મુખ્ય સમાચાર
News of Tuesday, 22nd September 2020

ક્રુડનો ભાવ તળિયે : પાણીથી પણ સસ્તુ થઇ ગયું

બ્રેન્ટ ક્રુડ ૪ ટકા ઘટીને ૩૯.૧૯ ડોલર પ્રતિ બેરલના સ્તર પર આવી ગયું : એક લિટરની ગણતરી કરીએ તો રૂપિયા ૧૮.૧૫નું થાય : દેશમાં બોટલ બંધ પાણી રૂ. ૨૦માં મળે છે : ક્રુડના ઘટડા ભાવ ભારતીય અર્થવ્યવસ્થા માટે સંજીવની સાબિત થશે : ભારતનું આયાત બીલ પણ ધરખમ ઘટી જશે

નવી દિલ્હી તા. ૨૨ : કોરોના સંક્રમણને લઇને વધી રહેલી ચિંતાઓ વચ્ચે ફરી એક વખત ક્રુડના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. મળતા અહેવાલો મુજબ દુનિયાભરમાં આર્થિક રિકવરીને લઇને ઘટી રહેલી આશાઓએ ક્રુડના ભાવ ઉપર પ્રેસર બનાવ્યું છે. સાથોસાથ ક્રુડનું ઉત્પાદન અને નિકાસ કરનારા દેશો તરફથી સતત ક્રુડની સપ્લાય વધારવામાં આવી રહી છે. જેના કારણે ગઇકાલે બ્રેન્ટ ક્રુડ ૪% ઘટીને ૩૯.૧૯ ડોલર પ્રતિ બેરલના સ્તર પર આવી ગયું છે. આ ધરખમ ઘટાડા બાદ ક્રુડ ઓઇલ પાણી કરતા પણ સસ્તુ થઇ ગયું છે. અત્રે નોંધનીય છે કે ભારત પોતાની જરૂરીયાતના ૮૩ ટકાથી વધુ ક્રુડની આયાત કરે છે અને આ માટે તેને દર વર્ષે ૧૦૦ અબજ ડોલર આપવા પડે છે. નબળા રૂપિયાને કારણે ભારતનું આયાત બીલ વધુ વધી જતું હોય છે અને સરકાર તેની ભરપાઇ માટે ટેક્ષના ઉંચા દરો રાખે છે.

વર્તમાન સમયમાં ૧ લીટર ક્રુડ ઓઇલનો ભાવ ૩૯ ડોલર પ્રતિ બેરલ છે. એક બેરલમાં ૧૫૯ લિટર હોય છે. આ હિસાબથી જોઇએ તો એક ડોલરનો ભાવ ૭૪ રૂપિયા છે. એ હિસાબથી એક બેરલનો ભાવ ૨૮૮૬ રૂપિયા બેસે છે. હવે એક લિટરમાં બદલીએ તો તેનો ભાવ ૧૮.૧૫ રૂપિયા આવે છે. જ્યારે દેશમાં બોટલમાં પાણીની કિંમત રૂ. ૨૦ છે.

કોરોના વાયરસને રોકવા માટે મોટાભાગના દેશોને લોકડાઉન લગાવ્યું હતું. કરોડો લોકો ઘરમાં કેદ થઇ ગયા હતા તો બિઝનેસ પણ ઠપ થઇ ગયો હતો. જેના કારણે પેટ્રોલ અને ડિઝલની માંગ તથા વેચાણ ઝડપથી ઘટી ગયા છે. આ દરમિયાન સાઉદી અરેબીયા, રૂસ અને અમેરિકા વચ્ચે ક્રુડ ઓઇલની ઉત્પાદન ઘટાડવા પર સહમતી ન થઇ. સાઉદી અરબ ઓઇલનું ઉત્પાદન કરતું રહ્યું બાદમાં ક્રુડ તેલ પર નિર્ભર સાઉદી અરબની અર્થવ્યવસ્થા હચમચી તો તેણે ક્રુડના ભાવ ઘટાડી દીધા. અગાઉ ક્રુડનો ભાવ ૧૬ ડોલર પ્રતિ બેરલ થઇ ગયો હતો. સસ્તુ ક્રુડ ભારતીય અર્થવ્યવસ્થા માટે આશિર્વાદ સમાન છે.

(10:27 am IST)