદૂર સંગઠનોએ આજે એના વિરોધમાં ચકકા જામનું એલાન કર્યુ છે. જો કે ખેડૂતોના આંદોલનને પહોંચી વળવા માટે પોલીસ સતર્ક થઇ ગઇ છે. કિસાન આંદોલનને લઇ હરિયાણામાં અલર્ટ જારી કરવામાં આવ્યું છે.

(11:35 am IST)